સફાઈના અભાવે રોગચાળાનો ભય:નખત્રાણાથી પસાર થતા ભુજ-લખપત ધોરીમાર્ગ પર ગંદકીના કારણે લોકોને જોખમ, નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગ રખાયેલા કચરાની ટ્રોલીમાં સફાઈના અભાવે રોગચાળાનો ભય
  • તંત્ર વર્ષો જૂની આ સમસ્યાનો નિકાલ લાવે તેવી જાગૃત લોકોની માંગ

નખત્રાણાથી માતાના મઢ તરફ જતા રસ્તાની નજીકમાં જ કચરો નાખવાના કારણે નખત્રાણાની છબી ખરડાય છે. વર્ષો જૂની આ સમસ્યાનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. અહીં સ્થાનિક લોકો દ્વારા આડેધડ ઠલવાતો કચરો તેમજ એંઠવાડના કારણે કચરો આરોગવા આવતા પશુઓનો જમાવડો રહે છે. ક્યારેક રાહદારી અડફેટે ચઢે ત્યારે પશુઓનો વાંક કાઢવામાં આવે છે. પરંતુ મીની ડમ્પિંગ સ્ટેશન સમુ બની ગયેલું આ સ્થળ ગંદકીનું ઘર બની ગયું છે.

અહીં નજીકમાં જ પ્રાથમિક કન્યા શાળા તેમજ દુકાનો આવેલી હોવાથી લોકોના આરોગ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે. નખત્રાણાથી માતાનામઢ તરફ જતા ધોરીમાર્ગ પર નખત્રાણા પ્રાથમિક શાળાની નજીકની રહેણાક વિસ્તારના રહીશો તરફથી ફેંકવામાં આવતા એંઠવાડ તેમજ કોમર્શિયલ કચરાને ધોરીમાર્ગની નજીકમાં જ ફેંકી દેવામાં આવતો હોવાથી આ જગ્યાએ પશુઓનો રાત દિવસ જમાવડો રહેતો હોય છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. કચરો આરોગવા એકત્ર થતા પશુઓના કારણે વાહનોનો ટ્રાફિકજામ પણ સર્જાય છે, તો રાહદારીઓને ઉચાટભર્યા મને પસાર થવું પડે છે. ઘણી વખત પશુઓ વચ્ચેની લડાઈમાં રાહદારીઓ પણ અડફેટે આવી જતા હોય છે.

એંઠવાડ તેમજ અન્ય કચરાના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, જે આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. ગ્રામ પંચાયત દ્વારા ઘરો ઘર કચરો નિકાલ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ આ સ્થળે પડી રહેતી ટ્રોલીમાં કચરો ભરાઈ ગયા બાદ પણ લોકો કચરો નાખતા રહે છે. તેથી અહીં કચરો એકત્ર ન થાય અને એકત્ર થતા કચરાને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત અને તંત્ર સાથે મળીને, વર્ષો જૂની આ સમસ્યાનો નિકાલ લાવે તેવી જાગૃત લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...