અફસોસ:રાજ્યસભાની ચૂંટણીઓના ખેલ પરાકાષ્ટાએ પણ કચ્છનો ઉલ્લેખ ક્યાંય નહીં !

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ 1948માં ભારત સંઘ સાથે જોડાયું ત્યારથી લઇને 2002 સુધી કચ્છને સંસદના ઉપલા ગૃહમાં અવિરત પ્રતિનિધિત્વ મળતુ હતું

રાજ્યસભાની ચૂંટણીઓના ખેલ પરાકાષ્ટાએ પહોંચી રહ્યા છે ત્યારે કચ્છની પિપુડી તો ક્યાંયે સંભળાતી નથી. પણ, કચ્છની આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે આઝાદી પછી કચ્છ ભારત-સંઘ સાથે 1 લી જૂન 1948 માં જોડાયું અને 26 મી જાન્યુઆરી 1950 ના રોજ તેને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે ‘સી’ સ્ટેટ તરીકે અલગ રાજ્યનો દરજ્જો અપાતાં કચ્છને રાજ્યસભાની એક સ્વતંત્ર બેઠક ફાળવાઇ હતી અને પ્રેમજીભાઇ ભવાનજી ઠક્કરને કચ્છ વતી પ્રથમ પ્રતિનિધિત્વ અપાયું હતું. આમ કચ્છના રાજ્યસભાના પહેલા સંસદ સભ્ય બનવાનું માન પ્રેમજીભાઇ ખાટી ગયા હતા.

આમ તો એ સમયે રાજ્યસભાની બેઠક બે વર્ષ માટે હતી પણ પ્રેમજીભાઇને ચાર મહિનામાં જ રાજીનામું આપવું પડ્યું હતું. કારણ કે તેમને કચ્છ રાજ્યના સર્વોચ્ચ વહીવટકર્તા એવા ચીફ કમિશનરના બે પૈકીના એક સલાહકાર તરીકે આગવુ સ્થાન મળ્યું હતું. કચ્છના વિકાસ સહિતની તમામ બાબતોમાં ચીફ કમિશનરને સલાહ આપવાની સત્તાની રૂએ સલાહકારના પદનું રાજકીય વજન વગવાળું ગણાતું હતું. રાજકીય નિરિક્ષકોના મતે ‘સી’ સ્ટેટના સમયમાં કચ્છના વિકાસનો પાયો નખાયો હતો અને તેને કચ્છના આજસુધીના ઇતિહાસનો શ્રેષ્ઠ તબક્કો માનવામાં આવે છે.

આમ આ પાયો નાખવામાં પ્રેમજીભાઇની ભૂમિકા પાયાની ઇટ સમાન હતી. ખેર, પછી પ્રેમજીભાઇના સ્થાને લવજીભાઇ ઠક્કરની રાજ્યસભાના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે 1956માં દ્વિભાષી મુંબઇ અને 1960માં ગુજરાત સાથે કચ્છ જોડાઇ જતાં તેનો રાજ્યનો દરજ્જો દુર થઇ ગયો આમ છતાં એ સમયના રાજકારણમાં કચ્છનું વજન જળવાઇ રહે એટલા માટે સ્થાનિક નેતાને રાજ્યસભાના સભ્ય કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ અને ભાજપે બનાવ્યા હતા.

જેમાં ડો. મહિપત મહેતા અને કિશોર મહેતા(કોંગ્રેસ), બિહારીલાલ અંતાણી(સ્વતંત્ર પક્ષ) અને અનંતભાઇ દવે (ભાજપ)નો સમાવેશ થાય છે જો કે એકવાર રાષ્ટ્રીય રાજકારણને પગલે એક ઓર કચ્છી દિનેશ ત્રિવેદી પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. અલબત છેલ્લા બે દાયકાથી ગુજરાતના રાજકારણમાં કચ્છનું રાજકીય વજન નહીવત બની જતાં 2002 પછી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ મળ્યું નથી. નવી પેઢીને કદાચ એ પણ ખબર નહીં હોય કે કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો ત્યારે તેને લોકસભાની બે બેઠક પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ અપવામાં આવી હતી. જે પણ મુંબઇ રાજ્ય સાથે જોડાતા એક થઇ ગઇ.

પિતાજીઅે અંગત કારકિર્દી ગૌણ સમજી વતન પ્રત્યેની પ્રતિબધ્ધતા બાતાવી
​​​​​​​ પિતાજીની રાજયસભાની સંસદીય કારકીર્દી ચાલુ રહી હોત તો કદાચ 1952 થી 1954 થી 1958 આટલો લાંબો સમય ચાલુ રહેત અને તેમની રાજકીય કારકિર્દી પણ નવા સ્વરૂપે અને ઉચ્ચ સ્વરૂપે જોવા મળત, અને અમારા પરિવારને પણ દિલ્હીમાં રહેવાનો, શિક્ષણનો, અમારા ઘડતર અને વિકાસમાં તે વધુ લાભદાયક બની શકત. એક વખત જયારે મારી આ સમજણ પર પિતાજીને યોગ્ય લાગ્યુ ત્યારે તેમણે મારી વચ્ચે આ બાબત પર ખુલાસો પણ કર્યો. પિતાજીએ અમને કહ્યું કે કચ્છમાં સ્થાનિકે ચીફ કમિશ્નરના સલાહકારનું પદ પણ બહુ જ મહત્વનું હતું.

અર્વાચીન કચ્છના વિકાસની તથા કચ્છમાં લોકશાહી શાસન પ્રથાની બુનિયાદ નાખવાની હતી. વળી એક લોક સેવક તરીકે હું(પ્રમેમજીભાઇ) એમ માનતો હતો કે, મારી અંગત કારકીર્દી ગૌણ છે, પરંતુ મારા વતન અને વતન બાંધવો પ્રત્યેની મારી પ્રતિબધ્ધતા અને જવાબદારી મોખરે છે. એટલે જ મને પોતાને પણ સંસદીય કારકિર્દી છોડતી વખતે મન ભારે બન્યુ હતું પરંતુ એક લોક સેવક માટે આવશ્યક લોકધર્મ સમજી વતનધર્મ સમજી મેં તેનો મોહ છોડયો અને આ નવી જવાબદારી સંભાળી હતી. - મધુકર પ્રેમજી ઠક્કર

અન્ય સમાચારો પણ છે...