સિનેમેટિક ટુરિઝમ પોલિસી:કચ્છને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાવાનો વધુ એક મોકો મળ્યો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધી 25 થી વધુ બોલીવુડ અને ઢોલીવુડની ફિલ્મોનું શૂટિંગ થયું છે

રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027 ની શનિવારે જાહેરાત કરી છે. ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રોજેકટ, ફિલ્મ મેકિંગ, બિગબજેટ મુવિઝને પ્રોત્સાહન અપાશે, ત્યારે કચ્છમાં છેલ્લા પચ્ચીસ વર્ષમાં 25 થી વધુ ફિલ્મોનું શૂટિંગ થયું છે તેવા વિવિધ લોકેશન તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આકર્ષાય તેવી સંભાવના છે.

આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. કચ્છમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં ફિલ્મના સેટ ઊભા થઈ શકે છે. અથવા તો તેને લોકેશન તરીકે ઉપયોગમાં લઈ શકાય એમ છે. જો રાજ્ય સરકાર વ્યવહારુ અભિગમ અપનાવી આગળ આવે તો કચ્છને ફાયદારૂપ બને. કચ્છ પાસે પુષ્કળ જમીન છે. યોગ્ય વાતાવરણ છે. સહકારભર્યા લોકો છે. માટે જો સ્થાનિક નેતાઓ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવે અને કચ્છને રાજ્ય સ્તરે પ્રસિદ્ધિ અપાય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આકર્ષાય એમાં બે મત નથી.

આ છે કચ્છમાં ફિલ્મવાયેલી સફળ ફિલ્મો
વર્ષો અગાઉ ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’ અને હિન્દી ‘ઈંટ કા જવાબ પથ્થર સે’ જેવી ફિલ્મોનું શૂટિંગ થયું છે. ધરતીકંપ અગાઉ ‘બોર્ડર’નું સંપૂર્ણ શૂટિંગ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’નું અંશત: શૂટિંગ. બાદમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી ફિલ્મ ‘લગાન’. ‘આર,રાજકુમાર’નું કચ્છના રણમાં ફિલ્માવાયું ગીત હિટ ગયું તો તાપસી પન્નુ અભિનીત ‘રશ્મિ રોકેટ’ પણ કચ્છની પશ્ચાદભૂમાં બનેલી ફિલ્મ છે. તેમજ તાજેતરમાં હીટ થયેલી કાર્તિકેય-2 નું શુટિંગ રણમાં થયુ હતું.

સ્થાનિક કલાકારો એક થશે તો સુવર્ણ તક
કચ્છમાં કલાકારોએ સારી અભિનય ક્ષમતા દર્શાવી છે તો દિગ્દર્શન કરી અને કલામાં ઉત્કૃષ્ટતા સાબિત કરી છે. વખતો વખત કચ્છમાં બનતી ફિલ્મોમાં કલાકારોએ અભિનય ઓજસ પાથર્યા છે. તો શોર્ટ ફિલ્મ બનાવી અને સમાજને નવો વિચાર પણ આપ્યો છે. સિનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર થતાં કચ્છના સ્થાનિક કલાકારોએ અંગત રુચિ લઈ એકત્રિત થઈને સંગઠન બનાવવું જોઈએ, કે જેથી વિખરાયેલા બધા એકત્ર થાય તેમજ આગામી દિવસોમાં પ્રોડક્શન હાઉસ સાથે એકસુરે જોડાઈ શકે.

અન્ય સમાચારો પણ છે...