લખપત તાલુકાના છુગેર ગામની સીમમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી કેબલ વાયર ચોરનારા 6 ઇસમોને ભુજ એલસીબીએ ઝડપી દયાપર પોલીસ મથક વિસ્તારમાં થયેલી બે કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને દોઢ લાખની મત્તા જપ્ત કરી હતી. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લખપતમાં હતી, ત્યારે બાતમી મળી કે ઘડુલીથી લખપત જતા રોડ પર છુગેર ગામના પાટિયા પાસે અમુક ઈસમો છોટા હાથી નંબર જી.જે 12 AV 7062 માં નિકળવાના છે.
જેથી બાતમીવાળા છોટા હાથીને રોકાવી તેમાં રહેલા ઈસમો કોટડા જડોદરના નૂરમામદ ઈલિયાસ કુંભાર તેમજ ઘડુલી ગામના અનવર હુસેન ઈબ્રાહીમ કુંભાર,અસલમ હાજી નૂરમામદ રાયમા, લતીફ જુમા કુંભાર, મુસ્તાક જુમા રાયમા અને ગુલામ હાજીઅલી રાયમાની પુછપરછ કરતાં તેમણે એક મહિના પહેલા ઘડુલીથી 3 કિ.મી. દૂર લખપત ગામ તરફ જતાં મેઈન હાઈવે પર ડાબી બાજુ છુગેર ગામની સીમમાં ઈલેકટ્રીક લાઈટના લોખંડના થાંભલામાંથી પસાર થતી લાઈનના વાયરો કાપી એલ્યુમિનિયમ કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
તેમજ 3 દિવસ પહેલા પણ ઘડુલીથી લાખાપર જતા રોડ પર ખેતરપાળ દાદાના મંદિર પાસે ઈલેકટ્રીક લાઈનના વાયરો ચોર્યા હોવાની કબૂલાત આપતા છ ઈસમોની અટકાયત કરીને તેઓ પાસેથી 90 હજારનો છોટા હાથી, 60 હજાર રોકડા અને 2500ના ચાર મોબાઈલ કબ્જે કરી કબ્જો દયાપર પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.