લાખોનો દારૂ ઝડપાયો:રાપરના ચિત્રોડમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો રૂ.20 લાખનો દારૂ આડેસર પોલીસે ઝડપી પાડ્યો

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત સાથે જોડતી સરહદ પર આવેલા કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ દ્વારા સમયાંતરે નોંધપાત્ર દારૂ ઝડપવામાં આવતો રહે છે. ત્યારે પોલીસ મહા નિરીક્ષક મોથલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા બગડીયા સહિતના અધિકારી દ્વારા નશાખોરી ડામવાની સૂચના હેઠળ ગત રાત્રે રાપર તાલુકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ચિત્રોડ ગામની વાડીમાં પોલીસે દરોડો પાડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો ભારતિય બનાવતનો વિવિધ બ્રાન્ડનો રૂ. 20 લાખ 4 હજારની કિંમતનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો.

પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા લાખોનો દારૂ, બિયર ઝડપાયા
આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર ભરત જી રાવલને મળેલી બાતમીના આધારે ગત રાત્રે ચિત્રોડ ગામની સિમમાં ખટલા વાંઢ ની બાજુમાં આવેલી રમણિક વિરુ ભાંગેરીયા (કોલી)ના કબ્જા ભોગવટાની વાડીમાં બનાવેલા અન્ડરગ્રાઉન્ડ ટંકામાંથી ભારતિય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. અને આ ગુનાના આરોપી રમણિક વિરુ કોલી તથા મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવન કોલીને ઝડપી લઈ બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ તળે ગુન્હો નીંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવસોમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા અનેક નવા બુટલેગરો પણ નિતનવા ગતકડાં અપનાવી દામ કમાવી લેવા સક્રિય બન્યા છે. જોકે આ પ્રકારની પોલીસ કામગીરી ક્યાંકને ક્યાંક દારૂનો વેપલો કરતા ઈસમો માટે ચિંતાનો વિષય બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...