કચ્છમાં બુધવારે ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચે સરકવાની સાથે ફરી કાતિલ ઠંડી પડશે. જો કે, બે દિવસ બાદ ઠારમાં રાહત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચાલુ માસની શરૂઆતથી જ ટાઢાબોળ બનેલા નલિયામાં કાતિલ ઠારના લીધે ન્યૂનતમ પારો બે ડિગ્રી જેટલો ગગડીને 6.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. મહત્તમ ઉષ્ણતામાન 22.6 ડિગ્રી રહેતાં દિવસ પણ ઠંડો બન્યો હતો. બુધવારે લઘુતમ તાપમાન વધુ નીચે જવાની શક્યતા દર્શાવાઇ છે.
જિલ્લા મથક ભુજમાં ઠંડીમાં નોંધપાત્ર રાહત રહી ન હતી અને ન્યૂનતમ પારો 10.4 ડિગ્રીએ જળવાઇ રહ્યો હતો. મોડી રાતથી ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. અધિકત્તમત ઉષ્ણતામાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ મથકે પણ લઘુતમ પારો 10.6 ડિગ્રીએ રહેતાં ગાંધીધામ અને અંજાર પંથકમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. અહીં મહત્તમ 23.8 ડિગ્રી નોંધાયું હતું. કંડલા બંદરે ન્યૂનતમ ઉષ્ણતામાન 11.9 જ્યારે અધિકત્તમ 23.7 ડિગ્રી રહ્યું હતું. બે દિવસ બાદ પારો બેથી ચાર ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં રાહત રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
લોકોને સતર્ક રહેવા તંત્રની અપીલ
તા. 24 અને 25/1ના કચ્છમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી દર્શવાતા હરકતમાં આવેલા તંત્રે સંબંધિત વિભાગોને રેનબસેરાની વ્યવસ્થા ચકાસવા, ભિક્ષુકો અને પ્રવાસીઓને કોલ્ડવેવથી બચાવવાના પગલા લેવા સુચના આપી હતી. આ ઉપરાંત લોકોને કામ વિના ઘર બહાર ન નીકળવા અને જો સ્વાસ્થ્યલક્ષી સમસ્યા સર્જાય તો તબીબની સલાહ લેવા અનુરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.