એસટી વિભાગને વેકેશન ફળ્યું:કચ્છ એસટી વિભાગની આવકમાં વેકેશનને પગલે વધારો, દૈનિક કારોબાર રૂપિયા 42 લાખ પર પહોંચ્યો

ભુજએક મહિનો પહેલા
  • ગરમીના કારણે એસી વોલ્વો બસમાં 90 ટકા બુકીંગ ઓનલાઈન થઈ રહ્યું છે
  • વેકેશન અને લગ્નગાળાને લઈ આવકમાં દૈનિક રૂ. 5થી 6 લાખનો વધારો નોંધાયો

જિલ્લા એસટી વિભાગને આવકમાં હાલ શાળામાં પડેલા વેકેશન અને લગ્નગાળાની મોસમને લઈને વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ભુજ એસટી વિભાગને રૂ. 35થી 36 લાખની આવક થતી હોય છે, જ્યારે વર્તમાન સમયમાં મુસાફરોનો વિશેષ ઘસારો રહેતા દૈનિક આવકમાં રૂ. 6 લાખ જેટલો વધારો નોંધાયો છે અને દિવસની કુલ આવક રૂ. 42 લાખ સુધી પહોંચી છે.

ખાસ કરીને રાજ્યના અલગ અલગ શહેર તરફ જતી એસી વોલ્વો બસમાં ગરમીને મોટા ભાગની ટીકીટ ઓનલાઈન બુક થઈ રહી છે. જ્યારે અન્ય એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસો પણ હાઉસફુલ થઈને ઉપડી રહ્યાનું સામે આવ્યું છે.

આ વિશે એસટીના જિલ્લા અધિકારી યોગેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળામાં પડેલા વેકેશનના કારણે એસટીની લાંબા રૂટની તમામ બસોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વેકેશનની સાથે લગ્નગાળાની મોસમના કારણે પણ બસોમાં મુસાફરોનો વ્યાપક પ્રવાહ નોંધાઇ રહ્યો છે. વાત કરવામાં આવે તો દીવ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના રૂટ પર ચાલતી એસી વોલ્વો બસની તો આ તમામ બસોમાં 90 ટકા બુકીંગ ઓનલાઈન થઈ રહ્યું છે. તેનું એક કારણ હાલ પડેલી રહેલી ભીષણ ગરમી પણ છે. તો ટ્રાફિક જોતાં હાલ દીવની એસી વોલ્વો દૈનિક ધોરણે ચલાવી પડી રહી છે. આ સિવાય એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસોના રૂટ પણ હાઉસફુલ ઉપડી રહ્યા છે. જેના કારણે કચ્છ એસટી વિભાગને રૂ. 6 લાખ જેટલી વધારાની આવક સાથે કુલ રૂ. 42 લાખ જેટલી આવક થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...