ગત 19મી એપ્રિલના ત્રણ પોલીસ કર્મચારીઓએ ઘંઉનો જથ્થો લઇને જતા ટેમ્પોને કોડાય પાસે રોકાવી બાદમાં 14 લાખમાં તોડ કર્યાના ચકચારી બનાવમાં ગત સપ્તાહે ત્રણ પોલીસ કર્મચારીની સસ્પેન્ડ તેમજ પીએસઆઇ અને જમાદારની સજારૂપે બદલી કરાઇ હતી. મંગળવારે માંડવી પોલીસે ઢીંઢ ગામના ગોડાઉને પડેલો ઘંઉ અને ચોખાનો જથ્થો જપ્ત કરી તપાસે આગળ ધપાવી છે.
કોડાય પાસે પરોઢીયે પોલીસ કર્મચારીઓએ ટેમ્પો રોકાવ્યા બાદ બીજા દિવસે તોડની રકમ લીધી હોવાની સમગ્ર હકીકત અંગે સૌપ્રથમ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કરાયો હતો, જેને અનુસંધાને તપાસનો આદેશ વછૂટયો હતો. એક મહિનાની તપાસમાં 18 જેટલા લોકોના નિવેદન લેવાયા હતા તેમજ સીસીટીવી ફૂટેજ, આંગડીયાની વિગતો, વેબ્રીજ કાંટાના ફૂટેજ, સીડીઆર ફાઇલ કબજે કરી અંતે અહેવાલ એસ.પી. સૌરભ સીંઘને સુપ્રત કરાયો હતો.
પ્રાથમિક તબક્કે એસ.પી.એ ગત સપ્તાહે પીએસઆઇ આર.સી. ગોહીલની લીવરીઝર્વમાં તેમજ દેવરાજ ગઢવીની નરા બદલી કરી હતી, તો પૃથ્વીરાજસિંહ વાઘેલા, મયુરસિંહ રાણા અને વિજયસિંહ ગોહીલને સસ્પેન્ડ કર્યા હતા. સમગ્ર પ્રકરણની આગળની તપાસ માંડવી પોલીસને સોંપાતા મંગળવારે ગોડાઉનેથી ઘંઉ તેમજ ચોખાનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.
આ અંગે પશ્ચિમ કચ્છ એસપીએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા ઘંઉના સરકારી જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે, જે જથ્થો સગેવગે થઇ રહ્યો હતો કે કેમ તેમજ અન્ય આસા-પાસા ચકાસીને જવાબદારો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પુરવઠા તંત્ર દ્વારા અનાજના પૂરવઠા અંગે કોઇ કાર્યવાહી પોતાની રીતે કરવામાં આવી છે કે નહીં તે અંગે પોતાને ખ્યાલ ન હોવાનું પણ પોલીસ દ્વારા સરકારી અનાજ હોવાને કારણે પોતાની રીતે તપાસ કરી આગળની પગલા લેવાશે તેમ ઉમેર્યું હતું.
પુરવઠા વિભાગ અત્યાર સુધી કાંઇ કર્યું જ નહીં !
ઘંઉનો જથ્થો ભરીને નિકળેલો ટેમ્પો રોકાયો બાદમાં પોલીસે તોડ કર્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓને તપાસ દરમિયાન નિવેદન માટે પણ બોલાવાયા હતા. સરકારી અનાજનો ટેમ્પો કયાં જઇ રહ્યો હતો, જયાં માલ મોકલવાનો હતો ત્યાં મોકલાયો કે નહી તેવા અનેક મુદ્દાઓ પર પુરવઠા વિભાગે અત્યાર સુધી કાંઇ કર્યું જ નથી. પોલીસ સમગ્ર કાંડમાં તપાસ આદરી માલનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.