કચ્છના પ્રભારીમંત્રીઅે કલેક્ટર કચેરીઅે બેઠક બોલાવી જિલ્લામાં લમ્પી વાયરસ અને વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લમ્પી વાયરસ બાબતે જનજાગૃતિ અને સાવચેતીના પગલાનો ગ્રામ્યસ્તર સુધી પ્રચાર-પ્રસાર કરવા મંત્રીએ સંબંધિતોને અનુરોધ કરતાં કલેક્ટર પ્રવીણા ડી.કે. એ જણાવ્યું હતું કે, જિલ્લામાં 23.79 લાખ પશુધન પૈકી 5.74 લાખ ગાૈવંશ છે, તેમાંથી 1.33 લાખ ગાયોને રસીકરણ કરાયું છે.
35867 અસરગ્રસ્ત ગાૈવંશ છે અને 41526 પશુઓને સારવાર અપાઇ છે. હાલે જિલ્લામાં 72 તબીબી ટીમો કાર્યરત છે. ડીડીઅો ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, લમ્પી રોગને લઇને દરેક ગ્રામસભામાં ગ્રામજનોને અને ગ્રામ પંચાયતે રાખવાની તકેદારી અને અમલીવારી કરવાના કામોની ચર્ચા કરાય છે. નાયબ પશુપાલન અધિકારી ડો.હરેશ ઠકકરે 1.15 લાખ જેટલો વેકસીનેશનનો ડોઝ સ્ટોકમાં હોવાનું જણાવ્યું હતું. વરસાદના કારણે નુકસાન પામેલા નેશનલ હાઈવે સહિતના રોડ રસ્તાઓનું કામચલાઉ ધોરણે સમારકામ કરાઇ રહ્યું છે.
ચોમાસા બાદ કાયમી ધોરણે સમારકામ કરાય તેવી પણ તાકીદ કરાઇ હતી. આ તકે વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટના કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ, પૂર્વ કચ્છ એસ.પી. મહેન્દ્ર બગડિયા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, અગ્રણી કેશુભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.