માંડવી તાલુકાના શેરડી - વાંઢ ગામે આવેલી પડતર જમીનમાં ગેરકાયદે રીતે બેન્ટોનાઈટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.જેથી એલસીબીએ દરોડો પાડી ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવી તપાસ કરી હતી.જ્યાં માલ ચોરાઉ હોવાનું જણાઇ આવતા 8.31 લાખની ખનીજચોરી પકડાઈ હતી.જેથી વાહનોના દંડ સહિત 11.81 લાખનો મુદામાલ સિઝ કરવામાં આવ્યો હતો.
એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી કે,વાંઢ ગામના ભાણજીભાઇ સામતભાઇ સંઘાર, શામજી મમુ સંઘાર અને માવજી રામજી સંઘારે શેરડી વાંઢ રોડ પર સર્વે નંબર 358 વાળી જમીન તથા તેની દક્ષિણ બાજુ આવેલ પડતર જમીનમાં ગેરકાયદે રીતે બેન્ટોનાઇટ ખનીજનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે.
જેથી તપાસ કરતાં સર્વે નંબર 358 વાળી જમીનમાં ભાણજી સંઘારના કબ્જામાંથી કુલ 961.495 મેટ્રિક ટન બેન્ટોનાઈટનો જથ્થો મળી આવ્યો હતો.સ્થળ પરથી વાહનો મહિન્દ્રા કંપનીનું ડમ્પર રજી. નં. જીજે 12 બીડબ્લ્યુ 9672,સોનાલીકા કંપનીનું ટ્રેકટર રજી. નં. જીજે 12 કે 6990, સોનાલીકા કંપનીનું ટ્રેકટર રજી નંબર જીજે 12 બીજે 3772 તથા બુલ કંપનીનું જે.સી.બી. રજી. નં. જીજે 12 સી.એમ 2822 વાળા મળી આવ્યા હતા.આરોપી સામજી મમુ સંઘારના કબ્જામાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલો કુલ 355.25 મેટ્રિકટન બેંટોનાઈટનો જથ્થો મળી આવ્યો હતો.
જ્યારે માવજી રામજી સંઘારના કબ્જામાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલો કુલ 245.05 મેટ્રિક ટન બેટોનાઈટનો જથ્થો મળી આવતા સીઝ કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી બેન્ટોનાઇટના જથ્થા તથા વાહનો બાબતે તપાસ કરવામાં આવતા કુલ 1561.79 મેટ્રીક ટન કિં.રૂ. 8.31 લાખનો ગેરકાયદેસર બેંટોનાઈટનો જથ્થો સંગ્રહ કરાયેલો હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.વાહનો પેટે રૂ.3.5 લાખના દંડ સાથે 11.81 લાખનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરાયેલો હોવાથી બેટોનાઈટનો જથ્થો તથા વાહનો સિઝ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.