કોમીએકતાના પાયા પર નિર્માણ:રેલવે સ્ટેશનની સામે બે વર્ષમાં35 કરોડના ખર્ચે તૈયાર થશે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 બેડની હોસ્પિટલ ગરીબોને નિઃશુલ્ક સારવાર
  • સર્વસમાજને એકસ્થળે અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે મુસ્લિમ સમાજની નવતર પહેલ

સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્યસેવા વધારવી મુખ્ય જરૂરિયાત રહી છે,સરકારી હોસ્પિટલોમા તો સેવા મળી રહી છે પણ તે પૂરતી નથી.જેથી સમાજો પણ આગળ આવી રહ્યા છે ત્યારે ભુજમાં રેલવે સ્ટેશનની સામે રૂ.35 કરોડના ખર્ચે મુસ્લિમ શિફા હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહી છે.બે વર્ષમાં 100 બેડની આ હોસ્પિટલ લોકોની સેવામાં ઉભી થઇ જશે જ્યાં ગરીબ દર્દીઓને મફત અને મધ્યમવર્ગને રાહતદરે સારવાર મળશે. કરછ મુસ્લિમ મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમભાઈ ચાકીએ જણાવ્યું કે,મુસ્લિમ શિફા મેડીકલ ટ્રસ્ટના નેજા અને સંચાલન હેઠળ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પીટલનું નિર્માણ થવાનું છે.

70 હજાર ચો.ફૂ.ના બાંધકામ સાથેની 3 માળની હોસ્પિટલના પ્લાન અને નકશા સહિતની વહીવટી મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.આ જમીન પૂર્વ ધારાસભ્ય જ્યંતીભાઇ ભાનુશાલીના પરિવાર અને કોંગ્રેસ અગ્રણી વડીલ-શિવદાસબાપા પટેલ દ્વારા અપાઈ છે.હોસ્પિટલના નિર્માણ માટેનો હેતુ મુકતા જ તેઓ દ્વારા સહકાર અપાયો જે કચ્છની કોમી એકતા દર્શાવે છે આ હોસ્પિટલ સર્વસમાજ માટે ઉપયોગી થશે. ફેબ્રુઆરીના અંત સુધીમા બાંધકામ શરૂ કરવામાં આવશે.35 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલમાં હાલમાં જ અઢી કરોડનું દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને દાતાઓ પણ આગળ આવી રહ્યા છે.

ભુજમાં અદ્યતન સુવિધા સાથેની તમામ જ્ઞાતિ માટે કોઈપણ નાત જાતના ભેદભાવ વિના ઉત્તમ પ્રકારની સારવાર માટે શરૂ થનાર હોસ્પીટલમાં જનરલ ઓપીડી, જનરલ ફિઝીશિયન તથા સ્ત્રીરોગ સબંધી વિભાગ, ફીઝીઓથેરાપી,આંખવિભાગ, હાડકા વિભાગ, જનરલ સર્જન, કાન- નાક ગળાના વિભાગ, દાંતના વિભાગ અને ઉત્તમ પ્રકારના નિદાન કેન્દ્ર સહિતની સુવિધા સાથેની પૂર્ણ કક્ષાની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું કે,હોસ્પિટલમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે.

તમામ સારવાર અહીં ઉપલબ્ધ થવાથી અમદાવાદ કે રાજકોટ નહીં જવું પડે.શિફા ઉર્દુ શબ્દ છે અને તેનો મતલબ તંદુરસ્તી થાય છે.અહીં આવતો દર્દી પીડામાં ભલે હોય પણ સારવાર થકી સ્વસ્થ થઈ જશે જેથી શિફા હોસ્પિટલ નામ અપાયું છે.

હોસ્પિટલના નિર્માણ માટે મુસ્લિમ શીફા મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, પ્રમુખ આદમભાઈ ચાકી, ઉપપ્રમુખ હાજી સલીમભાઈ જત, હાજી યુસુફ ખત્રી, મંત્રી યુસુફભાઈ જત, ઈસ્માઈલભાઈ સોનેજી, ખજાનચી મેમણ હાજી અકરીમ,ટ્રસ્ટીઓ સોનારા હાજી યાકુબ, એડવોકેટ સાજીદ માણેક, મેમણ હાજી મહમદસલીમ,મૌલાના હાજી ઇલીયાસ, ઉપરાંત આર્કિટેકટ તરીકે ફેઝલ ખત્રી, ઓડીટર તરીકે સી.એ. ઝહીરભાઈ મેમણ અને લીગલ એડવાઇઝર તરીકે એડવોકેટ હનીફ ચાકી જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરાંત દાઉદભાઈ બોલીયા(મુંદરા) ઈશાકભાઈ માંજોઠી, ઇલીયાસભાઈ દાઉદ ખત્રી, બસીરભાઇ મેમણનો હોસ્પિટલ સબંધી તમામ કાર્યમાં સહયોગ મળી રહ્યો છે.

આ પ્રકારની સુવિધાઓ હશે
બેઝમેન્ટમાં નિદાન કેન્દ્ર, એકસ-રે, મેમોગ્રાફી, સોનોગ્રાફી, એમ.આર.આઈ.. સીટી સ્કેન, રેડીઓલોઝી, સહિતની સુવિધા ઉપરાંત નિદાન કેન્દ્ર માટે વેઈટીંગ રૂમ, પેથોલોઝી લેબોરેટરી, દાંતના વિભાગ મુલાકાતી ડોકટરનું કન્સલટન્સી રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં કેસ પેપર વિન્ડો, વહીવટી ઓફીસ, ઉપરાંત પ્રસુતિ વિભાગ, લેબોરેટરી, મેડીકલ સ્ટોર સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. પ્રથમ માળે ઓપરેશન વિભાગ, ડ કાઉન્સલીંગ રૂમ, સર્જીકલ આઈ.સી.યુ. પ્રકારના સ્પેશ્યલ અને ડીલક્ષ સુવિધા સાથેના રૂમ ઉપરાંત સેકન્ડ ફ્લોર પર મેડીકલ આઈ.સી.યુ., બાળકો માટેનું અધ્યતન વોર્ડ, મહિલા અને પુરુષો માટેના જનરલ વોર્ડ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.

કોરોનામાં અડધી રાતે દરવાજા ખટખટાવી લોકો આવતા અને કહેતા પૈસા નહીં ઓકિસજનની વ્યવસ્થા કરી આપો ને હોસ્પિટલનો આવ્યો વિચાર
કોરોનાની બીજી લહેરમા અડધી રાતે લોકો મારા ઘરે આવતા અને કહેતા કે તમારી મદદ જોઈએ છે.જેથી મેં કહ્યું શુ સહાયતા આપી શકું.ત્યારે લોકો મારી પાસે આર્થિક મદદ નહીં પણ ઓકિસજન સિલિન્ડરની અપેક્ષા રાખતા પણ ત્યારે હું પણ લાચાર હતો કારણકે ક્યાંય ઓકિસજન મળતો નહીં.જેથી નાછૂટકે આશા સાથે આવેલા વ્યક્તિને નિરાશા સાથે જવું પડતું ત્યારે જ સમાજ માટે હોસ્પિટલ નિર્માણનો વિચાર આવ્યો આજે લોકોને સમાજવાડી કે વિકાસના બદલે આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત છે.જેથી નવ મહિના સુધી ભુજમાં મુસ્લિમ હાઈસ્કૂલમાં કોવિડ કેર સેન્ટર ચલાવી અને બાદમાં ટ્રસ્ટ બનાવી કાયમી નવી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન સેવ્યું જેમાં સર્વે સમાજ અને તંત્રના લોકો સહકાર આપી રહ્યા છે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામમાં અને હોસ્પિટલના સાધન સામગ્રી ખરીદીમાં દાતાઓ તરફથી સહકારની અપેક્ષા છે-હાજી આદમ ચાકી,પ્રમુખ મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...