ભુજમાં વસ્તી વધારાની સાથે સાથે વાહનોની સંખ્યા પણ છેલ્લા દાયકામાં ત્રણ ઘણી વધી છે. ભુજવાસીઓ માધાપર, ગાંધીધામ, ભચાઉ કે જિલ્લા બહાર જાય ત્યારે જે રસ્તાનો ઉપયોગ કરે છે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના મુક્તજીવન સર્કલથી નળ સર્કલ સુધીનો રસ્તો નાના અને ભારે વાહનોની સતત અવરજવરને કારણે ‘એક્સિડન્ટ ઝોન’ બન્યો છે. ગુરુવારે સાંજે અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ થયું તેના સહિત છેલ્લા છ મહિનામાં આ ચોથું મોત હતું. થોડા સમય પહેલા જૈન મહિલાએ અંગદાન કર્યું હતું તેમનું મોત ચક્કર આવાથી કે અકસ્માતથી થયું તે સ્પષ્ટ નથી. પણ આ રસ્તે નાના મોટા 30થી વધુ અકસ્માત થયા છે.
શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે આ ત્રણ કિલોમીટરના રસ્તા પર પસાર થતા દ્વિચક્રી વાહનોની સંખ્યા માટે અભ્યાસ કર્યો તેના પરથી સરેરાશ અંદાજે એક દિવસમાં 5,000 થી વધુ દ્વિચક્રી વાહનો ભુજ થી માધાપર તરફ જતા નોંધાયા હતા અને એકાદ હજાર જેટલા ભારે વાહનો જતા નજરે પડ્યા હતા. થોડી ઘણી પણ ગફલત અકસ્માત નોતરી શકે છે તેવી વાહનની આ ભીડને ગંભીરતાથી લઈને તંત્રએ ઉકેલ કાઢવો જોઈએ. દ્વિચક્રી વાહન ચાલકો માટે વૈકલ્પિક ‘ટુ વ્હીલર રોડ ‘ બનાવી અકસ્માત રોકી શકાય તેવું ચર્ચાય છે.
બંને સર્કલ વચ્ચે જો તજજ્ઞ દ્વારા અભ્યાસ કરવામાં આવે તો રસ્તાની બંને બાજુ ત્રણ ત્રણ મીટરના માત્ર દ્વિચક્રી વાહનો માટેના અલાયદા રોડ બની શકે તેમ છે. અમદાવાદના બીઆરટીએસ માટે રિઝર્વ રોડની જેમ આ રોડને ફેન્સીંગ દ્વારા અલગ રાખવામાં આવે તો અકસ્માતની શક્યતા શૂન્ય થઈ જાય. ભારે વાહનો બાયપાસ ન બને ત્યાં સુધી આ જ રસ્તે પસાર થશે માટે દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમ ઝળુંબતું રહેશે.
ગતિ અવરોધક બનાવવાથી ઉકેલ નહીં આવે
ભુજીયાને જો કેન્દ્રમાં રાખવામાં આવે તો ત્યાંથી નળ સર્કલ અને બીજી દિશામાં આરટીઓ સર્કલ બંને તરફ ઢોળાવ છે. જેને કારણે કોઈપણ વાહનની ગતિ સ્વભાવિકપણે જ વધુ રહેવાની. તેમાંય ભારે વાહનોને બ્રેક લગાવવા મુશ્કેલ બની પડે છે. તેવામાં ગતિ અવરોધક વધુ અવરોધ ઊભા કરે છે. આરટીઓ સર્કલ અને આઈજી બંગલોમાં બે વખત ગાડી ઘુસી જવી તેનું પ્રમાણ છે.
ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત : યમરાજનો કોલ સાબિત થઇ શકે
શહેરના સામાન્ય રસ્તાઓ ઉપરાંત સ્મૃતિવન કે કોલેજ રોડ તરફના હાઇવે પર પણ વાહન ચાલકો તેમના મોબાઇલ ફોન પર વાત કરવાનું ચૂકતા નથી. કેટલીક વખત આવી રીતે વાત કરવાની ટેવ પણ યમરાજાનો કોલ સાબિત થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.