ઈશું વર્ષના પ્રારંભે બીજા સપ્તાહે વાગડ વિસ્તારમાં ભૂંકપનો બીજો આંચકો નોંધાવા પામ્યો છે. આજે બુધવારે સવારે 10.57 મિનિટે ભચાઉથી 16 કિલોમીટર દૂર 3.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો છે. સતત આવતા રહેતા આંચકા વાગડ ફોલ્ટ લાઈનની સક્રિયતા દર્શાવતા રહે છે. જોકે પેટાળમાં થતી ભૂગર્ભિય સળવળાટના કારણે આવતા આંચકા જમીનની ઉર્જામાં ઘડાડો કરતા હોવાનો મત આ પૂર્વે ભૂસ્તરશાસ્ત્રીઓ વ્યક્ત કરી ચુક્યા છે. જેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. અલબત્ત આજના આંચકના સમય અરસામાં બીજી તરફ અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાતા અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા અને ક્યાંક ગભરાટ પણ ફેલાયો હતો.
ભૂંકપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા 200 વર્ષ દરમિયાન 5 મોટા ભૂંકપ આવી ચુક્યા છે. તેમાં વર્ષ 2001ના આવેલો ભૂંકપ સૌથી શક્તિશાળી હોવાનું મનાય છે. ગોઝારા ભૂકંપને આગામી તા. 26ના 23 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેમ છતાં તેના બાદ શરૂ થયેલા આફ્ટરશોકની વણઝાર આજ દિન સુધી યથાવત રહેવા પામી છે. ઠંડીના દિવસોમાં આવેલા ભૂંકપ બાદ હાલ આવી રહેલા આંચકા તત્કાલીન લોકોને ઘાતક ભૂકંપની યાદ તાજી કરાવતા રહે છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં આવેલા 6.9ના ભૂકંપનું કેન્દ્રબિંદુ વાગડના ભચાઉ પાસે અંકિત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.