વિગતો એકત્ર કરાઈ:સનદ આપવા માટે ભુજ, અંજાર, ભચાઉ, રાપરના 10,400 લાભાર્થીની યાદી તૈયાર

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપ બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બનાવી અપાયા છે મકાન
  • આવાસોની જમીન ગામતળ નીમ કરવા એકત્ર કરાતી વિગત

કચ્છમાં ભૂકંપ બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બનાવી અપાયેલા આવાસોનું ગામતળ નીમ કરી અંદાજિત 12 હજાર લાભાર્થીઓને સનદ આપવાનું નક્કી કરાયું છે, જેમાં ભુજ, અંજાર, ભચાઉ અને રાપરના 10,400 લાભાર્થીની યાદી તૈયાર થઇ ગઇ છે અને આ ચાર તાલુકા ઉપરાંત અન્ય 6 તાલુકામાંથી પણ લાભાર્થીઓની વિગતો મેળવાઇ રહી છે.

ગુજરાત મહેસૂલ વિભાગે તા.25-5-22ના પરિપત્રથી કચ્છમાં ભૂકંપ પુનર્વસન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત, કબ્જેદારોને સરકારી અને ખાનગી જમીનમાં રહેણાંક માટેના આવાસ બનાવી આપવામાં આવ્યા છે. કચ્છના આવા ગામોમાં અસરગ્રસ્તો, કબ્જેદારોના માલિકી હક્કના પ્રશ્નનો નિવેડો લાવી, ગામતળ નીમ કરી સનદ આપવાનું ઠરાવ્યું છે.

નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં અંદાજિત 12 હજારથી વધુ ભૂકંપગ્રસ્ત લાભાર્થીઓ કે, જેમને સ્વૈચ્છિક સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા છે તેમને સનદ અપાશે અને અત્યાર સુધી જિલ્લા મથક ભુજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકાના 10,400 લાભાર્થીઓની યાદી તૈયાર કરાઇ છે અને આ 4 તાલુકા ઉપરાંત અન્ય 6 તાલુકામાંથી હજુ લાભાર્થીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ સંસ્થાઓ દ્વારા બનાવી આપેલા ક્ષેત્રફળ મુજબના રહેણાંકના મકાન પર હાલે કબ્જો ધરાવતી વ્યક્તિઓની યાદી સંબંધિત તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત રીતે આખરી કરવાની રહેશે, જેના આધારે કબ્જા કિંમત વસૂલ્યા સિવાય સનદ આપવાની કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારીએ કરવાની રહેશે.

વર્તમાન સ્થિતિએ તાલુકાવાર આવાસ

તાલુકોઆવાસ
ભુજ4,000
અંજાર2800
ભચાઉ2200
રાપર1400
અન્ય સમાચારો પણ છે...