વિશેષ ટિપ્પણી:કચ્છની છ બેઠકના મુખ્ય યોદ્ધાઓ જાહેર: શિયાળે જ રાજકીય ‘ગરમી’

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવે સ્થાનિક મુદ્દાઓ ભુલાશે અને યાદ પણ કરાવાશે : 1લી ડિસેમ્બર સુધી ‘પાંકેકુરો’ માં માનનારો મતદાતા હુરેને હડહડ થશે પણ લોકશાહીનું રક્ષણ કરશે

નવીન જોશી : કચ્છમાં હજુ ઓતરાદો વાયરો ઠંડીનો પ્રભાવ ધીમે ધીમે પ્રસરાવી રહ્યો છે ત્યાંજ રાજ્ય વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને આજે શુક્રવારે કચ્છની છ બેઠક માટે ત્રિપંખિયા કે ચતુષ્કોણીય જંગ ખેલવાની શક્યતા સાથે જંગે મેદાનમાં ઉતરેલા વિવિધ રાજકીય પક્ષોના યૌદ્ધાઓના નામની જાહેરાત થતા રાજકીય ગરમી વર્તાવા મંડી છે. શાંત અને ‘પાંકેકુરો’ (આપણને શું ?) વાળી ભાવનાથી છલકાતા જિલ્લાના 16,34,674 મતદારો 1લી ડિસેમ્બરે કોની પસંદગી કરે છે.

નામની જાહેરાત થતા રાજકીય ગરમી
તેની જાહેરાત 8મી ડિસેમ્બરે મતગણતરી સાથે થશે પણ એક સ્પષ્ટ હકીકત છે કે હવે મતદાન સુધી સરહદી કચ્છમાં મોંઘવારી, શિક્ષકોની ઘટ, નર્મદા નહેરના કામો, વિકાસકામોની વણઝાર વચ્ચે અપૂરતી આરોગ્ય સેવા, હાડવૈધ-ઓર્થોપેડિક હોસ્પિટલોની બેંક બેલેન્સ વધારતા રસ્તા અને સુકાભીઠ્ઠ નળની સાથે ઉકરળાના ગંજ સહિતના મુદ્દા એક તરફથી ભુલાવાનો પ્રયાસ થશે અને અનેક તરફથી ગાજતા કરવાનાે પ્રયાસ થશે. હારસે કે જીતશે અમુક જણ પણ પેટ્રોલનું પાણી અનેક કરી નાખશે. રાતના ઉજાગરા ઘણાના થશે અનેક ગજવાઓના વજનમાં પણ અનેકગણો વધારો થશે. હુરેને હડહડ થઇને પણ મતદારો લોકશાહીના રક્ષક બનશે.

રાજકીય પક્ષોએ ‘મુરતીયા’ ઉતારી દીધા
રાજ્ય વિધાનસભાની પ્રથમ ક્રમાંકીત 1થી 6 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ‘મુરતીયા’ ઉતારી દીધા છે તો જિલ્લામાં વસ્તી અને મતદારોની દૃષ્ટીએ જેની નોંધ લેવી જ પડે તેવા લઘુમત્તિ સમાજના હામી હોવાનો દાવો કરીને હૈદરાબાદથી આવેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમ તરફથી ઓવૈસી પણ બન્ની-પચ્છમના લુડિયા ગામે ઉતર્યા હોવાથી તેમના મુરતીયા સંભવત: ચોથાખુણા સ્વરૂપે ઉતરે એવી શક્યતા છે. ‘આપ’ અને આેવૈસી બંને ભગવા પક્ષની ‘બી’ ટીમ હોવાના આક્ષેપો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ પક્ષ મુખ્ય રાજકીય પક્ષોની વોટબેંકમાં ક્યાં અને કેટલા ગાબડા પાડે છે.

કચ્છની છ વિધાનસભા બેઠક પર સીધી ટક્કર
કચ્છની છ વિધાનસભા બેઠક પર હવે જે યૌદ્ધાઓ વચ્ચે સીધી ટક્કર થવાની છે તેના પર એક દૃષ્ટીપાત કરીએ તો 1 અબડાસા બેઠક પર ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજાને કોંગ્રેસના મામદ જુંગ જત અને ‘આપ’ના વસંત ખેતાણી સામે ઉતારાયા છે. પ્રદ્યુમનસિંહ આ બેઠકના વિક્રમ સર્જક ઉમેદવાર છે, કોંગ્રેસમાંથી જીતી, રાજીનામું આપી ફરી ભાજપમાંથી જીતનારા એકમાત્ર એવા ધારાસભ્ય ભણતરથી ભલે દૂર છે પણ મતદારોથી નજીક છે, કોંગ્રેસમાં હતા ત્યારે પવનચક્કીઓના મુદ્દે ખુબ બોલનારા આ દાવેદાર ભાજપના થયા બાદ વિકાસની વાતુ કરે છે, કોંગ્રેસવતી ઉમરેલા મામદ જત જિ.પં.ના સદસ્ય છે અને પહેલી વખત વિધાનસભા લડી રહ્યા છે.

ત્રણ આંકડામાં મત મેળવ્યા

એમના માટે આશાસ્પદ મુદ્દો એ છે કે, હજુ સુધી કચ્છના ચૂંટણી ઇિતહાસમાં અબડાસા બેઠક પરથી જ ઇબ્રાહિમ મંધરા નામે લઘુમત્તિ ઉમેદવાર ધારાસભ્ય થયા છે અન્ય ક્યાંથી મુસ્લિમ દાવેદાર જીત્યા નથી. આપના વિનોદ ખેતાણી ગત વખતે અપક્ષ તરીકે લડયા હતા અને ત્રણ આંકડામાં મત મેળવ્યા હતા.રાજ્ય વિધાનસભામાં દ્વિતિય ક્રમાંકીત બંદરીય માંડવી બેઠક ભલે મુંદરા સાથે જોડાયેલી છે પણ એનું નામ માંડવી-મુંદરા નથી એ માત્ર માંડવી બેઠક છે અને અહીં ‘આપ’ના સી.એ. થયેલા કૈલાશદાન ગઢવી લાંબા સમયથી પોતાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે, આ ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના દરવાજા કુદીને ‘આપ’ના આંગણે ઊભા છે.

ક્ષત્રિય વોટ બેંકના ગઢમાં ગાબડા પાડવાના ઉદ્દેશ્ય
ભાજપ વતી અહીં લગભગ ચાર દાયકા બાદ બ્રાહ્મણ ઉમેદવાર અનિરુદ્ધ ભાઇલાલ દવેને ઉતારાયા છે, મુળ માંડવીનાં જ અને કચ્છ ભાજપના વડેરા સુરેશ મહેતા અને અનંત દવે પાસેથી રાજકારણના પાઠ શીખેલા અનિરુદ્ધ દવે જિલ્લા ભાજપના મંત્રી અને વ્યુહકાર છે તથા વ્યવસાયે વકીલની સાથો સાથ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને એક મંદિર સાથે પણ સંકળાયેલા છે, કોંગ્રેસ વતી અહીં હજુ થોડા સમય પહેલાં જ ભાજપ છોડનારા તા.પં.ના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાને ઉતારાયા છે. જે ક્ષત્રિય વોટ બેંકના ગઢમાં ગાબડા પાડવાના ઉદ્દેશ્ય સાથે ઉતારાયા છે.

અગાઉ આ બેઠક પરથી એક વખત પરાજીત
​​​​​​​
માંડવી બેઠક 2017 માં ભાજપવતી જીતનારા મુળ ભચાઉના ક્ષત્રિય અગ્રણી અને કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજાને ભાજપે માંડવીથી ખસેડી પુર્વ કચ્છની અને કોંગ્રેસના ખોળે પડેલી રાપર બેઠક જીતવા ઉમેદવાર બનાવ્યા છે, તેઓ અગાઉ આ બેઠક પરથી એક વખત પરાજીત થઇ ચૂક્યા છે પણ ‘સ્થાનિક’ હોવાના નાતે અને વિતેલા પાંચ વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમના પર ભગવાપક્ષે ‘જુગાર’ ખેલ્યો છે. કોગ્રેસનું નાક સાચવતી આવેલી રાપર બેઠક માટે આ વખતે કોંગ્રેસ પક્ષે ગતટર્મના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાના પતિ ભચુભાઇ આરેઠીયાને ઉતારીને બેઠક જાળવી રાખવાનો હુંકાર પાટીદારમતોના આધારે તથા રાપર પુરતી ભાજપની યાદવાસ્થળીના આશરે કર્યો છે. અહીં આમ આદમી પાર્ટીના અંબાભાઇ પટેલ પાટીદાર મતોમાં ભાગ પડાવે તેમ છે.

કચ્છના કડવા-લેઉઆ પાટીદારો ભાજપની વોટબેંક
જિલ્લા મથક ભુજને સમાવતી રાજ્ય વિધાનસભાની ત્રણ નંબરની બેઠક ભુજને પણ ભાજપે લગભગ બે દસકા બાદ બેંકસર્સ કોલોનીમાં રહેતા અને બબ્બે ટર્મથી કચ્છ ભાજપનું નેતૃત્વ સંભાળતા મુળ નખત્રાણા તા.ના પાવરપટ્ટીના પાલનપુર (બાડી)ના ખેડૂત કેશુભાઇ શિવદાસ પટેલને ‘સ્થાનિક’ ઉમેદવાર સ્વરૂપે આપ્યા છે. તેમનો સીધો મુકાબલો બે લેવા પટેલ પ્રતિતસ્પર્ધીઓ સાથે છે. માધાપરના વિકાસમાં સિંહફાળો આપનારા અને 1987થી માધાપર નવાવાસ ગ્રા.પં.માં સદસ્યથી માંડીને સરપંચ-ઉપસરપંચ પદે બેઠેલા અરજણ ભુડીયા સાથે છે. માધાપરની અનેકવિધ ધાર્મિક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે અને ગ્રામોદય કેમ થાય એ સાબિત કરનારા છે, આપ વતી પણ આ ભુજ બેઠક પર રાજેશ પિંડોરીયા નામના મિરઝાપરના લેવા પટેલ યુવાનને ઉતારાયા છે. કચ્છના કડવા-લેઉઆ પાટીદારો ભાજપની વોટબેંક છે પણ અહીં ભાગલા પડશે એવું દેખાય છે.

આહિર સમાજની વધુ વસ્તીવાળી બેઠક
કચ્છ જ નહીં પણ રાજ્યમાં ઐતિહાસિક શહેર તરીકે નામના પ્રાપ્ત અંજાર વિધાનસભા બેઠક ચોથા ક્રમાંક સાથે ગુજરાત વિધાનસભામાં સ્થાપિત છે. આહિર સમાજની વધુ વસ્તીવાળી આ બેઠક પર વર્ષો સુધી રતનાલના નિવાસી એવા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે વિજયની વરમાળા ધારણ કરી, આ વખતે પક્ષે તેમને ઉમેદવાર નથી બનાવ્યા પણ તેમના જ ગામના, જ્ઞાતિજન, સંબંધી અને સીધી લીટીના રાજકીય સ્પર્ધક એવા ભુજ સ્વામિનારાયણ વિદ્યાલયા પૂર્વ આચાર્ય, શિક્ષક ત્રિકમભાઇ છાંગાને ઉતાર્યા છે તેઓ સંઘ સાથે તથા શિષ્તપાલન સાથે નજીકથી સંકળાયેલા છે ઉપરાંત સાદગી સભર પણ એટલા જ છે, જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેની કામગીરીની પક્ષે કદર કરી છે. કોંગ્રેસે અહીં રમેશ ડાંગરનું ચયન કર્યંુ છે જે કોંગ્રેસ સાથે લાંબા સમયથી જોડાયેલા છે તો આપ વતી આ બેઠક અરજણભાઇ રબારી લડી રહ્યા છે. પુર્વ કચ્છની આ બેઠકની લડાઇ હંમેશા રાજ્યસ્તરે ચર્ચાતી હોય છે.

બંદરીય વિકાસ થકી રાજ્ય જ નહીં રાષ્ટ્રમાં જાણીતું
રાજ્ય વિધાનસભામાં પાંચમાં ક્રમે આવે છે, કચ્છમાં સૌથી વધુ મતદારો ધરાવતી અને સૌથી નાનુ ક્ષેત્રફળ ધરાવતી અનુ.જાતિ માટે અનામત એવી ગાંધીધામ બેઠકનો. ગાંધીધામ એ કચ્છનું આર્થીક પાટનગર હોવાથી અને ઔદ્યોગિક તથા બંદરીય વિકાસ થકી રાજ્ય જ નહીં રાષ્ટ્રમાં જાણીતું છે, અહીં ભાજપે માલતીબેન મહેશ્વરીને રિપીટ કરીને ગત ટર્મમાં તેમણે કરેલા કામોનો બદલો વાળ્યો છે, માલતીબેનના પિતા અને નિવૃત્ત ફોરેસ્ટર રામજીભાઇ ધેડા પણ જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને નવો પક્ષ રચીને ચૂંટણીમાં ઝપલાવ્યું ત્યારે રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપ) વતી મુંદરા અનુ.જાતિ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જોકે, બાદમાં ભાજપ માટે તેઓ એક દાવેદાર કરતા દાતા તરીકે વધુ ઉભરી આવ્યા હતા. કોંગ્રેસમાંથી આ બેઠક માટે ભરતભાઇ સોલંકીનો તથા ‘આપ’માંથી બી.ટી. મહેશ્વરીનો દાવો છે.

કચ્છથી છ બેઠકોની સ્થિતિ
​​​​​​​
કચ્છથી છ બેઠકોની સ્થિતિ જોઇએ તો 2017 માં છ માંથી ચાર ભાજપને અને રાપર-અબડાસા પૂર્વ-પશ્ચિમ કચ્છ કોંગ્રેસને મળી હતી. જેમાં પશ્ચિમની અબડાસાના ધારાસભ્યએ પક્ષ બદલીને ચૂંટણીલડીને બેઠક જીતતા ભાજપની પાંચ અને એક કોંગ્રેસ પાસે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...