વાહનો સિઝ કરાયા:નખત્રાણાના સાંયરામાં મામલતદારનો સપાટો : રેતી ચોરતા 3 ટ્રેકટર, લોડર કબ્જે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીનું નાક કપાયું : 13 લાખના વાહનો સિઝ કરાયા
  • આરોપીઓ તળાવમાંથી રીતે રેતી ઉસેડતા હતા : ત્રીજા ટ્રેકટરમાં માલ ભરાતો હતો ત્યારે જ પડી રેડ

કચ્છમાં અવારનવાર ખનીજચોરીનો મુદ્દો સપાટી પર આવતો હોય છે પરંતુ જવાબદાર એવા ખાણ ખનીજ વિભાગ દ્વારા કચ્છમાં નામ માત્રની પણ કાર્યવાહી કરવામાં ન આવતી હોઇ અન્ય સરકારી વિભાગોને આ ગેરપ્રવૃતિ અટકાવવા માટે મેદાને આવવું પડે છે.એક તરફ માંડવી અને મુન્દ્રામાં એલસીબીએ સપાટો બોલાવીને રેતીચોરીનો પર્દાફાશ કર્યો છે ત્યારે નખત્રાણા પંથકમાં પણ મામલતદારે રેતી ભરેલા બે ટ્રેક્ટર સહિત કુલ ચાર વાહનો કબજે કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

નખત્રાણા તાલુકાના સાંયરા ગામે લાંબા સમયથી રેતી ચોરી થતી હોવાની ફરિયાદ પ્રાંત અધિકારી સમક્ષ જતા તેઓએ મામલતદારને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.જે અન્વયે નખત્રાણા મામલતદાર એફ.ડી.ચૌધરીએ સપાટો બોલાવીને આ રીતે ચોરીનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ ટ્રેક્ટર અને લોડર સહિતનો મુદ્દામાલ કબજે કરતા ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.સાયરા સીમમાં આવેલા ધ્રબડ તળાવમાંથી રેતીચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે રેડ કરાઈ હતી.

તળાવમાંથી લોડરની મદદથી રેતી ઉસેડી ટ્રેક્ટરમાં ભરવામાં આવતી હતી એ દરમિયાન જ મામલતદાર એફ.ડી.ચૌધરીએ રેડ કરતા આ સ્થળેથી કલાભાઈ સાંગાભાઈ રબારીના કબજામાંથી અઢી લાખનું લોડર નંબર જીજે14ડી 6124 વાળુ કબજે કરાયું છે.જ્યારે પાલા રવાભાઈ રબારીના કબજામાંથી ટ્રેકટર નંબર જીજે 12 ડીજી 8169 તેમજ રાયમા હમીદ અબ્દુલ્લાના કબજામાંથી ટ્રેકટર ટ્રોલી નંબર જીજે 9 બી 9483 તેમજ જત આમદ ઈસ્માઈલના કબજામાંથી ટ્રેક્ટર ટોલી નંબર જીજે 12 ડીએમ 1518 વાળું કબજે કરાયું છે. ટ્રેક્ટર ટ્રોલીની કિંમત 3.50 લાખ આંકવામાં આવી છે કુલ 13 લાખના વાહનો મામલતદાર દ્વારા કબજે કરીને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સિઝ કરીને રખાયા છે.

મામલતદાર ચૌધરીએ જણાવ્યું કે,બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી.ચાલકો પાસે રેતીના કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી.પ્રાથમિક પૂછપરછમાં તેઓ એક સ્થળેથી બીજા સ્થળે રેતીનું સ્થળાંતર કરતા હોવાનું જણાવી રહ્યા છે.અલબત્ત આગળની કાર્યવાહી માટે વાહનો નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રાખી ભુજ ખાણ ખનીજ અધિકારીને આગળની કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...