ભાસ્કર EXPLAINER:સરહદી વિસ્તારોમાં નેટવર્કના અભાવે સુવિધા કહેવાશે દુવિધા

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાહન/મોબાઈલ ચોરીના કિસ્સામાં e-FIR ની સુવિધા સરકારે આપી પણ....
 • કચ્છના સીમાવર્તી-ગ્રામીણ વિસ્તારના લોકોનો દૂરના પોલીસમથક સુધી જવાનો ફેરો બચશે પણ સમજ આપવી જરૂરી બની રહેશે

વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ચોરી કરનાર અજાણ્યો હોય તો હવેથી સરકારના સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપ મારફતે e-FIR કરવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી અજ્ઞાત હોય અથવા ફરિયાદીને ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં પણ લોકો ઓનલાઇન સિટીઝન પોર્ટલ અથવા મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકશે.લોકોનો સમય બચે અને ઝડપી કામ થાય તેવા હેતુથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે પણ કચ્છના સરહદી અને દુર્ગમ વિસ્તારમાં નેટવર્કના ધાંધિયા અને લો સર્વરની સમસ્યાના કારણે આ સુવિધા પણ દુવિધા કહેવાય તો નવાઈ નહીં.

કચ્છમાં ખાસ કરીને અંજાર અને ગાંધીધામ પંથકમાં બાઇકચોરીની ઘટનાઓ વધુ છે અને વાહન અકસ્માત પણ રોજિંદા બન્યા છે જિલ્લામાં મોટા વિસ્તારના કારણે પોલીસ મથકો દૂર દૂર હોવાથી લોકો ઘરેબેઠા ઓનલાઇન ફરિયાદ કરી શકે પણ તેના માટે નેટવર્કનું માળખું વ્યવસ્થિત જોઈએ આજે પણ લખપત, અબડાસા, ખડીર સહિતના સરહદી વિસ્તારો અરે ઘણી વખત શહેરમાં પણ ઓનલાઇન સર્વર ઠપ્પ થઈ જાય છે જેથી આ સુવિધા લોકો માટે દુવિધા બની જશે જેથી સારા હેતુ માટે નેટવર્ક માળખું મજબૂત બનાવવા સાથે કનેક્ટિવિટી વધારવી પડશે અને લોકોને ટેક્નોલોજીથી વાકેફ કરવા જરૂરી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું તો જ આ હેતુ સાર્થક કરી શકાશે.

જાણો કઇ રીતે ઇ-FIR કરી શકાશે

 • સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે.
 • આ એપ પર રજીસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
 • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ તેની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી સિટિઝન ફર્સ્ટ પોર્ટલ પર અપલોડ કરવી પડશે.
 • બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ અધિક્ષક કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
 • પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ-ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલીસ્ટમાં તે ઇ-ફાયર જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા/કર્મચારીને મોકલવાની રહેશે.
 • જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
 • તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
 • થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાખલ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે.
 • સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
 • ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો એસપીને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે
 • e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે.

24 કલાકમાં PIને ફરિયાદનો નિકાલ કરવો પડશે, સ્ટાફને અપાશે તાલીમ
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, પીઆઇને ઇ-એફઆઇઆર મળ્યા બાદ 24 કલાકમાં તેનો નિકાલ કરવો પડશે તેમજ મોનિટરિંગ રાખીને તપાસ અધિકારીઓને આ માટે તાલીમ આપવી પડશે. તેમજ પોલીસ વડા દ્વારા નિયત સમયમાં સમગ્ર કાર્યવાહી થાય તે અંગે મોનિટરીંગ રાખવામાં આવશે અને તપાસ 30 દિવસમાં પૂર્ણ થાય તે જોવા પણ તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...