અબડાસા તાલુકાના ખૂડા ગામની સીમમાં આવેલી તથા લઠેડી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરનારા માંડવીના મોડકુબા અને મુળ માંડવીના બાડા ગામના હાલ દેવભૂમિ દ્વારકા રહેતા બે આરોપીઓને ઝડપી પાડીને કોઠારા પોલીસ મથકે નોંધાયેલ બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
ખૂડા ગામની સીમમાંથી કેટલાક શખ્સો જીપ મારફતે પવન ચક્કીનો વાયર ચોરી રહ્યા હોવાની બાતમીના પગલે અગાઉ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમની ટીમે જીપનો પીછો કર્યો હતો. આરોપીઓ સાંધણ અને લઠેડીની સીમ વચ્ચે ગાડી મુકી નાસી ગયા હતા. એલસીબી દ્વારા આરોપીઓને પકડી પાડવા તપાસ જારી હતી.
દરમિયાન એલસીબીની ટીમે માંડવી તાલુકાના મોડકુબા ગામે રહેતા પ્રવિણસિંહ હરીસિંહ સોઢા (ઉ.વ.34) અને મુળ માંડવીના બાડા ગામના હાલ દેવભૂમિ દ્વારકા ભીમરાણા ગામે રહેતા દિગ્વીજયસિંહ ઉર્ફે દિવ્યરાજસિંહ હિંમતસિંહ જાડેજા (ઉ.વ.30) નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપી પ્રવિણસિંહએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. કે, પોતે અગાઉ લઠેડી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી વાયરની ચોરી કરી હતી. એલસીબીએ કોઠારા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ બે ચોરીના બનાવો ઉકેલીને આરોપીઓ વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.