ફરિયાદ:બિહારીલાલ મંદિરના કાર્યવાહક મહંતને મંદિરમાંથી બહાર ખેંચી જઈ 4ને માર માર્યો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૂતરા ભગાડવા ફેંકેલો પથ્થર ભૂલથી પાગલ માણસને વાગી જતા બની ઘટના

શહેરમાં બિહારીલાલ મંદિરના કાર્યવાહક મહંતને મંદિરમાંથી બહાર ખેંચી જઈ 4 જણાએ માર મારતા એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલે ગાયત્રી મંદિરની પાછળ આવેલા બિહારીલાલ મંદિરમાં રહેતા અને કાર્યવાહક મહંત તરીકે સેવા આપતા રિતેશદાસ ઉર્ફે ઋષિદાસે એ ડિવિઝન પોલીસમાં 4 જણા સામે ગુનો દાખલ કરાવ્યો હતો.જે પ્રમાણે મંદિર પાસે આવેલા ચબૂતરાની પાસે પોપટ નામનો માણસ રહે છે. જેને એકતા સુપરમાર્કેટના નવીનભાઈનો દીકરો અને આસપાસના લોકો જમવાનું આપી જાય છે. ગત રોજ બપોરે ચબૂતરામાં કબુતરો ચણ ચણતા હતા ત્યારે 4 થી 5 કુતરાઓ આવી જતા તેને ભગાડવા માટે ફરિયાદીએ પથ્થરો માર્યો હતો.

જે ભૂલથી પાગલ માણસ પોપટને વાગ્યો હતો જેને પગલે નવીનભાઈના દીકરાએ મંદિરમાં આવી ધાકધમકી કરી મંદિરની બહાર આવશો તો પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરી નવીનભાઈનો દીકરો તેની સાથે 3 માણસોને મંદિરમાં લઈ આવ્યો અને ફરિયાદીને ગાળો આપી મંદિરની બહાર ખેંચી જઈ માર માર્યો હતો જ્યાં લોકો આવી જતા ફરિયાદીને છોડાવી લેવાયા હતા. પોલીસ ટુકડી પણ આવી ગઈ હતી જે બાદ ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કંજલીનગરની ઘટના: દીકરીને થપ્પડ મારનારા શખ્સે પિતા-પુત્રને પણ માર માર્યો
મારામારીના અન્ય એક બનાવમાં રહીમનગર પાછળ આવેલા કંજલીનગરમાં રહેતા આદુભાઈ કુંભારે જણાવ્યું કે,આરોપી જુમાં ઇબ્રાહિમ કુંભારે ફરિયાદીની દીકરીને ધોલ મારતા ફરિયાદી તેને ઠપકો આપવા ગયા જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ધોકા વડે ફરિયાદીને નાક પર જ્યારે દીકરા રફીકને માથામાં ધોકો ફટકારતા ઇજાઓ થઈ હતી જેથી એ ડીવીઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

દેશલસર તળાવ પાસે બાંકડા પર બેસવા મુદ્દે યુવાનને ધોકાવ્યો
શહેરમાં મારામારીનો ત્રીજો બનાવ દેશલસર તળાવ પાસે આવેલી શક્તિ હોટલમાં બનવા પામ્યો હતો. ફરિયાદી મોહન જેન્તી ચૌહાણે બી ડિવિઝન પોલીસમાં જણાવ્યું કે, શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતે હોટેલ પર હાજર હતા ત્યારે બાંકડા પર બેસવા મુદ્દે આરોપી રાકેશ નામના શખ્સે બોલાચાલી કરી ઝપાઝપી કરી ફરિયાદીના હાથમાં ધોકાનો ફટકો મારતાં ઇજાઓ થવા પામી હતી, જે સંદર્ભે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવાતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...