કચ્છમાં અનુભવાઇ રહેલા ઉકળાટ અને બફારા વચ્ચે હવામાન વિભાગે મંગળવારથી છૂટા છવાયા સ્થળે ભારે ઝાપટાંથી લઇ હળવો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે થનારો વરસાદ તોફાની રહેવાની શક્યતા દર્શાવાઇ છે. વેધશાળાના પૂર્વાનુમાન મુજબ મંગળ અને બુધવારે કચ્છમાં કેટલાક સ્થળે ઝાપટાંથી લઇ હળવો વરસાદ વરસવાની સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા અને ક્યારેક પવનની પ્રતિ કલાક 40 કિલો મીટરની સરેરાશ ઝડપ સાથે વરસાદ વરસી પડશે.
મધ્ય અરબ સાગરથી આગળ વધી રહેલા ચોમાસાની ગતિ તેમજ હાલની સ્થિતિ અનુકૂળ હોતાં ગુજરાતમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાની સ્થિતિ સર્જાઇ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન શનિવારે કચ્છમાં ગરમીની આણ યથાવત રહી હતી. જિલ્લામાં સૌથી ગરમ બનેલા કંડલા બંદરે મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું તો ભુજમાં 38 અને કંડલા એરપોર્ટ મથકે 39.6 ડિગ્રી જેટલાં ઉંચા ઉષ્ણતામાને ગરમી અનુભવાઇ હતી.
નલિયા ખાતે 35.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે 75 અને સાંજે 50 ટકા જેટલા ભેજ સાથે બફારો યથાવત રહ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી ઉંચું ઉષ્ણતામાન જળવાયેલું રહેવાનો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.