રજૂઆત સરકારને મોકલી:લખપતના કુંડી ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક યુવા ફોટોગ્રાફરે પાડેલી રમણીય ધોધની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ
  • તાલુકા વિકાસ અધિકારીએ ધોધને વિકસાવવા રજૂઆત સરકારને મોકલી

લખપત તાલુકાનો કુંડીનો ધોધ હાલ ઇન્ટરનેટ પર છવાયો છે. ભારે વરસાદના પગલે આ ધોધમાં જોશભેર પાણી વહી રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. સ્થાનિક ફોટોગ્રાફરની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે. તેવામાં હવે આ સ્થળનો વિકાસ કરવામાં સરકારે પણ રસ લીધો છે.

કચ્છની ધરતી દરેક ઋતુમાં પોતાના અવનવા રંગ દેખાડે છે. હાલ ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ગુજરાતમાં ડાંગના ધોધ (વોટરફોલ) વિખ્યાત છે. પરંતુ તેને પણ ટક્કર આપતાં ધોધ કચ્છમાં પણ છે ! ફક્ત તે શોધી શકાયાં નથી કે લોકો ત્યાં પહોંચી શક્યા નથી. પણ હાલ સોશિય મીડિયાનો યુગ હોતાં તે સુધી પહોંચવું અને તેનો પ્રચાર- પ્રસાર કરવું સહેલું બન્યું છે.

કચ્છમાં આવેલા પાલારધુના ધોધ અને ત્યારબાદ કડીયા ધ્રો જે કચ્છના પ્રવાસન સ્થળ તરીકે ચમકી ઉઠ્યા છે. પણ એનાથી અદભુત અને કચ્છનો સૌથી મોટો ધોધ (વોટરફોલ) હોય તો તે લખપત તાલુકાના માણકાવાંઢ ગામ પાસે આવેલો કુંડી ધોધ છે. જેનો નજારો ખરેખર અદભૂત છે. અને હાલ સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા થઈ રહી છે.

લખપતના સ્થાનિક યુવા ફોટોગ્રાફર અને ગાઇડ લિયાકતઅલી નોતિયારએ ત્યાં જઈ આ ધોધની ફોટોગ્રાફી કરી હતી. જે તેમણે શેર કરતાં ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગે અે તસવીરો માંગીને તેમના સરકારી ઇન્ટરનેટ પરના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર લિયાકતઅલીના નામ સાથે અપલોડ/શેર કરી હતી.

જેથી કુંડી ધોધ વિખ્યાત બન્યું છે. ત્યારબાદ અવર કચ્છ પેજ અને ગુજરાત સરકારના માહિતી ખાતાના સોશિયલ મીડિયા અેકાઉન્ટ પર પણ આ તસવીરો શેર કરવામાં આવી છે. જેને એક દિવસમાં જ 10 હજારથી વધુ લોકોએ લાઇક કરેલી છે. આ તકે લખપત તાલુકા વિકાસ અધિકારી સંજય ઊપલાણા પણ જે ખુબ સક્રિય છે તેમણે સ્થળ મુલાકાત કરી રસ્તાની સફાઇ કરાવી હતી. અને આ સ્થળનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવા સરકારને રજૂઆત કરી છે.

કુદરતે કચ્છને આપી છે અનેરી ભેટ
ફોટો શેર થયાં બાદ ચર્ચાનો વિષય બનેલા કુંડી ધોધ બાબતે ફોટોગ્રાફર લિયાકતઅલી નોતિયારે જણાવ્યું કે, કચ્છને આ એક અનેરી કુદરતી ભેટ છે. લોકો વોટરફોલ ચોમાસાને માણવા સાપુતારા સુધી જાય છે. પરંતુ આવો જ નજારો પ્રવાસીઓ કુંડી ધોધ પાસે મળી શકે છે. પ્રવાસીઓ ભલે આવે પણ અહીં રિસ્પોન્સીબલ ટુરિઝમનો વિકાસ થાય તે જરૂરી છે. લોકો નાસ્તા કરી સફાઇ- કચરાનું ધ્યાન રાખે. આ સ્થળ પર પ્લાસ્ટિક કચરો ન કરે અને સ્વચ્છ સુંદર રાખે એવી વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...