કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનો વાયરો ફુંકાતાં જમીન લે-વેચ ક્ષેત્રે જબ્બર તેજી આવી હતી. જો કે, ત્યારબાદ આંશિક મંદી વચ્ચે મોટાપાયે જમીનો બિનખેતી થઇ છે અને ખાસ કરીને જિલ્લાના શહેરી વિસ્તારો વધુ વિસ્તર્યા છે અને રહેણાંક સાથે કોમર્શીયલ બાંધકામો વધી ગયા છે ત્યારે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અેટલે કે, 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં રિયલએસ્ટેટના વ્યવહારોની નોંધણી થકી જિલ્લામાં 2,87,981 દસ્તાવેજની નોંધણી થઇ છે, જે પેટે સરકારને ફીની રકમ રૂ.1,32,62,78,295, સ્ટેમ્પ ડ્યૂટીની રકમ રૂ.8,17,70,08,978 મળી કુલ રૂપિયા 9,50,32,87,273ની આવક ગઇ છે.
વર્તમાન સમયે જમીન, મકાન, પ્લોટની લે-વેચની બજાર પર નજર કરીએ તો કોરોનાકાળના કપરા કાળ બાદ બાંધકામ ક્ષેત્રે દોઢ વર્ષ સુધી તેજી આવ્યા બાદ છેલ્લા 6 મહિનાથી મંદીનો માહોલ છે અને લોકોની જરૂરિયાત સામે ખાસ કરીને જિલ્લાના શહેરી વિસ્તારોમાં બાંધકામો કોમર્શીયલ, રહેણાંક ક્ષેત્રના બાંધકામો વધી રહ્યા છે પરંતુ તેની સામે ખરીદીમાં તેજીની અસર જોવા મળતી નથી. છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા દસ્તાવેજોમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 73,845 અને સૌથી ઓછા લખપત તાલુકામાં માત્ર 3602 દસ્તાવેજો નોંધણી થયા છે.
છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા દસ્તાવેજોમાં સૌથી વધુ ભુજ તાલુકામાં
2018ના વર્ષમાં 56,768 દસ્તાવેજ રજિસ્ટર થવાની સાથે ફી પેટે રૂ.18,69,91,674, સ્ટેમ્પ ડ્યૂટીની રૂ.1,15,09,97,572ની આવક થઇ હતી, જેમાં સૌથી વધુ અંજાર તાલુકામાં 13,894, જયારે સૌથી ઓછા લખપતમાં માત્ર 489 દસ્તાવેજ રજિસ્ટર થયા હતા. વર્ષ 2019ની વાત કરીએ તો જિલ્લામાં 53,122 દસ્તાવેજ નોંધાયા હતા અને નોંધણી ફી પેટે રૂ.22,49,81,889, સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ.1,32,96,35,837ની આવક થઇ હતી.
કોરનાના કપરા કાળ વર્ષ 2020માં જિલ્લામાં 48,509 દસ્તાવેજની નોંધણી
જો કે, સૌથી વધુ ભુજ તાલુકામાં 12,656 જયારે ઓછા લખપત તાલુકામાં માત્ર 842 દસ્તાવેજ નોંધાયા હતા. કોરનાના કપરા કાળ વર્ષ 2020માં જિલ્લામાં 48,509 દસ્તાવેજની નોંધણી સાથે ફી રૂ.22,71,04,147, સ્ટેમ્પ ડ્યૂટી રૂ.1,33,35,11,826ની આવક તેમજ આ વર્ષ દરમ્યાન સૌથી વધુ ભુજ તાલુકામાં 13,181, જયારે સૌથી ઓછા લખપત િસ્ટર થયા હતા. 2021ના વર્ષમાં વધારા સાથે 62,281 દસ્તાવેજ રજિસ્ટર થવાની સાથે નોંધણી ફી રૂ.30,57,65,563 અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ.1,94,51,81,387ની આવક સરકારને થઇ હતી.
લોન પૂર્ણ થાય એટલે ગીરો મુક્તિનો દસ્તાવેજ કરાય
5 વર્ષની સરખામણીએ જિલ્લામાં 2022ના વર્ષમાં સૌથી વધુ 67,301 દસ્તાવેજો નોંધાયા છે, જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 17,834 અને ઓછા લખપત તાલુકામાં 748 દસ્તાવેજનો સમાવેશ થાય છે. આ વર્ષમાં સરકારને નોંધણી ફી પેટે રૂ.38,14,35,022 અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ.2,41,76,82,356ની આવક થઇ છે.ભુજ સબ રજિસ્ટર કચેરીના રજિસ્ટ્રાર સી.એન. વાઘેલાએ આ વખતે નોંધાયેલા વધુ દસ્તાવેજો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, 2022માં નોંધાયેલા 67,301 દસ્તાવેજોમાંથી 25 ટકા મોરગેજને લગતા છે, જેમાં પ્લોટ કે, મકાન પર લોન લીધા બાદ મોરગેજ દસ્તાવેજ કરાવ્યા બાદ, જેવી લોન પૂર્ણ થાય એટલે ગીરો મુક્તિનો દસ્તાવેજ કરાય છે.
ખાસ કરીને જિલ્લાના શહેરી વિસ્તારોમાં ખેતીની જમીનો બિનખેતી વધુ થતી હોઇ પ્લોટ, મકાનને લગતા દસ્તાવેજો વધુ થાય છે જયારે રાપર, લખપત, અબડાસા તાલુકામાં ખેતીની જમીન બિનખેતી ઓછી થતી હોઇ આ તાલુકામાં ખેતીની જમીનના દસ્તાવેજો વધુ થાય છે.
જિલ્લામાં 2018થી 2022 સુધીમાં તાલુકાવાર દસ્તાવેજ, ફી અને સ્ટેમ્પ ડ્યૂટી | |||
તાલુકો | દસ્તાવેજ | ફીની રકમ | સ્ટેમ્પ ડ્યૂટીની રકમ |
માંડવી | 21,691 | 7,09,70,739 | 42,26,20,624 |
નખત્રાણા | 10,536 | 3,39,94,420 | 20,25,12,100 |
અંજાર | 61,553 | 28,55,81,590 | 18,43,05,631 |
નલિયા | 7013 | 2,12,22,374 | 14,79,49,956 |
મુન્દ્રા | 33,351 | 17,49,58,144 | 1,04,50,42,775 |
રાપર | 14,326 | 3,29,90,647 | 19,73,41,368 |
લખપત | 3602 | 7,13,58,916 | 38,25,67,979 |
ભુજ | 73,845 | 27,12,76,840 | 1,50,62,87,481 |
ભચાઉ | 18,600 | 8,60,26,041 | 56,58,95,399 |
ગાંધીધામ | 43,464 | 27,78,98,584 | 1,86,37,34,986 |
કુલ | 2,87,981 | 1,32,62,78,295 | 8,17,70,08,978 |
કોમર્શીયલ ક્ષેત્રે તેજી : ભુજના રતિયા, મુન્દ્રા રોડ પરના હરીપર સહિતના વિસ્તારોમાં બનતી નવી સોસાયટીઅો
ક્રેડાઇના ડાયરેક્ટર પ્રવીણ પિંડોરિયાઅે જણાવ્યું હતું કે, ભુજ તેમજ જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોમર્શીયલ બાંધકામ ક્ષેત્રે ભારે તેજી જોવા મળી રહી છે અને નવા-નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે. ઉપરાંત રહેણાંક વિસ્તારની વાત કરીએ તો ભુજના મિરજાપર રોડ પર જગ્યા રહી નથી, જેથી હવે શહેરના આસપાસના મહત્વના વિસ્તારો જેવા કે, રતિયા, એરપોર્ટ રોડ, મુન્દ્રા રોડ પર હરીપર સહિતના વિસ્તારોમાં બાંધકામો થઇ રહ્યા છે અને લોકો જરૂરિયાત મુજબ 100 વાર, 150 વાર, 200 વારના પ્લોટ ખરીદ કરીને તેના પર લોન લઇને બાંધકામ કરી રહ્યા છે.
2022ના વર્ષમાં તાલુકાવાર દસ્તાવેજ
વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં ભુજ તાલુકામાં 17,834, અંજાર 13,076, ગાંધીધામ 11,758, મુન્દ્રા 7,266, માંડવી 4,727, રાપર 3,309, નલિયા, 1,580, નખત્રાણા 2,358, ભચાઉ 4,645 અને લખપત તાલુકામાં 748 દસ્તાવેજ નોંધાયા છે.
છેલ્લા 5 વર્ષમાં તાલુકાવાર મુલત્વી રખાયેલા દસ્તાવેજ | |
તાલુકો | સંખ્યા |
ભુજ | 22 |
માંડવી | 3 |
અંજાર | 29 |
ગાંધીધામ | 5 |
ભચાઉ | 12 |
રાપર | 6 |
નખત્રાણા | 2 |
લખપત | 4 |
અબડાસા | 2 |
મુન્દ્રા | 4 |
કુલ | 89 |
આ કારણોસર દસ્તાવેજ રખાય છે મુલત્વી
છેલ્લા 5 વર્ષમાં તા.20-12-2022ની સ્થિતિએ જિલ્લામાં કુલ 89 દસ્તાવેજ નોંધણી ન કરી મુલત્વી રખાયા છે, જે અંગે ભુજ સબ રજિસ્ટર કચેરીના રજિસ્ટ્રાર સી.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, જયારે કોઇ દસ્તાવેજ નોંધણી માટે આવે છે ત્યારે જે-તે જમીન, પ્લોટ કે, મકાન અંગેના દસ્તાવેજ માટે અદાલત, કલેક્ટર, નાયબ કલેક્ટર કે, અન્ય કોઇ ઓથોરિટીનો મનાઇ હુકમ હોય, જે જમીનનો દસ્તાવેજ કરવાનો હોય તેના બદલે અન્ય કોઇ જમીન કે, અન્ય ગામના 7/12 રજૂ કરાયા હોય, પાવરદાર મારફતે દસ્તાવેજ નોંધણીના કિસ્સામાં પાવરનામું નોંધણી થયેલું ન હોય સહિતની અધુરાશો વાળા દસ્તાવેજો મુલત્વી રાખવામાં આવે છે અને અધુરાશોની પૂર્તતા થયેથી તેવા દસ્તાવેજોની નોંધણી કરી દેવાય છે. જો કે, સ્ટેમ્પ ડ્યૂટી અોછી ભરી હોય તેવા દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર કચેરીએ મોકલી દેવામાં આવે છે, જયાં નાયબ કલેક્ટર કેસ ચલાવી તેનો નિકાલ લાવે છે.
જરૂરિયાત કરતા વધુ બાંધકામના કારણે મંદીનો માહોલ
સિવિલ એન્જિનિયર-નરેશ એલ. રાઠીએ જણાવ્યું હતું કે, ભુજ સહિત કચ્છના શહેરી વિસ્તારોમાં જરૂરિયાત કરતાં વધુ બાંધકામ થઇ રહ્યું છે, જેના કારણે મકાન લે-વેચ ક્ષેત્રે 6 મહિનાથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તેજીના દોઢ વર્ષ બાદ ફરી મંદીના 6 મહિના
બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તુષાર ઠક્કરે જણાવ્યું હતું કે, અગાઉ લોકોના ભુજમાં સ્થળાંતરના કારણે બજાર ભાવ ઉંચકાયા હતા પરંતુ હવે ઘટી ગયા છે. કોરનાના કપરા કાળ બાદના એક-દોઢ વર્ષ સુધી મકાન લે-વેચ ક્ષેત્રે તેજીનો સંચાર થયો હતો પરંતુ છેલ્લા 6 મહિનાથી ફરી મંદીનો માહોલ છે. બાંધકામ ક્ષેત્રે વધુ લોકોએ ઝંપલાવ્યું છે અને અને નવી-નવી સોસયાટીઓ બનાવી રહ્યા છે, જેથી મકાનો બનાવનારા વધી રહ્યા છે અને ખરીદનારા ઓછા થતા જાય છે. વધુમાં લોકોની જરૂરિયાતો સામે બાંધકામો વધી રહ્યા છે અને ભાવ પોષાતા નથી, જેથી લે-વેચ ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.