પ્રભુતામાં પગલાં:ભુજના વાંઢાયમાં ઉમિયા માતાજી સંસ્થાનમાં સમૂહલગ્નનું આયોજન, 12 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજાયેલા સમૂહલગ્નમાં યુગલોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ ગ્રહણ કર્યો

ભૂજ તાલુકાના વાંઢાય ખાતે આવેલા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનમાં શ્રી દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઉમિયા માતાજી મંદિરના વિશાળ પટાંગણમાં વાંઢાય તથા આસપાસના 20 ગામના સંયુક્ત ઉપક્રમે 14મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 યુગલોએ જોડાઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ માઁ ઉમાના આશિષ મેળવ્યા હતાં. આ વેળાએ તમામ નવ દંપતીને માતાજી સમક્ષ કાયમી વ્યસન મુક્ત રહેવાના સંસ્થાના ટ્રસ્ટી ડો. કે.વી પાટીદારે સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલા આશીર્વાદ સમારોહમાં ઉપસ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ ધોળુએ નવયુગલોને આશીર્વચન સાથે સુંદર આયોજન બદલ સમિતિને અભિનંદન પાઠવ્યાં હતાં. ઉપરાંત ઉમાપતિ મહાદેવ મંદીરના દશાબ્દી વર્ષ નિમિત્તે આ વખતે સતરામ મંદિર નડિયાદના સહયોગથી સંસ્થામાં યોજાયેલા આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ સમારંભમાં અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સંસ્કારધામના પ્રમુખ ગંગારામભાઈ રામાણી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ જેન્તીભાઈ રામાણી, કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ હિતેશભાઈ રામજીયાણીએ નવદંપતિઓને સુખી ગૃહસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

મહામંત્રી રમેશભાઈ પોકારે પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે સમૂહલગ્ન આયોજન થકી જ જ્ઞાતિની પ્રગતિ શક્ય બની છે. આજે આ સમિતિને 14 વર્ષ પૂરાં થાય છે, ત્યારે 14 વર્ષમાં માત્ર અખાત્રીજના જ 1058 જેટલા દીકરા-દીકરીઓના લગ્ન માતાજીના આંગણે કરાવવાનો અવસર મળ્યો છે એ જ અમારું સૌભાગ્ય છે.

આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક વર-વધૂને ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓના હસ્તે આશીર્વાદપત્ર, માઁ ઉમિયાની તસ્વીર અને અન્ય ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સારું એવું રોકડમાં કન્યાદાન નોધાયુ હતું. નોંધાયેલું દાન તમામ બાર કન્યાઓને આગામી શ્રાવણ માસમાં અનુકૂળતાએ એક સમારંભ યોજી અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે યુવા સંઘના સેન્ટ્રલ પ્રેસિડન્ટ હિતેશભાઇ રામજીયાણીનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કચ્છ મિત્રના પ્રતિનિધિ શાંતિલાલ લીંબાણી, દિવ્ય ભાસ્કરના ચેતનભાઈ માવાણી તેમજ કબીર ન્યુઝના કૌશિક રામજીયાણીનું પણ સ્વાગત સન્માન કરાયા હતા. આ પ્રસંગે નવયુગલોના નાગિયારીના તલાટી જયભાઈ ઠક્કર દ્વારા સ્થળ પર જ લગ્ન નોંધણીના સર્ટિફિકેટ બનાવીને આપવામાં આવ્યાં હતાં. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સ્થાનિક તેમજ કચ્છ બહાર વસતા જ્ઞાતિજનો તરફથી સારો સહયોગ મળ્યો હતો. જેમાં 4500 જેટલા જ્ઞાતિજનો જુદા-જુદા વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે પણ દાતાઓ તરફથી દરેકને ઉમિયા માતાજી સંસ્થાનું મુખપત્રક ઉમાદર્પણનું લવાજમ ભરી દેવામાં આવ્યું હતું.

વહેલી સવારે 6૦૦ કલાકેથી શરૂ થયેલા સમૂહલગ્નના વિવિધ કાર્યક્રમોમાં કન્યાના મંડપારોપણ, વરરાજાના સ્વાગત સામૈયા તેમજ હસ્તમેળાપની વિધિ સંગીતમય વાતાવરણમાં લગ્નવિધિના મુખ્ય આચાર્ય ચેતન ઠાકર ઉપરાંત અન્ય ભુદેવોએ કરાવી હતી. બપોરે 1.30 કલાકે જાનને વિદાય આપવામાં આવી હતી.

આ સમૂહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવવા આયોજન સમિતિ તરફથી બનાવાયેલી જુદી જુદી 22 જેટલી સમિતિઓના કન્વીનરો અને સભ્યો તેમજ આ આયોજનમાં જોડાયેલા વીસ ગામોના સમાજો યુવા તેમજ મહિલા મંડળોના ભાઈ-બહેનોએ આયોજન સમિતિના અગ્રણીઓએ પોતાનો સહયોગ આપ્યો હતો. પ્રારંભમાં મંત્રી પ્રાણલાલભાઈએ સ્વાગત કર્યું હતું. જ્યારે ડો. બિહારીભાઈ રામજિયાણીએ સમૂહલગ્ન કાર્યક્રમના સંચાલનનો દોર સંભાળ્યો હતો. આભારવિધિ સહમંત્રી વિનોદભાઈ ધોળુએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...