યુનિવર્સિટીનો છબરડો:કચ્છ યુનિવર્સિટીએ M.com ની ડિગ્રીમાં સાત વર્ષ સુધી છાત્રોને ઉઠા ભણાવ્યાં !

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય મહત્વનો હોવા છતાં અભ્યાસમાંથી ઉડાડી દીધો
  • નોકરીમાં વિદ્યાર્થીઓને અડચણ થતા યુનિવર્સિટીનો મોટો છબરડો આવ્યો સામે : ABVP આકરા પાણીએ

કચ્છ યુનિવર્સિટીમાં મોટી અને ગંભીર ભૂલ સામે આવી છે જેના કારણે નોકરી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ જતા આજે કલાકો સુધી ઉગ્ર રજૂઆત-હલ્લાબોલ બાદ માંડ-માંડ યુનિ.એ ભુલ કબૂલી હતી. ધો.11 થી કોમર્સનું ભણતર શરૂ થાય ત્યારથી તેમાં અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે છે અને કચ્છ યુનિવર્સિટીની કોલેજો અને વિભાગમાં પણ ઇકોનોમિક્સ ભણાવાય છે પણ વર્ષ 2016-17 માં યુનિ.એ અચાનક એમકોમના અભ્યાસક્રમમાંથી અર્થશાસ્ત્રના વિષયનો છેદ જ ઉડાવી દીધો છે.

ગુજરાત યુનિ.નો નવો કોર્ષ કચ્છમાં સેમ લાગુ કરવામાં આવ્યો જેમાં કોમર્સ વિભાગ અને એકેડેમિક કાઉન્સિલે આખેઆખો અર્થશાસ્ત્રનો વિષય જ ઉડાવી દીધો છે અને હાલના સત્રમાં 7 વર્ષ થઈ ગયા હજી પણ ઇકોનોમિક્સ ભણાવવામાં આવતું નથી.યુનિ.માં એમકોમ ભણાવાય પણ તેમાં અર્થશાસ્ત્ર વિષય જ નથી.

ગુજરાતની અન્ય યુનિ.માં અર્થશાસ્ત્ર ભણાવાય છે પણ કચ્છમાં નહિ. આજથી 9 મહિના પહેલા સરકારી શિક્ષકની પરીક્ષા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ પાસ કરી અને તેના એમકોમના રિઝલ્ટમાં અર્થશાસ્ત્ર ન હોવાથી તેને નોકરીથી વંચિત રાખવામાં આવી જેના કારણે આ મુદ્દો સામે આવ્યો હતો પણ અત્યારસુધી આ ભૂલસુધારણા માટે કોમર્સ વિભાગના વડાએ કોઈ પગલાં ન લીધાનો વિદ્યાર્થી પરિષદે આરોપ મૂક્યો છે.

સોમવારે પીએચડી મુદ્દે માંગણીનો સ્વીકાર થયા બાદ વિદ્યાર્થીઓએ આ મુદ્દે કોમર્સ વિભાગના વડા ડો.હીરાણીને ઘેર્યા હતા બાદમાં કુલપતિની ચેમ્બરમાં લઇ જવાયા ત્યાં તેમણે વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી નિર્ણય લેશે તેવી ખાતરી આપી હતી જેથી વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં પહોંચ્યા અને ડીન પાસે લેખિતમાં ખાતરી માંગી હતી પણ તેમના દ્વારા અપાયેલ ખાતરી વિદ્યાર્થીઓને યોગ્ય ન લાગતા આ લખાય છે પોણા ત્રણ વાગ્યાથી શરૂ થયેલું આંદોલન રાતે પોણા અગિયાર વાગ્યે ખુદ કુલપતિની હાજરીમાં લેખીત ખાત્રીને પગલે સમેટાયું હતું. 25 છાત્રો ખાતા-પિધા વગર ઝઝુમ્યા હતા.

10 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત રહ્યા
અત્યારસુધી 10 થી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભુલના કારણે જ સરકારી નોકરીથી વંચિત રહ્યા હોવાની માહિતી મળી છે યુનિવર્સિટીના વાંકે વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર મુકાઈ રહ્યા છે છતાં યુનિવર્સિટી પ્રશાશન ચૂપકીદી સેવીને બેઠું છે.

નોકરી ન મળ્યાનું દુઃખ છે,હવે ભુલ સુધારાશે : કોમર્સના વડા
કોમર્સ ડિપાર્ટમેન્ટના ડીન પી. એસ.હીરાણીએ જણાવ્યું કે, 2016માં ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ મુજબ ફેરફારો કરાયા હતા.ગુજરાત યુનિવર્સિટીમાં એક સેમેસ્ટરમાં 6 વિષય હતા જ્યારે કે કચ્છ યુનિવર્સિટીમાં 5 વિષય રાખવામાં આવ્યા હતા જે કારણે ઇકોનોમિકસ જેવો મહત્વનો વિષય સિલેબસમાંથી બહાર રહી ગયો હતો. ડીને કબૂલ્યું હતું કે આજથી નવ મહિના પહેલા કચ્છ યુનિવર્સિટીની એક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને ટેટની પરીક્ષા પાસ કર્યા છતાંય નોકરી મળી શકી ન હતી.જેનું દુઃખ હોવાનું જણાવી કહ્યું કે,નવા શૈક્ષણિક વર્ષથી ઇકોનોમિકસ વિષય ફરી શરૂ કરવામાં આવશે.

માધ્યમ ગુજરાતી છતા ઇતર ભાષામાં ભણાવાય છે
આ લડતમાં હોસ્ટલેના એમ.કોમ.ના છાત્રોએ રહસ્ય ખોલતા વિસ્ફોટ કર્યો હતો કે, તેમણે ગુજરાતી માધ્યમ લીધું છે છતાં આંકડાશાસ્ત્ર, મેનેજમેન્ટ વિષય બે મહિલા પ્રોફેસર અંગ્રેજી અને હિન્દીમાં ભણાવે છે. તેથી ટપ્પા પડતા નથી. આ રજૂઆત ગંભીરતાથી લઇને ડીન હિરાણીએ બન્ને મહિલા પ્રોફેસરોને શિક્ષણ કાર્યથી દૂર રહેવા લેખીત આદેશ કર્યો હતો જે-તે વિષય માટે રજિસ્ટ્રાર આગળ નિર્ણય લેશે.

વિતેલા 7 વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષે અર્થશાસ્ત્ર પરીક્ષા અપાવી દેવાનો તુક્કો
પ્રાપ્ત વિગતો મુજબ કોમર્સ વિભાગના વડા ડો.પી.એસ.હિરાણીએ વિદ્યાર્થીઓને એવી ખાતરી આપી હતી કે,નવા વર્ષ જૂન 2023 થી એમકોમ શરૂ થશે તેમાં અર્થશાસ્ત્ર વિષય અત્યાર સુધીના જે સાત વર્ષ વીત્યા તેમાં જે કોઈ વિદ્યાર્થીને નોકરી માટે અર્થશાસ્ત્ર વિષયનું પરિણામ જોઈતું હોય તો આગામી સત્રમાં વિદ્યાર્થીને પ્રવેશ આપીને તેની પરીક્ષા લઈ યુનિવર્સિટી ડીગ્રી આપી શકે જે નોકરી માટે રજૂ કરી શકાય તેવો તુક્કો આપ્યો હતો.

જોકે, હાજર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ વાતને ગેર વ્યાજબી ગણાવી ભવિષ્યમાં ડિગ્રીને લઈને પ્રશ્ન ઊભા થવાની,યુજીસીના ધારાધોરણનો ભંગ તેમજ નોકરીમાં અન્ય ઉમેદવાર દ્વારા કોર્ટ કેસ કરાય કે પછી અભ્યાસમાં વિદ્યાર્થીની હાજરી, પરીક્ષા ફી,વર્ક લોડ સહિતના મુદ્દાઓ ઉપાડવામાં આવતા કોઈ જવાબ મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...