લંડનના કચ્છી ક્રિકેટરનો ઈંગ્લેન્ડ કાઉન્ટિમાં ડંકો:મૂળ ભુજના મુકેશ ભટ્ટે સર્વશ્રેષ્ઠ બોલર તરીકે મેળવ્યું પ્રથમ સ્થાન; 47 વિકેટ ખેરવી

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળ ભુજના અને બે દાયકાથી લંડનમાં સ્થાયી મુકેશ રસીકલાલ ભટ્ટે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં કચ્છનું ગૌરવ વધાર્યુ છે. ચાલુ સિઝનમાં તેઓએ નોર્થમ્પટનશાયર કાઉન્ટીમાં અત્યાર સુધીની સિઝનમાં સર્વશ્રેષ્ઠ બોલર્સ તરીકે પ્રથમ સ્થાન અંકિત કરી દેશનું નામ રોશન કર્યું છે.તેમણે અલગ અલગ કાઉન્ટી કલબની સામે રમાયેલી મેચોમાં કુલ્લ 118.1 ઓવર્સમાં 24 મેઈડન નાખી 424 રન આપી અને 3.5ની ઇકોનોમિક રેટથી 47 વિકેટોનો ખડકલો સર્જી સમગ્ર લીગમાં પ્રથમ સ્થાન પર કબ્જો જમાવ્યો હતો.

તેમની એક મેચના ઉત્કૃષ્ટ પ્રદર્શન તરીકે માત્ર 64 રન આપી અને 7 વિકેટો ખેરવી પ્રતિસ્પર્ધી કલબની ટીમને એકલાહાથે જ પેવેલિયન પરત કરી દેવામાં સિંહફાળો ભજવ્યો હતો. તેમજ એક જ ઈનિંગ્સમાં 7 વખત 5 વિકેટ ખેરવીને ટીમની જીત સરળ બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ મિડલસેકસ કાઉન્ટી ક્રિકેટ લીગમાં પણ વરસો સુધી મુકેશ ભટ્ટ સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર્સ તરીકે લોર્ડઝની સર્વશ્રેષ્ઠ કિક્રેટની ગેલેરીમાં પણ સંભવત પ્રથમ એશિયન બોલર્સ તરીકે નામ અંકિત કરાવી ચૂકયા છે. તેઓ આ વખતે નોર્થમ્પટનશાયર કાઉન્ટીમાંથી પસંદગી પામનાર પણ સંભવત પ્રથમ ગુજરાતી ખેલાડી છે. અગાઉ આ કાઉન્ટીમાંથી ભારતના પૂર્વ ટેસ્ટ પ્લેયર અનિલ કુંબલે છ વર્ષ સુધી રમી ચૂક્યા છે. તો વળી ડેવીડ લીલી, ગ્રેહામ સ્વાન તથા મોન્ટી પાનેસર જેવા આંતરરાષ્ટ્રીય વિખ્યાત ખેલાડીઓ પણ આ જ કાઉન્ટીમાં પ્રદર્શન કરી ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...