કચ્છના શિક્ષણ જગત સાથે અવારનવાર અન્યાય થતો આવ્યો છે તેમાં પણ ઉચ્ચ શિક્ષણમાં પ્રશ્નોની ભરમાર છે.કાયમી કુલપતિ હોવા છતાં એક્સ્ટર્નલ કોર્સ,નોન ટીચિંગ સ્ટાફને કાયમી કરવો સહિતના પ્રશ્નો હજી વણઉકેલાયેલા છે ત્યારે હાલના કુલપતિની મુદત પૂર્ણ થવા આવી છે તેમ છતાં હજી સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી.
નવા કુલપતિ શોધવા માટેની પ્રક્રિયા છ મહિના ચાલતી હોય છે.તેમાં જેટલો વિલંબ થશે તેટલા સમય કચ્છ યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિનું શાસન હશે.હાલમાં આ પ્રક્રિયામાં બે મહીનાનો વિલંબ થઈ ચૂક્યો છે અને હજી કોઈ ઠેકાણા ન હોવાથી હજી એક મહિનો નીકળી જવાની શક્યતા છે.
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં 2 વર્ષ સુધી ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો.દર્શનાબેન ધોળકિયા,પી.એસ.હિરાણી રહ્યા હતા.જે બાદ કાયમી VC તરીકે પ્રો.જયરાજસિંહ જાડેજાને મુકવામાં આવ્યા હતા.તેઓનો કાયમી કુલપતિ તરીકેનો 3 વર્ષનો કાર્યકાળ આગામી 4 મે ના સમાપ્ત થાય છે.
યુજીસીના નિયમો મુજબ,કાયમી કુલપતિની મુદત પૂર્ણ થવાની હોય તેના છ મહિના પહેલા સર્ચ કમિટી બનાવવાની હોય જે નવા કુલપતિ કોણ બનશે ? તે નક્કી કરે છે પણ કચ્છમાં હજી સુધી આવી કોઈ ગતિવિધિ કરાઈ નથી સરવાળે ફરી એકવાર કચ્છ યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિનો કાર્યકાળ લંબાશે.
માર્ચના અંતમાં પૂર્ણ થતાં સતામંડળોમાં રિપીટ થિયરી અપનાવશે કે નહીં તેની પર સૌની નજર
ફેકલ્ટી ડીન : કચ્છ યુનિવર્સિટીમાં હાલે કાર્યરત આર્ટ્સ, કોમર્સ,સાયન્સ,એજ્યુકેશન,મેડિસિન,લો સહિતના વિભાગના ડીનની મુદત પણ 27 માર્ચના સમાપ્ત થઈ જવાની છે.જેથી આ વિભાગોના ડીન પણ આગામી સમયમાં બદલવામાં આવશે. જો કે, નવાઇની વાત એ છે કે,નિષ્ણાતોનો કચ્છમાં અભાવ હોવાના કારણે અવારનવાર ડીન રિપીટ થતા હોય છે.
સેનેટ ચૂંટણી
વર્ષ 2018માં કચ્છ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી દરમ્યાન એબીવીપીના કાર્યકરોએ પ્રોફેસર પર શાહી ફેંકી હતી.જે શાહીકાંડ આખા રાજ્યમાં ગાજયો હતો ત્યારે તત્કાલીન કુલપતિએ વિશિષ્ટ સતાનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પર રોક લગાવી હતી.આગામી 27 માર્ચના અન્ય સતામંડળોની સાથે સેનેટની મર્યાદા પણ સમાપ્ત થશે તેમજ આ પ્રતિબંધની મર્યાદા પણ પુરી થવાની છે.જેથી ત્યારબાદ આગળની કાર્યવાહી થશે પણ નિયમ પ્રમાણે,પૂર્ણ થતી સેનેટના 49 દિવસ પહેલા ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે, અને તેના અગાઉ સેનેટ ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હોય છે, પરંતુ હજી સુધી આ ગતિવિધિ અટકેલી પડી છે.
EC અને AC
વિદ્યાર્થી હિતમાં લેવામાં આવતા નિર્ણયોમાં EC અને AC બંનેનો મહત્વનો ફાળો હોય છે.કોઈ પણ કોર્ષ શરૂ કરવો હોય તો યુનિવર્સિટી એક્ટ પ્રમાણે એકેડેમિક કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે.આ બંને સતામંડળોના હાલના કાર્યવાહકોની મુદત પણ 27 માર્ચના સમાપ્ત થશે.જેમાં રિપીટ થિયરી અપનાવશે કે નહીં તેની પર મીટ મંડાઇ છે.
યુનિવર્સિટીના કુલપતિ નિમવા માટેની આ છે આખી પ્રક્રિયા
આચારસંહિતાના કારણે વિલંબ
4 મે ના કુલપતિની મુદત પૂર્ણ થાય છે.હાલમાં પહેલી મીટીંગ માટે પત્રવ્યવહાર કરાયો છે.પખવાડિયામાં મીટીંગ મળશે.વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે વિલંબ થયો છે. - પ્રો.જી.એમ.બુટાણી,રજિસ્ટ્રાર
કુલપતિ બનવા માટેની લાયકાત
10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ અથવા તો 10 વર્ષનો પ્રિન્સિપાલનો અનુભવ જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.