મનોરંજન:‘કચ્છ એક્સપ્રેસ’ ગુજરાતી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રત્ના પાઠક શાહ, માનસી પારેખ અને દર્શિલ સફારી જેવા કલાકારોએ અભિનય કર્યો છે
  • જોકે ફિલ્મની કહાની અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી: અગાઉ ભુજના નામે યુદ્ધ આધારિત ફિલ્મનું નિર્માણ થયું છે

હિન્દી અને ગુજરાતી ફિલ્મ સર્જકો માટે કચ્છ પસંદગીનું સ્થળ છે. હમ દિલ દે ચૂકે સનમ અને લગાન સહિતની હિન્દી અને ગુજરાતી ભાષાની અનેક ફિલ્મો, વેબ સિરીઝનું શૂટિંગ કચ્છમાં થયું છે. તથા હવે અહીંના વિવિધ સ્થળો પર શૂટિંગનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં જ ભુજ શહેરને ફિલ્મના ટાઇટલમાં સ્થાન આપી અજય દેવગણ સ્ટારર ભુજ-ધ પ્રાઇડ અોફ ઇન્ડિયા ફિલ્મ બની હતી. તેવામા હવે કચ્છના નામને ટાઇટલમાં રાખી અેક ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ” બની છે. આ ફિલ્મ 6મી જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

ગુજરાતી ફિલ્મ “ગોલકેરી” ના નિર્માતાઓ દ્વારા અા ફિલ્મ બનાવામાં અાવી છે. ફિલ્મમાં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, દર્શિલ સફારી, ધર્મેન્દ્ર ગોહિલ, વિરાફ પટેલ, હીના વર્દે જેવા પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મના બે પોસ્ટર અત્યાર સુધી રિલીઝ કરી દેવામાં અાવ્યા છે. ફિલ્મીની વાર્તામાં રત્ના પાઠક શાહ અને માનસી પારેખ સાસુ અને વહુ તરીકે આવવાના છે.

આ પહેલીવાર છે કે રત્ના પાઠક શાહ એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની બાકી કહાની અંગે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે કચ્છ એક્સપ્રેસ ટ્રેન કચ્છ અને મુંબઇને જોડવા સાથે બે વિસ્તારોના લોકોને પણ અરસપરસ સાંકળી રાખે છે ત્યારે આ ફિલ્મના પોસ્ટર રીલીઝ થતા કચ્છવાસીઓની ઉતેજના પણ વધી ગઇ છે.

મુંબઇ સાથે કચ્છને જોડતી સૌથી જૂની ટ્રેન
નોંધનીય છે કે કચ્છ એક્સપ્રેસ હાલ ભુજ અને મુંબઇને જોડતી અને લોકોની લાગણીઓ સાથે જોડાયેલી રેલવે સેવા છે. કચ્છને મુંબઇ સાથે જોડતી આ પહેલી ટ્રેન સેવા હતી. તેને પહેલા 9 હોલ્ટ્સ સાથે બોમ્બે સેન્ટ્રલથી ગાંધીધામ એક્સપ્રેસ તરીકે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. બાદમાં ભુજ સુધી બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થતા 2001માં ભુજ સુધી લંબાવવામાં આવી હતી. 8મી ફેબ્રુઆરી 2008ના રોજ આ ટ્રેનને બાંદ્રા ટર્મિનસ ખસેડવામાં આવી હતી. સમયપ્રમાણે આ ટ્રેનનું નામ કચ્છ અેક્સપ્રેસ કરવામાં આવ્યું હતું. હવે આ નામથી જ ગુજરાતી ફિલ્મ આવી રહી હોવાથી કચ્છ અને મુંબઇમાં રહેતા કચ્છીઓમાં ઉત્કંઠા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...