ગુજરાતમાં ક્યાંક કરાં તો ક્યાંક નદીઓમાં પૂર:ગાંધીનગરમાં કરાં તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, સતત ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં પાણી જ પાણી

કચ્છ (ભુજ )18 કલાક પહેલા

હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ગઇકાલે પાટણ, પાલનપુર, ગાંધીનગર, દાહોદ, વલસાડ, નવસારી, સુરત, જામનગર અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી વાતાવરણ બરાબર રહ્યું હતું. જોકે બપોર બાદ અમરેલી અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક કરાં સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.

ગાંધીનગરમાં કરાં સાથે વરસાદ
ગાંધીનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં વીજળીના કડાકાભડાકા તેમજ કરાં સાથે વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગરમાં કરાં સાથે વરસાદ...
ગાંધીનગરમાં કરાં સાથે વરસાદ...

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદ શહેર અને જિલ્લામાં રાતે 9.30 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં રાત્રે એસજી હાઈવે, જોધપુર, વેજલપુર સહિત વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નારોલ, બાપુનગર, જીવરાજ પાર્ક, જોધપુર, શ્યામલ, શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ભારે પવન અને વીજળી સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ઝુંડાલ, વૈષ્ણોદેવી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, સુભાષબ્રિજ, રિવરફ્રન્ટ અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો.

કચ્છમાં કરાં સાથે જોરદાર વરસાદ
કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે કરાં સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અંજાર તાલુકાના વરસામેડી અને આસપાસના વિસ્તારોમાં બપોરના સમયે આકાશમાંથી બરફના કરાં સાથે જોરદાર વરસાદ ત્રાટકયો હતો. તો નજીકના ગાંધીધામમાં માવઠું થયું હતું. કચ્છમાં હાલ સર્જાયેલા વિષમ હવામાનના પગલે માહોલ શુષ્ક બની ગયો છે. માવઠાને કારણે કેરી, દાડમ અને ઈસબગોલના પાકમાં વ્યાપાકપણે નુકસાન પહોંચ્યું છે. તો શરદી-ખાંસી જેવી સીઝનલ બીમારીમાં પણ ખૂબ જ મોટો વધારો થયાનું જાણવા મળ્યું છે. જ્યારે ભચાઉના કાંઠા વિસ્તારના જંગી અને આસપાસના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય કરાં સાથે વરસાદ પડતાં અંદાજિત 1 ઇંચ જેટલું પાણી પડી ગયાનું લઘુમતી સેલના પ્રમુખ શેરમમાંદે જણાવ્યું હતું. જ્યારે આદિપુર અને અંજારના ભીમાસર, સત્તાપરમાં પણ કરાં સાથે ભારે વરસાદ શરૂ થયો છે.

સતત ત્રીજા દિવસે વરસાદ.
સતત ત્રીજા દિવસે વરસાદ.

અમરેલીમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી બપોર બાદ વરસાદ આવી રહ્યો છે. એને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે ફરી જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જાફરાબાદ તાલુકાના ટીબી આસપાસ ગામડામાં કરાં સાથે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડકભર્યો માહોલ સર્જાયો છે. અહીં લોર, પીંછડી, ફાસરિયા, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભાડા, વડલી સહિત ગામડાંમાં વરસાદને કારણે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં છે, સાથે રાજુલા શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજુલાના ગ્રામ્ય વિસ્તાર માંડરડી, ડુંગર, કુંભારિયા, ધારેશ્વર અને ઝાપોદર સહિતનાં ગામડાંમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ.
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ.

સાવરકુંડલામાં પાણી ફરી વળ્યાં
બીજી તરફ, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં વિજપડી, છાપરી, ચીખલી, ખડસલી સહિતનાં ગામડાંમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એને કારણે વિજપડી સહિતનાં ગામડાંમાં રોડ-રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાબરા શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા, પીર ખીજડિયા, ભીલા, ચમારડી અને વલારડી સહિતનાં મોટા ભાગનાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

જાફરાબાદના દુધાળા ગામમાં વીજળી પડી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે વીજળીને કહેર પણ જોવા મળી રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં રહેતા અમરુભાઈ વરુના મકાન પર વીજળી પડતાં ઘરમાં રહેલાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થયું હતું.

અમરેલીના મોટા ભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં બપોર બાદ મોટા ભાગના તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિતના તાલુકાનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા શહેર મોટા ભમોદરા,ઘોબા,મેવાસા, સેંજળ,ખડાસલી, નાની વડાલ, ભોકરવા, છાપરી, વંડા, પિયાવા,ડેડકડી, ચીખલી, ગોરડકા, લુવારા, વિજપડી, પીઠવડી,વાશિયાલી સહિત તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ઘઉં, ચણા, બાજરી, તલ, ડુંગળી અને બાગાયતી પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે.

ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા વાતવાતમાં પલટો આવ્યા બાદ ધરમપુર અને રામપરા ગામે કરાં સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એમાં ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમા મોડી સાંજે કરાં સાથે વરસાદ પડ્યો હતો. ચોટીલાના રામપરા ગામે કરાં સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોની જીરું, ઘઉં, ચણા અને નિરણ જેવી વસ્તુઓને નુકસાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં તગારા ભરાય એટલાં કરાં પડ્યાં હતાં.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કરાં સાથે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઇકાલે કચ્છમાં કરાં સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, સાથે બનાસકાંઠા, માંડલ, હિંમતનગર અને ધાનેરામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાટણમાં બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. આગળના વાંચીએ છેલ્લા ત્રણ દિવસમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદ પડ્યો અને હજી કેટલા દિવસ વરસાદ પડશે.

કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત કમોસમી વરસાદે જનજીવનને પ્રભાવિત કરતાં આડઅસર ઊભી થઈ રહી છે. ગઈકાલે ભુજમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદથી આસપાસના વાડી વિસ્તારોમાં કેસર કેરીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. એને કારણે આ વર્ષે કેસરના ભાવમાં વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે. માંડવીના ગઢશીશા અને અંજારના ખેડોઈ વિસ્તારમાં પણ કેરીના પાકમાં હાનિ થયાનું જાણવા મળ્યું છે. ગઈકાલે ખડીર વિસ્તારનાં ગામોમાં કમોસમી વરસાદ થતાં અંદાજિત 300થી 400 એકરમાં કરાયેલા ઈસબગોલના વાવેતરમાં મોટા ભાગનો પાક નિષફળ ગયો છે. એને કારણે ખેડૂતવર્ગને અસહ્ય આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાનું ધોળાવીરાના સરપંચ જિલ્લુભા સોઢાએ કહ્યું હતું.

પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા.
પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા.

પાટણમાં વિદ્યાર્થીઓ ફસાયા
શનિવારે ખાબકેલા વરસાદને કારણે પાટણ શહેરમાં બી.એમ. હાઇસ્કૂલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે પાટનગર પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને જાણ કરાતાં તેમણે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફત સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. પાટણ શહેરના રેલવે ગરનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો હતો.

ફાગણમાં અષાઢ જેવો માહોલ.
ફાગણમાં અષાઢ જેવો માહોલ.

દાહોદમાં અડધો ડઝન જગ્યાએ વીજળી પડી
દાહોદ જિલ્લામાં શુક્રવારે સર્વત્ર કમોકસમી વરસાદની સાથે અડધો ડઝન જગ્યાએ વીજળી પડતાં બે વ્યક્તિ અને 9 મૂંગાં પશુનાં મોત પણ નીપજ્યાં હતાં. શનિવારે પણ ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, સાથે પંથકમાં કરાં પડતાં ભરઉનાળે ચોમાસું જામ્યું હતું. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યું છે.

કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી.
કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી.

ધરમપુર અને કપરાડામાં ધોધમાર
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં શનિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં રસ્તાઓ ઉપર પાણી જોવા મળ્યાં હતાં. સ્થાનિક લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ખેતીના પાક પર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.

બનાસકાંઠામાં ખેડૂતોની ચિંતા વધી
આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં, ઘઉં રાયડો એરંડા જીરું બટાકા સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં તો વીજળી પડતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અરવલ્લી જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો, જે વિગતે વાંચીએ નીચેના ફકરામાં...

શુક્રવારે અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરાં સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરાં સાથે વરસાદ ખાબક્યો હતો. એેને કારણે ખેતીવાડીમાં વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામે ખેડૂતો ખેતરમાં ઘઉં કાઢવાની તૈયારીમાં હતા. ત્યાં એકાએક વરસાદ તૂટી પડતાં વાઢેલા ઘઉં સંપૂર્ણ પલળી ગયા હતા. ગામ આસપાસની નદીઓ પણ બે કાંઠે વહી હતી. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતીમાં ખાસ ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી ઘેટાં-બકરાંના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય આધેડનું મોત થતાં પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

વણિયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.
વણિયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.

સમગ્ર રસ્તો બરફની ચાદરથી ઢંકાયો
મોડાસાના વણિયાદ પંથકમાં શુક્રવારે ભારે વરસાદ સાથે કરાં પડ્યાં હતાં. ધોધમાર વરસાદ પડતાં વણિયાદ-મોડાસા માર્ગ જાણે કાશ્મીર બની ગયું હોય એમ રસ્તા પર કરાંની ચાદર પથરાઈ હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શિમલા-કુલુ મનાલીને પણ ફિક્કુ પાડે એવું વાતાવરણ જોવા મળ્યું હતું.

કંવાટમાં કરાં સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.
કંવાટમાં કરાં સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.

કવાંટમાં વરસાદે ધબધબાટી બોલાવી
છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવારે સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાંક ઠેકાણે કરાં પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્વાંટના નાની ટોકરી, ચિચબા, કસરવાવ, આમસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સમલવાંટ ગામે જોરદાર કરાં સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.

સંતરામપુરમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો
મહીસાગર જિલ્લાના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે એકાએક આકાશમાં કાળાં વાદળો છવાયાં બાદ જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંદાજિત 20થી 30 મિનિટ જેટલા સમય સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સંતરામપુર ગ્રામ્ય પંથકમાં હાલ રવી પાકની કાપણી ચાલી રહી છે. તેવામાં કાપણીના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

ડાંગમાં વીજળી પડતાં એક બાઇકસવારનું મોત.
ડાંગમાં વીજળી પડતાં એક બાઇકસવારનું મોત.

વીજળી પડતાં બાઇકસવારનું મોત
ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે દાઝી જતાં તેને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ ગુજરાતમાં કરાં સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...