ભુજમાં જન ઔષધિ દિવસની ઉજવણી જિ.પં. પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે, દવાઓની ખરીદી વખતે ફક્ત બ્રાન્ડને ધ્યાનમાં ના લેવી જોઈએ, બ્રાન્ડ કરતાં દવામાં રહેલું કન્ટેન્ટ મહત્વનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આરોગ્યક્ષેત્રે અનેક યોજનાઓનું અમલીકરણ જનસુખાકારી માટે કરાઈ રહ્યું છે. મોંઘી દવાઓના લીધે જનતા પર બોજો ના પડે આ બાબતને ધ્યાનમાં રાખી ઠેર-ઠેર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલાયા છે. આવા કુલ 14 કેન્દ્રો કચ્છમાં કાર્યરત છે.
ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ કેન્દ્રોમાં ઉપલબ્ધ છે ત્યારે અન્ય જગ્યાએથી દવાઓ લેવાનું ટાળવું જોઈએ. આ પ્રસંગે કેન્દ્રોમાં વિશિષ્ટ કામગીરી હોય એવા તમામ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.
જેનેરિક દવાઓ, તેની બનાવટ બાબતે અને ભારત જેનેરિક દવાઓના ઉત્પાદન સહિત નિકાસમાં અગ્રેસર છે તે તમામ પાસાઓ વિશે માહિતી મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એન.આર.સૈયદે આપી હતી. સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.ફૂલમાલી અને આભારવિધિ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.કશ્યપ બૂચે કરી હતી. કલેક્ટર દિલીપ રાણા, કરશનભાઈ જાડેજા, મહેન્દ્રભાઈ ગઢવી, કનકસિંહ જાડેજા, જી.કે.રાઠોડ, મિતેશ મોડાસિયા વગેરે હાજર રહ્યા હતા.
નખત્રાણાના કેન્દ્રને જનઔષધિ સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યું
નખત્રાણામાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર સતત ચોથા વર્ષે પણ દવાના વેંચાણમાં કચ્છ ઝોનમાં અવ્વલ રહ્યો હતો. ગુરૂ આદેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્દ્ર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. જે પૈકી નિઃશુલ્ક નિદાન કેમ્પ, સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમો, સેનેટરી પેડ વિતરણ, મહિલા આરોગ્ય તથા માસિક ધર્મ સ્વચ્છતા સુનિશ્ચિતતા અંગે સેમિનાર વગેરે સહિતના આયોજનો થકી નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન નખત્રાણા કેન્દ્રની ટીમે તાલુકાના તમામ ગામો સહિત અબડાસા વિધાનસભાના 200થી વધુ ગામડામાં મહિલાઓની મદદથી ફક્ત 1 રૂપિયાની કિંમત દરના સેનેટરી પેડ પહોંચાડી અંદાજે દસ લાખથી વધુ પેડ વેંચાણનો વિક્રમ હાંસલ કર્યો હતો. જેના લીધે 100 બહેનોને રોજગારી પ્રાપ્ત થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.