ગત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાને ચૂંટણી પ્રચારની શરૂઆત કચ્છના માતાનામઢથી કરી હતી, તેમ હાલની ચૂંટણીમાં આ પરંપરા મુખ્યમંત્રીએ જાળવી હોય તેમ સોમવારે ભુપેન્દ્ર પટેલે મુન્દ્રા અને અબડાસામાં સભા સંબોધી પ્રચારનું રણશિંગુ ફૂક્યું હતું. નલિયા ખાતે તો મુખ્યમંત્રી ખૂદ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સાથે પ્રાંત કચેરીમાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.
મુખ્યમંત્રીએ સભામાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારે કચ્છ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે. તેના લીધે જ વિરોધપક્ષ પાસે કોઇ મુદ્દો નથી. માટે લોકો કમળ ખીલવશે. ગુજરાતની સાથે હાલ કચ્છનો પણ સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. કચ્છ હવે શ્રેષ્ઠ નહીં પણ સર્વેશ્રેષ્ઠ બનવા જઇ રહ્યું છે. અાજે કચ્છમાં વિસ્તારમાં રોડ, પાણી, ખેતી અને અારોગ્યના કામો થઇ રહ્યા છે. ભાજપની સરકાર વિકાસને ચાહનારી છે. પ્રધાનમંત્રી નાનામાં નાના માણસ સુધી વિવિધ યોજના પહોંચે તેની ચિંતા સેવે છે. મુખ્યપ્રધાને મુન્દ્રા અને નલિયા ખાતે સ્થાનિક ભાજપના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી હતી.
‘પ્રદ્યુમનસિંહ કામ કઢાવવા પાટલા ઘોની જેમ બેસી જાય છે’
અબડાસાના ભાજપી ઉમેદવારના મુખ્યમંત્રીઅે વખાણ કરતા જણાવ્યું હતું કે, પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાના વિસ્તારના કામો માટે પાટલા ઘોની જેમ અમારી પાસે બેસીને કામો કરાવી લે છે. ઘણી વખત હું ખુદ કંટાળી જઇને કહું છું કે ‘પ્રદ્યુમનસિંહ હવે જપજો કારણ કે બજેટમાં જોગવાઇ નથી !’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.