લગ્નની સિઝન શરૂ થઈ રહી છે આ સાથે જ કચ્છભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.જેના કારણે હાલમાં ખુરશીની ખેંચતાણ શરૂ થઈ ગઇ છે.લગ્ન માટે હોલ, મંડપ, ખુરશી, સ્ટેજ વગેરેનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત જ થઈ ગયું હતું પણ ચૂંટણી ગત સપ્તાહમાં જાહેર થઈ.ચૂંટણીના કાર્યાલયો અને સભા માટે ખુરશી અને ગાદલાની વધુ જરૂરિયાત ઊભી થતા મંડપ વ્યાવસાયિકો હાલ વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી રહ્યા છે લગ્નના મુરતિયાઓ જીવનભર માટે સાથ નિભાવવા વચનો આપશે તો ચુંટણીના મુરતિયાઓ આવતા પાંચ વર્ષ માટે પ્રજાને વચનો આપશે.
આ બન્ને પ્રકારના મુરતિયાઓના જીવનમાં મહત્વનું ભાગ ભજવતી કોઈ વસ્તુ હોય તો એ છે ખુરશી.આગામી 18 તારીખથી શરૂ થતી લગ્નની સીઝન ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ચાલશે અને આ ત્રણ મહિનાના અપવાદરૂપ દિવસોને બાદ કરતાં કચ્છમાં બુકિંગ ફૂલ છે.લગ્નના તો એડવાન્સ બુકિંગ હતા પણ ચૂંટણી જાહેર થઈ જતા ઉમેદવારના પ્રચાર કાર્યાલય તેમજ પ્રચાર માટે ઠેર ઠેર યોજાતી જાહેર સભાઓ માટે પણ ખુરશીઓનું બુકિંગ વધી રહ્યું છે.
મંડપ સંચાલકોએ જણાવ્યું કે, લગ્નમાં તો પહેલેથી તારીખ પ્રમાણે બુકિંગ હોય છે પરંતુ ચૂંટણીમાં કોઈ એડવાન્સથી જાણ કરવામાં આવતી નથી. સભા કે કાર્યક્રમના આગલા દિવસે જાણ કરાય છે.કાર્યાલયમાં ઓછામાં ઓછી 50થી 100 ખુરશીની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે સભા હોય ત્યારે આ જરૂરિયાત વધી જાય છે. લગ્નના એડવાન્સ બુકિંગ હોવાથી રદ કરી શકાય નહિ. જેથી હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ખુરશીની સાથે મંડપ, પંખા, કૂલરની પણ માંગ વધી ગઈ છે.
લગ્ન અને સભા ભેગા થશે ત્યારે તકલીફ થશે
લગ્નની સીઝન અને ચૂંટણીને લઈને મંડપ ડેકોરેશનના વ્યવસાયમાં હાલ તેજી જોવા મળી રહી છે.મોટાભાગના લગ્ન સમારંભો માટે એડવાન્સ બુકિંગ થઈ ગયું છે તેમજ હાલમાં ચૂંટણી પણ છે.જોકે હાલ તો ખુરશી, ગાદલા સહિતની વસ્તુઓ માટે કોઈ ખેંચતાણ ઊભી થઈ નથી પરંતુ લગ્ન અને સભા એક જ દિવસે હશે ત્યારે ખુરશીઓ ઓછી પડશે તેવું લાગી રહ્યું છે.જે માટે મોટા સપ્લાયરોને અત્યારથી જ જાણ કરી દેવાઈ છે. > રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, કચ્છ જિલ્લા મંડપ એસોસિયેશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.