પરિણામનું પૃથ્થકરણ:કચ્છે ‘આપણાં નરેન્દ્રભાઇ’ને વિકાસ કાર્યો બદલ આપી રિર્ટન ગિફ્ટ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવીન જોશી

એક મહિનાના રાજકીય અને કર્કશ ઘોંઘાટ બાદ આજે સવારે ઠંડા સુસવાટા મારતા પવનોની હાજરી વચ્ચે ભુજ ઇજનેરી કોલેજમાં કચ્છ વિધાનસભાની છ બેઠકો માટે પડેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે શાસક-વિપક્ષ કે મતદારો સહિત કોઇનેય પણ કલ્પના ન્હોતી કે આજે હાર-જીતનો એક અનેરો ઇતિહાસ કચ્છના રાજકારણમાં લખાશે ! જિલ્લાના ઇતિહાસમાં વિધાનસભાની ચૂંટણીઓમાં છએ છ બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ જીતી છે પણ આજે જે પછળાટ સાથે સવાસો વર્ષ જૂના રાજકીય પક્ષને નાલેશીભરી વિક્રમી સરસાઇથી હારવું પડ્યું છે એવું અગાઉ કદિ થયું નથી.

ભાજપે છ એ છ બેઠક તો જીતી જ લીધી પણ સરસાઇનો પણ આંક ઇતિહાસમાં લખી નાખ્યો છે અને સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે મતદાન ઓછું થયું હતું. ભાજપને ધરવ થાય તેટલા ધ્રોસટ મત જિલ્લાના મતદારોએ આપ્યા. પરિણામે વિજયી છગ્ગો ફટકારી ભગવા પક્ષે કચ્છને કોંગ્રેસ મુક્ત કરી દીધું.

કચ્છ એ ભાજપનું ભરણું છલકાવી દીધું એ પાછળના કારણોમાં વડાપ્રધાન પ્રત્યેની લાગણી, નર્મદાની નહેરમાં મોડકૂબા સુધી વહેતા થયેલા પાણી, ધોરડો સ્થિત રણોત્સવ તથા પ્રવાસન ક્ષેત્રે ઉભી થયેલી તકો, ભૂકંપ દિવંગતોની યાદમાં નિર્મિત એક વધારાના ફેફસા સમું સ્મૃતિવન સહિતના કારણો ગણી શકાય. કોંગ્રેસે અહીં મુખ્ય વિપક્ષ તરીકેની કોઇ ગંભીરતા જ નથી દર્શાવી એ પણ હકીકત નડી હોવાનું માની શકાય. આમ આદમી પાર્ટી તથા એઆઇએમઆઇએમના દાવેદારો ધારણા મુજબ ક્યાંયે કોઇ અસર ઉભી કરી શક્યા નથી.

જોકે ભુજમાં શકીલ સમાને લઘુમત વિસ્તારોના 30 હજારથી વધુ મત મળ્યા અને માંડવીમાં કૈલાશદાન ગઢવી પણ 20 હજારથી વધુ મત લઇ ગયા તે સિવાય ક્યાંય ત્રીજુ પરિબળ આટલા મત સુધી પહોંચ્યું નથી. બેરોજગારી, પવનચક્કી, શિક્ષકોની ઘટ્ટ, નર્મદા પેટા નહેરો જેવા મુદ્દા ખરા ટાંકણે જ ‘ગુમ’ થઇ ગયા. પ્રદેશ ભાજપે કચ્છની છ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે અબડાસા-ગાંધીધામમાં જે સિટીંગ એમ.એલ.એ. હતા એમને ત્યાંને ત્યાં જ રિપીટ કર્યા જ્યારે માંડવીના ધારાસભ્યને પ્રમાણમાં કસોટી રૂપ રાપર બેઠક ફાળવી માંડવીથી દૂર ખસેડ્યા.

સંગઠનનો પ્રભાવ આ દાવેદારોની જાહેરાતમાં દેખાયો હતો. જિલ્લા પ્રમુખ ખુદ જીલ્લામથક ભુજમાંથી, ઉપપ્રમુખ અંજારમાંથી અને મંત્રીને માંડવીમાંથી ઉતારવામાં આવ્યા અને આ દાવે ધાર્યું પરિણામ આપતા છએ છ જણ વિજયમાળા પહેરી લીધી. બેઠક દીઠ હાર જીતનું વિશ્લેષ્ણ કરીએ તો કચ્છ ભાજપ વતી અબડાસા બેઠક સતત ત્રીજીવાર જીતનારા પ્રદ્યુમનસિંહ જાડેજા 2017માં કોંગ્રેસમાંથી વિજયી થયા બાદ ભગવો ખેસ પહેરી પેટા ચૂંટણીમાં સતત બીજી વખત કોઇ અબડાસા બેઠક જીતતું નથી એ મહેણું પણ ભાંગીને વિક્રમ રચ્યો અને આજે 2022ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપની જીત બરકરાર રાખી.

પી.એમ.ના હુલામણા નામે ઓળખાતા આ ધારાસભ્ય એકદમ ધરતી પરના માનવ છે. નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના તથા પોતાના મત વિસ્તારનો વિકાસ એજ એમની નેમ છે. વડાપ્રધાન સ્મૃતિવનના ઉદઘાટનાર્થે ભુજ આવ્યા ત્યારે તેઓ એકમાત્ર ધારાસભ્ય હતા જેમણે જાહેરમાં પોતાના મતવિસ્તારના બાકી કામોની યાદી મંચ પરથી જ સુપરત કરી વડાપ્રધાનનું ધ્યાન દોર્યું હતું. અબડાસા, નખત્રાણા અને લખપત એ ત્રણ તાલુકાની બનેલી બેઠક સુધી હજુ નર્મદાના સિંચાઇ નહેર પહોંચ્યા નથી, પેટા નહેરના કામ તથા વધારાના પાણીના કામ થાય ત્યારે આ સુકા વિસ્તારને લાભ થાય એજ આશા સાથે મત કળશ છલકાવાયું હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.

અબડાસા કોંગ્રેસના લગલગાટ બે ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને વચ્ચે આવેલા શક્તિસિંહ ગોહિલ પણ હવે રાજ્યસભામાં પહોંચતા મામદ જુંગ જત એકલ પંડે આખી ચૂંટણી સ્થાનીક સંગઠનના સહારે લડ્યા અને ભાજપની સુનામીમાં તણાઇ ગયા. માંડવી બેઠક પર કચ્છ ભાજપના જિલ્લામંત્રી અને એડવોકેટ એવા અનિરૂધ્ધ દવે સંગઠનના સહારે જંગમાં ઉતર્યા અને પાર પણ પડ્યા. આ બ્રાહ્મણ ઉમેદવાર કચ્છ ભાજપનાં દિગ્ગજ એવા સ્વ. અનંત દવેના ભત્રીજા છે. માંડવી મત વિસ્તાર દાયકાઓથી ભાજપ માટે અડિખમ ગઢ છે. આમ તો કચ્છ ભાજપનો પાયો પણ માંડવીની ભૂમિ પરથી જ પડેલો છે. જનસંઘ વખતે પણ આ ભૂમિ ગાજતી હતી તેથી અનિરૂધ્ધ દવેની જીત નિશ્ચિત હતી.

અહીં કોંગ્રેસ પાસે કોઇ સક્ષ્મ દાવેદાર પણ ન્હોતો તેથી તાલુકા ભાજપના જ રાજેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી લડાવ્યા જે જનાધાર વિહોણા સાબિત થયા. આમ આદમી પાર્ટીના સૌપ્રથમ જાહેર થયેલા કચ્છના દાવેદાર સી.એ. કૈલાશદાન ગઢવી પણ અનિરૂધ્ધ દવેની વધતી સરસાઇ રોકી શક્યા ન હતા. કચ્છમાં કહેવાય છે કે ભુજ બજર સુંઘે તો કચ્છ આખાને છીંક આવે પરિણામોમાં એ દેખાયું. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે લગલગાટ બે ટર્મ રહેલા કેશુભાઇ પટેલ ભુજમાંથી વિધાનસભાના જંગમાં બેંકર્સ કોલોનીના ભુજ નિવાસી તરીકે ઉતર્યા ત્યારે ભુજને પોતાના જ પ્રતિનિધિ આપો તેવી માંગ હતી કારણ કે ભૂકંપ બાદ શિવજીભાઇ આહિર, વાસણભાઇ આહિર અને ડો. નિમાબેન આચાર્ય ભુજ સ્થિત ન્હોતા.

ભાજપે કેશુભાઇ શવદાસ પટેલને જીતી શકે તેવા ઉમેદવાર તરીકે ઉતાર્યા અને ભુજે તેમને કચ્છની સૌથી મોટી સરસાઇ આપીને વિજયી પણ બનાવ્યા. ભુજ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાની હતી કારણ કે રાજ્ય વિધાનસભાના સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નિમાબહેનની ટિકિટ કાપીને ભાજપે કેશુભાઇને ઉતાર્યા હતા અને તેઓ જિલ્લા ભાજપના અધ્યક્ષને છાજે તેવી લીડ સાથે વિજયી થતા હવે ભુજને સ્પર્શતા ભૂકંપ બાદના પ્રશ્નો ઉકેલાશે અને સુધરાઇ સંગઠન એક જૂટ થશે તેવી આશા જાગી છે.

પ્રદેશ ભાજપે રાજ્યમંત્રી અને બહુભાષી કદાવર નેતા રતનાલના વાસણભાઇ આહિરની ટિકિટ પણ કાપી અને તેમનાં જ સંબંધી તથા એક સમયના ટીકાકાર તથા બાદમાં સ્નેહીમિત્ર થયેલા ભુજ સ્વામિનારાયણ વિદ્યાલયના પૂર્વ આચાર્ય, શિસ્તના આગ્રહી તથા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ત્રિકમભાઇ છાંગાને ઉતારીને એક જુગાર ખેલ્યો હતો. જોકે અંજારમાં વાસણભાઇની કામગીરીનું ભાથું તેમની તરફેણમાં હતું પરંતુ સતત શાસનમાં રહીને તેમનો વ્યાપ ખુબ જ વધેલો લાગતા તેમને ટૂંકા કરાયા. વળી કોંગ્રેસનો નિરૂત્શાહી પ્રચાર પણ મદદ કરી જતા 37 હજારથી વધુ મતોની લીડ સાથે શિક્ષક હવે વિધાનસભામાં અંજારના પ્રશ્નો માટે ઉભા થશે.

ગાંધીધામ અને ભુજના વિકાસમાં અંજાર સતત ઉણું ઉતરી રહ્યું હોવાની એક આછેરી લાગણી ઐતિહાસિક મત વિસ્તારને કનડે છે જોકે હાલ આૈદ્યોગિક વિકાસ પણ નોંધપાત્ર થયો છે. કચ્છમાં સૌથી વધુ મતદારો ધરાવતી અનુસુચિત જાતિ માટે અનામત એવી ગાંધીધામ બેઠક પર ભાજપે સિટીંગ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને રિપીટ કરીને ખેલેલી બાજી રૂળી હતી. વિકાસને જ મહત્વ આપી અન્ય વિવાદોથી દૂર રહેલા માલતીબેન ફરી 37 હજારથી વધુ મતે જીતી જતા હવે મહિલા ધારાસભ્ય તરીકે વિધાનસભાની બીજી ટર્મ અને અનુસૂચિત જાતિના હોવાથી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ સંભાવના છે.

ગાંધીધામને સ્પર્શતા જમીનના પ્રશ્નો પણ હવે તેઓ ઉકેલવા પ્રયત્નશીલ થશે. કચ્છની સૌથી ગરમી પકડી લેતી રાપર બેઠક પર આજે રિકાઉન્ટીંગ બાદ 577 મતની સરસાઇથી જીત મેળવીને માંડવીના ધારાસભ્યએ પોતાના વતન વિસ્તારમાં પણ ‘ધાક’ જમાવી દીધી હતી. એક વખત આજ બેઠકથી પરાજયનો સ્વાદ ચાખી ચૂકેલા વિરેન્દ્રસિંહનો મુકાબલો મુંબઇમાં વ્યવસાય ધરાવતા સિટીંગ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઇ આરેઠિયા સામે હતો અને સાથોસાથ વાગડના મતદારો ક્ષત્રિયની ઓછી તરફણે કરતા હોય છે તેવા મહેણાં સાથે પણ હતો.

કચ્છ જિલ્લા રાજપુત સમાજના અધ્યક્ષ એવા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા વિજયી તો થયા પણ ભચુભાઇએ ખાસ્સી એવી ઝિક ઝિલી હતી અને રિકાઉન્ટીંગ પણ કરાયું હતું. ચૂંટણી પ્રચાર વખતે હિંસાનો ભય પણ આ બેઠક પર સર્જાયો હતો અને અંતે કચ્છની સૌથી કસોકસ બનેલી આ બેઠક નજીવા મતે જીતી વિરેન્દ્રસિંહ ‘વીર’ સાબિત થયા હતા. તેમની સામે વાગડની કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, નર્મદા નહેરના પાણીનું ખેતરે ખેતરે વિતરણ, દેશી દારૂ, દાદાગીરી, સહિતના પ્રશ્નો છે. મતદારોએ અહીં નોટામાં 3942 મત આપ્યા જ્યારે વિરેન્દ્રસિંહની સરસાઇ 577ની છે.

ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે દેશ-દુનિયામાં મંચ પરથી વખતોવખત કચ્છને યાદ કરીને ‘સવાયા કચ્છી’ સાબિત થયેલા નરેન્દ્રભાઇ મોદી સાથે જિલ્લાના મતદારો ‘હિંંધજીંધ ભાઇબંધ’ જેવો સંબંધ બાંધી બેઠા હોવાથી ‘આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા’ એ વાક્યને પકડી લઇને તમામ બેઠકોની ભેટ આપી છે તેવું માની શકાય.

હવે બેરોજગારી, શિક્ષક ઘટ્ટ, આરોગ્ય ક્ષેત્રે ખૂટતી કડીઓ, પર્યાવરણ પર જોખમ સર્જતી અમુક પવનચક્કીઓ, અભ્યારણ્યોની સલામતી, લખપત-સાંતલપુર માર્ગ સહિતના પ્રશ્નો પણ ઉકેલાશે તેવી આશા પણ આ વિજયી છગ્ગામાં છૂપાયેલી છે અને એક કેબીનેટ મંત્રી માટે પણ કચ્છનો દાવો છે. navinchandra.joshi@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...