ભાવિન વોરા
પાણીના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ નકારી શકાતી નથી તેવી અવારનવાર ઉભી થતી આશંકાની વચ્ચે ભૂગર્ભ જળ અને સપાટીના જળની ગુજરાતની સ્થિતિ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. ભુજ આવેલા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વેસ્ટ રીજિયનના ડાયરેક્ટર જી. કૃષ્ણમૂર્થી અને વરિષ્ઠ જળવૈજ્ઞાનિક એ. કે. જૈને ‘ભાસ્કર’ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં 189 બ્લોક્સમાં ભૂગર્ભ જળની સ્થિતિ સારી છે. 51 ટકા સુધી ભૂસંગ્રહ થાય છે.
જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જમીન ક્ષારવાળા પાણીવાળી હોવાથી ચિંતાજનક બાબત છે. ભૂગર્ભ જળ સાચવવા માટે દર વર્ષે ચોમાસામાં કુદરતી પાણી રિચાર્જ થાય એ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ આયોજીત ત્રણ દિવસીય પરિસંવાદમાં આવેલા જળસંશોધકોએ ભૂજળ ખેંચવું દેશની સાથે ગુજરાત માટે જોખમી છે એમ જણાવીને ઉકેલ ઉમેર્યો હતો કે, કુદરતી રીતે પાણી જમીનમાં ઉતરે અને જળસંગ્રહના સ્થાનો સતત રીચાર્જ થતા રહે તો આ બાબત ચિંતાજનક ન રહે.
સરફેસ અને ગ્રાઉન્ડ વોટર રીસર્ચ અમલી
હાઇડ્રો જીઓલોજી અને જીઓ કેમેસ્ટ્રીના આધારે હવે સરફેસ અને ગ્રાઉન્ડ વોટર રીસર્ચ અમલી બની ચૂક્યાં છે અને તે ખારી થતી જમીન વિસ્તારો માટે માર્ગદર્શક બનશે.સતત વિકાસ અને ભૂજળ સંશાધનોના વ્યવસ્થાપન મામલે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રીજિયોનલ ડાયરેક્ટર કૃષ્ણમૂર્થીએ કહ્યું હતું કે, સારા ભૂતળ માટે સપાટી જળ અને ભૂગર્ભ જળ એમ બે ભાગમાં જમીન સંવર્ધિત રહે છે. સરફેસ એટલે કે સપાટી જળમાં દક્ષિણ ગુજરાતમાં ભૂજળની ક્ષમતા સારી છે. કુદરતી રીતે વહેણ મુજબ વરસાદી પાણીની સપાટી સચવાય છે અને જળ સંગ્રહ થતો રહે છે.
પાણી ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા સ્થાનિકસ્તરે કરવી
નદીઓ, તળાવોના પાણીના કારણે જમીનની અંદરના પાણી ઓછા ઉલેચાય છે અને તેના લીધે ગ્રાઉન્ડ વોટરનો સંગ્રહ થાય છે. પણ, રાજ્યના અન્ય ભાગોમાં સતત વિકાસની વિભાવના વચ્ચે 10 ફૂટમાં ક્ષારવાળા કે દરિયામાં વહી જતા પાણીના લીધે જમીન ખારાશવાળી બની છે અને મીઠું પાણી ખરીદવાનો સમય આવ્યો છે. વરિષ્ઠ ભૂસંશોધક ડો. જૈને જણાવ્યું કે, રેઇન વોટર હાર્વેસ્ટીંગના આયામો અપનાવવા પડશે. જેટલું પાણી જમીનમાંથી ઉલેચવામાં આવે તેટલું પાણી ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા સ્થાનિકસ્તરે કરવી પડશે.
ચીકણી માાટીના પૂરાણ સાથે પાણીને વહી જતું રોકવું
કુદરતી રીતે પાણી ભૂમિમાં ઉતરે તેમ કરવું પડશે. નાળાઓમાં ડાઇક બનાવવી પડે, ખાઇ જેવા ખાડા બનાવીને ચીકણી માાટીના પૂરાણ સાથે પાણીને વહી જતું રોકવું પડશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિસ્તાર મુજબ રીચાર્જના માળખા ઉભા કરવા પડે. તેના માટે તળાવ બનાવવા, વરસાદી પાણીનો સીધો ઉપયોગ થઇ શકે અને બાષ્પીભવન ન થાય એમ તેમ સપાટી જળ સચવાય તેવી રીતે જળસંગ્રહ કરવાનું અનિવાર્ય બની રહ્યું છે.
બન્ની ભૂસ્તરીય વિરાસત; વરસાદ બાદની ઇકો સીસ્ટમ મજબૂત
કચ્છના વરિષ્ઠ ભૂવૈજ્ઞાનિક ડો. મહેશ ઠક્કરે શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે, ભૂજળ એ કોઇ ટાંકો નથી, ભૂતળ ખેંચવાનું બંધ થાય એ અનિવાર્ય છે. નહેર, પાઇપલાઇનથી પાણી મળવા છતાં ભૂજળ ખેંચાઇ રહ્યું છે. હવેનો ઉપાય અને વિઝન બંને હાઇડ્રો જીઓ હેરિટેજ તરફ જઇ રહ્યાં છે. જે વાવ સંસ્કૃતિમાં હતા. રાણકી વાવ હોય કે અન્ય વાવમાં પાણીનો ઉપયોગ અને સંવર્ધન થતું હતું. પાણી વહે તો તેને રીચાર્જ કરવાની સંસ્કૃતિ હડપ્પન છે. કચ્છના બન્નીમાં ચાર પ્રકારે પાણીકારણની સંસ્કૃતિ વિકસી હતી. ઢંઢ અને ઠઠ જે કુદરતી રીતે નિર્માણ પામના જળ સંગ્રહ સ્થાનો રહ્યા છે. તો ઝીલ અને વીરડા એ લોકોએ પાણી સંગ્રહ માટે કરેલી એક પ્રકારની વ્યવસ્થા રહી છે. આઝાદી પહેલાં વીરડા આધારિત પાણી માનવ અને પશુધન માટે અસ્ખલિત મળી રહેતું. પણ, ડેમ, પાળાની સુવિધાઓ પછી નીચી બન્નીમાં ક્ષાર વધી ગયો અને મીઠા પાણી બંધ થયા.
રાજ્યમાં 189 બ્લોક્સ સુરક્ષિત; 23માં 100ટકાથી વધુ
ભૂજળ ભૂવિજ્ઞાનીઓના સંશોધન મુજબ ગુજરાતમાં 189 બ્લોક્સ સુરક્ષિતની કેટેગરીમાં આવે છે. 23 બ્લોક એવા તારવાયા છે કે જ્યાં સરફેસ અને ગ્રાઉન્ડ વોટરની સ્થિતિ 100 ટકા કરતાં વધુ સારી છે. 7 ટકા બ્લોક ચિંતાજનક છે. 13 તાલુકા ક્ષારવાળા ભાગોની ગણનામાં મૂકાયા છે. ગુજરાતના રણ વિસ્તારમાં વરસાદી પાણીનો સીધો ઉપયોગ કરી શકાય તે માટેનું સ્થાનિક આયોજન અનિવાર્ય છે. કચ્છમાં ભુજ અને માંડવીમાં વધુ જળ સંગ્રહ જ્યારે ગાંધીધામ તાલુકાની જમીન સેલેઇન વોટરવાળી દર્શાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.