નલ સે જલ યોજનાનો છેદ ઉડ્યો:લખપતના બેખડા ગામે છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા, તંત્રે આજે ટેન્કર મોકલતાં ગ્રામજનોએ પાણી ભરવા પડાપડી કરી

ભુજએક મહિનો પહેલા
  • તંત્ર સમક્ષ ઘણી રજૂઆતો કરાઇ, કર્મચારીઓએ અસંતોષકારક જવાબ આપ્યો - સ્થાનિક

સરહદી લખપત તાલુકામાં પાણીની તંગીના કારણે લોકોની સ્થિતિ સતત વણસી રહી છે. તાલુકાના બેખડા ગામે છેલ્લા દસ દિવસથી પીવાના પાણીનું એક ટીપું પણ ના મળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિશેની રજૂઆત બાદ પાણી પુરવઠા તંત્ર દ્વારા બેખડા ગામે પાણીનું ટેન્કર મોલવામાં આવતા ગામના તમામ વર્ગના નાના મોટા તમામ લોકોએ પાણી ભરવા રીતસરની પડાપડી કરી મૂકી હતી. પાણી મેળવવા બાળકો પાણીના ટાંકા ઉપર ચડી જઈ પાણી ભરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોથી જિલ્લામાં સો ટકા નલ સે જલ યોજનાનો છેદ ઉડતો જોઈ શકાતો હતો.

દરમિયાન બેખડા ગામના સામાજિક અગ્રણી આરબ જતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી ગામમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ થઈ જતા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જેનું નિવારણ કરવાના બદલે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ અસંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ઉગ્ર રજૂઆતના પગલે આજે ગુરૂવારે પાણીનું ટેન્કર ગામને ફાળવવામાં આવ્યું હતું. જેના કારણે ગ્રામજનોએ પાણી મેળવવા પડાપડી કરી મૂકી હતી. આથી આવી પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે તંત્ર દ્વારા નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. અલબત્ત પાણીના કારણે પડી રહેલી હાલાકીના કારણે બેખડા ગામના લોકોને કામધંધા મૂકી પાણી માટે ભટકવું પડી રહ્યાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...