આગામી ફેબ્રુઆરી મહિનામાં ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય જી-20 સમીટ યોજાવા જઇ રહી છે.જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ સમીટમાં પ્રવાસન વિષય પર ચર્ચા કરવામાં આવશે ત્યારે કચ્છમાં જીયો ટુરિઝમ વિકસાવવા સંદર્ભે દુનિયાના 20 દેશોના ડેલીગેટ્સ સમક્ષ સમક્ષ કચ્છનું ‘જીયોહેરિટેજ’ રજૂ કરવામાં આવશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કચ્છ જિલ્લો 45,612 ચોરસ કિમી વિસ્તાર સાથે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે.કચ્છના પેટાળમાં સમૃદ્ધ ભૂસ્તરશાસ્ત્રીય વારસો છે જે નેશનલ જીયોપાર્ક તરીકે ઓળખાય છે.
કાંપથી માંડી જુરાસીક, પહાડી શ્રૃંખલા,રણ,બન્ની ઘાસની જમીન સહિતના સ્થળો સંશોધન માટે જાણીતા છે.દર વર્ષે અન્ય રાજ્યો અને દેશોમાંથી વિદ્યાર્થીઓ કચ્છમાં સંશોધન માટે આવતા હોય છે ત્યારે કચ્છનાં આ અમૂલ્ય વારસાને દુનિયા સમક્ષ મુકવાનું આયોજન છે.સૂત્રોએ જણાવ્યું કે,કચ્છમાં જુરાસિક સમયની ખાણો આજે પણ અસ્તિત્વમાં છે,દેશમાં એકમાત્ર હિમાલય બાદ કચ્છ એવો જિલ્લો છે જ્યાં જુરાસિક ફોસીલ્સ આવેલા છે તેમજ જિલ્લામાં ભૂકંપની સક્રિય ફોલ્ટલાઈન,સ્ટ્રક્ચરલ જિયોલોજી, દીવા અવશેષ, ડિઝાસ્ટર, ઇકોલોજી, રણ ઈકોલોજી સહિતના ફિલ્ડ મ્યુઝીયમ છે.
જીયોગ્રાફીક વર્લ્ડમાં તે મહત્વનો હિસ્સો ધરાવે છે અને દુનિયાના વિદ્યાર્થીઓ કચ્છમાં ખાસ તેના અભ્યાસ માટે આવતા હોય છે પણ આજે આ સ્થળોનો નાશ થતો હોય તેવું જણાઈ આવે છે કારણકે રોડ ડેવલપમેન્ટ અને પવનચક્કી ઉભી કરવા માટે આ રક્ષિત વિરાસતોને તોડવામાં આવી રહી છે.લાઈમસ્ટોનની ખાણ ખોદાય છે,હજારો વર્ષ જુના સેક્શન તૂટી રહ્યા છે ત્યારે કચ્છને જીયોપાર્ક તરીકે ડેવલોપ કરી શકાય તેવા રિસર્ચ પેપર પણ તૈયાર કરવામાં આવ્યા હોવાથી જીયો હેરિટેજ વિષય પર પ્રેઝન્ટેશન બનાવી જી-20 ના સભ્યો સમક્ષ તે રજૂ કરવામાં આવશે.ખાસ તેનો હેતુ કચ્છને જીયોપાર્ક તરીકે વિકસાવાય તે માટેનો છે.
કચ્છમાં આવેલી 75 જીયોલોજી સાઈટને રક્ષિત કરવામાં આવે તો દુનિયાના વધુને વધુ વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રનો માર્ગ મોકળો બને તેમ છે.હાલ આ પ્રોજેકટ તંત્ર માટે વિચારણા હેઠળ હોવાથી વધુ વિગતો સાંપડી શકી નથી પણ વિદેશી ડેલીગેટ્સ સમક્ષ કચ્છનું ‘જીયોહેરિટેજ’ રજૂ કરાશે તે નક્કી છે.જે કચ્છ માટે પણ ગર્વની બાબત છે.
જ્યાં આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે તે રણ ખુદ જીયો હેરિટેજ છે
કચ્છમાં જીયો હેરિટેજના સંશોધન માટે અત્યારસુધી 75 જેટલી સાઈટ ઓળખવામાં આવી છે મહત્વનું છે કે,જે સ્થળે જી-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવા જઈ રહી છે તે રણ પણ ખુદ જીયો હેરિટેજ છે.માહીતીગાર વર્તુળો જણાવે છે કે,સફેદ રણમાં જીયોલોજીકલ બેસીન છે.રણની નીચે જમીનમાં જુરાસિકના રોક બની રહ્યા છે.જે ભવિષ્યના ફોસીલ્સ છે.જેથી આ સ્થળ પણ સંશોધન માટે મહત્વનું છે.
75 સ્થળો રક્ષિત જાહેર થાય તો ફાયદો સરકારને જ થશે
લખપતથી માંડીને વાગડ સુધી 75 સ્થળોને જીયોલોજીકલ સંશોધન સાઈટ તરીકે તારવવામાં આવી છે.જો આ સ્થળોને સરકાર દ્વારા રક્ષિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવે સરકારને જ ફાયદો થશે.કારણકે કચ્છમાં જીયો પાર્કનું ડેવલપમેન્ટ થશે.હાલમાં પીએચડી સહિતના રિસર્ચ માટે જે છાત્રો આવી રહ્યા છે તેઓની સંખ્યામાં વધારો થશે.કચ્છનું હાલ પ્રવાસન સ્થળ તરીકે જે મહત્વ છે તે વધીને ભૂસ્તરવિજ્ઞાનના સર્વેક્ષણ તરફ લોકો અહીં વળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.