સુધારણા કામગીરી:ભુજમાં 36 એકરમાં ફેલાયેલા ઉપેક્ષિત ઉમાસરના ખાણેતરાથી જાળવણી શરૂ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કુવા આવના પુનઃસ્થાપનથી વધારાના પાણી હમીરસર તરફ વાળી ઓગનાવાશે
  • વિધાનસભાના મહિલા અધ્યક્ષાએ સફાઈ અને તળાવ સુધારણાનો કરાવ્યો પ્રારંભ

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યે બુધવારે ભુજના ઉપેક્ષિત અને 36 એકરમાં ફેલાયેલા ઉમાસર તળાવનું ખાણેતરું કરાવ્યું હતું. અેટલું જ નહીં પણ વધારાના પાણી ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં વાળી શકાય અે માટે ઉમાસર તળાવથી 24 કુવા આવ પુનઃસ્થાપન માટે સફાઈ અને સુધારણાનું કામ કરાયું હતું.

ગ્રામ વિકાસ પરિયોજના અન્વયે સમસ્ત મહાજન અને ભુજ નગરપાલિકાના સહયોગથી જળસ્રોત સ્રાવ પુનઃ જીવિત કામનો પ્રારંભ કરાવતા ડો. નિમાબેને કહયું હતું કે, પ્રવાસનનું કેન્દ્ર બનતા ભુજમાં જળ અને વૃક્ષથી હરિયાળી છવાશે. સદભાવના પરિવારના સહયોગથી 75 હજાર વૃક્ષો અને સમસ્ત મહાજન અને નગરપાલિકા ભુજના સંયુકત પ્રયાસોથી જળસ્ત્રવો પુનઃ સજીવ થશે.

સમસ્ત મહાજનના અગ્રણી દેવાંગભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, અન્ય રાજયો કરતા જળસ્ત્રોત, પાણી સુવિધા માટે આપણા રાજયમાં વધુ સુવિધા છે તે માટેના ઉદાહરણ અને તેમણે કરેલા વિકાસ કામો અને સંસ્થાના ધ્યેય લોકભાગીદારીથી સરકારના સહયોગથી વિકાસના આશયને રજુ કર્યો હતો.

ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ અાર. ઠકકરે આ તકે જણાવ્યું હતું કે, ઉમાસર તળાવના ખાણેતરા, ગાંડાબાવળ સફાઈ અને ચોવીસ કુવા આવના પગલે ચોમાસા પૂર્વે આ કામગીરી થઇ રહી છે. ઉનાળામાં પાણી રહે તે માટે તેમજ સંરક્ષણ દીવાલની કામગીરી નગરજનોનો સહયોગ મળવાથી આ તળાવ પુનઃ જીવીત થઈ હમીરસરને પણ છલકાવશે.

કાર્યક્રમમાં હિતેશ શાહ, દેવાંગભાઇ ગઢવી, બાલકૃષ્ણભાઇ મોતા, કાંતિલાલ પટેલ, નવીનભાઇ બાપટ, નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કમલ ગઢવી, રાજેશ ગોર, મનુભા જાડેજા, ધીરેન લાલન, હનીફ માંજોઠી, ઘનશ્યામ સી. ઠકકર, મુખ્ય અધિકારી જીગર પટેલ, ભાવિક ઠકકર હાજર રહ્યા હતા.

હમીરસર તળાવ કિનારે અડધા કરોડના ખર્ચે બાગનું ખાતમુહૂર્ત
ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવના કિનારે 54.66 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા શ્રીજી પાર્કનું ખાતમુહુર્ત વિધાનસભા અધ્યક્ષાઅે કર્યુ હતું. સરકારની અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, અમૃત યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા પારેશ્વરચોક ભુજ મધ્યે બનનારા આ કલ્ચરણ પાર્કને શ્રીજી પાર્કનું નામકરણ કર્યું હતું.

તેમણે ભુજ નગરપાલિકાના ચેરમેન જગત વ્યાસ દ્વારા નિર્મિત શ્રીજીની હવેલી તેમજ નગરપાલિકાની ટીમની વિકાસ તત્પરતા માટે પ્રસંશા કરી હતી. કારોબારી ચેરમેને શ્રીજી પાર્કમાં ગ્રીન સ્પેસ, સાંસ્કૃતિક પ્રવૃતિ, બાળકોના પ્લે પાર્ક, સીટીઝન બેઠક વ્યવસ્થા અને પ્રવાસી બેઠક આરા નિર્માણ વિશે માહિતી આપી હતી. ટોકન ભાડ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ અેટલે કે ભાડાએ પાર્ક માટે જગ્યા ફાળવી તેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...