કચ્છની શાન સમી કેસર કેરી અંતે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ બની છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના પગલે કુલ ઉત્પાદનમાં 70 ટકાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળી રહેશે, જેને લઈ કેસરના ચાહકોને વધુ ભાવ ચૂકવવા પડી શકે છે. તો વિદેશ વસતા કેસરના ચાહકો માટે ડોમેસ્ટિક કાર્ગોનો ભાવ વધારો કેરીનો સ્વાદ ખાટો કરી શકે છે. ગત વર્ષે થયેલા 1.7 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીએ આ વખતે કુલ ઉત્પાદનમાં 70 ટકા જેટલો ઘટાડો થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
કચ્છ ખેતીવાડી કચેરીના બાગાયત વિભાગ દ્વારા જણવા મળતી માહિતી મુજબ આ વર્ષે કેરીનું કુલ વાવેતર 10, 600 હેક્ટરમાં થયું છે. જો કે ચાલુ વર્ષે અતિશય તાપ અને પવનના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે. પરંતુ સરેરાશ તેના વાવેતરમાં ખેડૂતોની રુચિ ઘટે એવું લાગતું નથી.
અતિ રસદાયક અને લાભદાયક રસથી ભરપૂર કચ્છની માનીતી કેસર કેરીને આરોગવા સ્થાનિક સાથે દેશ વિદેશના સ્વાદ રસિકો વર્ષભેર રાહ જોતા હોય છે. હાલ બજારમાં આવતી ગીરની કેસર તથા હાફુસ અને બદામ કેરી આરોગવા છતાં કેસર કેરી વગર લોકોને કેરીનો સ્વાદ અધૂરો લાગી રહ્યો છે. હાલ બજારમાં હોલસેલ વ્યાપરીઓ દ્વારા ઉતાવળે પકાવી કેરીનું રૂ. 140થી 150ના છૂટક ભાવે વેચાણ થઈ રહ્યું છે. જેથી ખેડૂત પાસેથી આવેલી ઓર્ગેનિક કેસર બજારમાં બિન ઓર્ગેનિક બની રહી છે. ટૂંકમાં બે દિવસ દરમિયાન કુદરતી રીતે પાકેલી કેસર કેરી બજારમાં ધૂમ મચાવતી જોવા મળી શકે છે. જો કે ઉપજમાં ખોટને લઈ તે લાંબો સમય સુધી માર્કેટમાં નહીં દેખાય તે પણ એક વાસ્તવિકતા છે.
આ વિશે ભુજના આશપુરા ફાર્મના હરેશ ઠક્કર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કેસર કેરીના ઉત્પાદનને આ સિઝનમાં હવામાનમાં થયેલા વ્યાપક ફેરફારના કારણે મોટી આડ અસર પહોંચી છે. એકર દીઠ 8 ટન માલની ઉપજ સામે માત્ર 1થી 3 ટન માલ ઉતરવાની સંભાવના છે, કારણ કે તાપમાનમાં થયેલો સતત વધારો અને તેજ પવનના કારણે કેરી ઝાડ પરથી ખરી પડી છે. કેરી ખરી પડતાં ઉપજ પણ ઓછી મળી રહી છે. તો બીજી તરફ વિદેશ લઈ જતા કે મંગાવતા લોકોને આ વખતે ડોમેસ્ટિક કાર્ગોમાં ભાવ વધારો નડી રહ્યો છે. તેથી ખેડૂતોને નિકાસથી જે સારા ભાવ મળતા હતા તેમાં ખોટ આવી છે. ગત વર્ષે ફ્લાઈટમાં કેસર કેરી લઈ જવાનો ખર્ચ પ્રતિ કિલો રૂ. 70થી રૂ. 100 હતો તેના હવે રૂ. 257 થઈ ગયા છે, જેને લઈને નિકાસ ઘટી છે. તેથી ખેડૂતો માટે હવામાન સાથે કાર્ગોના ભાવ વધારાને લઈને પડ્યા પર પાટુનો તાલ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.