કચ્છ જિલ્લામાં સલામત સવારી એસ.ટી. બસના દિવસે દિવસે પ્રશ્નો વધતા જતા હોય તેવો ઘાટ સર્જાયો છે. એક સપ્તાહમાં જ નખત્રાણાના અંગીયા, ભચાઉ અને રાપર પાસે બસ ખોટકાઇ જતા મુસાફરો પરેશાન થઇ ગયા હતા. બીજી તરફ એસ.ટી. વિભાગ પાસે હાલ 500 જેટલા ટિકિટ ઇસ્યુ કરવાના ઇ.ડી.ટી.એમ. મશીન છે, જે દર વર્ષે બદલતા નથી પણ મરંમત થાય છે.
એસ.ટી. વિભાગના આઠ ડેપોમાં હાલ 500 જેટલા ટિકિટ ઇસ્યુ કરવાના મશીન છે. દર સપ્તાહે રાજકોટથી એજન્સીના કર્મચારીઓ ખરાબ થઇ ગયેલા મશીનોના પ્રિન્ટર અને ગીયર બદલાવી રીપેરિંગ કરતા હોય છે. મોટાભાગના મશીનોને ચાર વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મશીનોની મર્યાદા ત્રણ વર્ષની હોય છે પણ મોટાભાગના ટિકિટ મશીનો બદલ્યા નથી પણ રીપેરિંગ થઇ જતા હોય છે.
નોંધનીય છે કે, અમુક સમયે નજીકના રૂટની ટિકિટ વધુ પૈસાની ઇસ્યુ થતી હોય છે ત્યારે લાંબા રૂટની ટિકિટ ઓછા પૈસાની નિકળતી હોય છે જેના કારણે મુસાફરો અને કંડકટર પણ મૂંઝવણમા મુકાઇ જતા હોય છે. અમુક સમયે જિલ્લામાં એસટી બસના ટિકિટ મશીનો વારંવાર બંધ થઇ જવા હોવાની રાવ પણ ઉઠતી હોય છે.
નવી ટેક્નોલોજીના 25 મશીન આવ્યા : DC
એસ.ટી. તંત્રના વિભાગીય નિયામક પટેલભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મશીન દર ત્રણ વર્ષે બદલાતા નથી, મશીનમાં પ્રિન્ટર અને ગીયર અને સ્ક્રીન ખરાબ થાય તો તેને રીપેરિંગ કરાય છે. મશીન ત્રણ વર્ષે બદલવાની કોઇ જરૂર પણ હોતી નથી તેમ ઉમેર્યું હતું. આ મહિને 25 નવી ટેક્નોલોજીના મશીન આવ્યા છે પણ તેમની એસ.ઓ.પી. સોમવારે આવ્યા બાદ આ મશીન ઉપયોગમાં લેવાશે. આ 25 મશીન ઉપયોગમાં લીધા બાદ પડતર હોય તેવા મશીનનો નિકાલ કરી દેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.