કોરોનાકાળ દરમિયાન રોગને નાબૂદ કરવા અને માનવજીવન બચાવવા લોકડાઉન અમલીકરણ કરવામા આવ્યું હતું. તેવામાં હવે છેલ્લા કેટલાક દિવસોથી પશુઓમાં લિમ્પિસ્કિન નામના રોગે માથું ઊંચક્યું છે.પરિણામે પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યો છે જેથી માલધારી વર્ગ ચિંતામાં મુકાયો છે. કચ્છમાં પણ અા રોગે કહર મચાવ્યો છે. ગાયોના મોત થઇ રહ્યા છે. ત્યારે હવે અંજાર તાલુકાના હીરાપરમાં જ્યાં સુધી રોગ કાબુમાં ન અાવે ત્યાં સુધી ગાયો માટે લોકડાઉન અમલી કરવામાં અાવ્યું છે.
અંજાર તાલુકાના હીરાપર ગામે આશરે 350 જેટલી ગામની ગાયો છે. જેમાંથી એક-બે ગાયોમાં લિમ્પિસ્કિન રોગના લક્ષણો જણાતા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો કે બીજા પશુધનને આ ચેપીરોગ લાગુ ન પડે તેને ધ્યાને લઇ થોડા દિવસ પશુધન માટે “ઘરે રહો સુરક્ષિત રહો”ની યોજના અમલ કરવામાં આવી છે.
આ બાબતે હીરાપરના સરપંચ ડાઈબેન મહાદેવ કેરસિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મોંઘમુલો પશુધન ચેપીરોગના કારણે મોતને ભેટી રહ્યો છે. જેમ કોરોના કાળ દરમિયાન માણસોએ પોતાના ઘરે રહીને કોરોનાને વધતો અટકાવ્યો તેમ હવે લિમ્પિસ્કિનના કારણે પશુધનમાં પણ એજ સ્થિતિ ઉભી થતા ગામના સર્વાનું મતે અચોક્કસ દિવસો માટે પોતાના પશુઓને ઘરે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે માનવી બાદ પશુઓ પણ લોકડાઉનનું અમલ કરવા મજબુર બન્યા છે.
ગામ સ્વખર્ચે પણ રસીકરણ કરવા તૈયાર
કચ્છમાં અેકબાજુ કેટલાક પશુપાલકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે અને પોતાના પશુઅોને રસી અપાવી રહ્યા નથી. તેવામાં હીરાપરમાં આગામી દિવસોમાં ગામના પશુઓને લિમ્પિસ્કિન વિરોધી રસીકરણ ગ્રામપંચાયતના ખર્ચે કરાવવા સરપંચે તૈયારી બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.