પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરો ચોરાઉમાલ વેચી રોકડી કરી રહ્યા છે. ત્યારે ચોરાઉ કેબલ સહિતનો માલ ખરીદનાર ભંગારના વાડાના કામ કરતા શખ્સ અને ચોરી કરીને માલ વેચવા આવનાર નખત્રાણાના કોટડા ગામના ઇસમની અટકાયત કરીને બે અલગ અલગ બનાવમાં વાહન સમેત 4.91 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે એલસીબીએ નખત્રાણા નજીક વૉચ ગોઠવી બોલેરો જીપમાં ચોરાઉ કોપર પ્લેટ અને એલ્યુમિનિયમ કેબલનો જથ્થો લઈને જતાં કોટડા જડોદરના રઝાક જાકબ કુંભાર (ઉ.વ. ૨૫)ને ઝડપી પાડ્યો હતો. જીપમાંથી 1.80 લાખની કિંમતની 400 કિલોગ્રામ કોપર પ્લેટ, 3,500 રૂપિયાની કિંમતનો 50 કિલો એલ્યુમિનિયમ કેબલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ ચોરાઉ માલ તેને લખપતના બરંદાના નવાઝ લુહાર નામનો શખ્સ આપી ગયો હતો. જે વાયોર પોલીસના હાથે પકડાઇ ગયો હતો. જેથી ભયના કારણે ચોરાઉ માલ જીપમાં નાખીને ભુજ વેચવા જતો હતો.
એલસીબીએ રજાકના કબજામાંથી ચોરાઉ કેબલ અને પ્લેટો તેમજ અઢી લાખની જીપ સહિતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ ભુજના સુરલભીટ્ટ નજીક ભંગારવાડો ધરાવતાં સલીમ નોડેના વાડામાં પવનચકકીના ચોરાઉ કેબલનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી ભંગારવાડામાંથી અંદાજે 50,250ની કિંમતના 570 કિલોગ્રામ કોપર વાયર અને ભંગાર સાથે ભંગાર વાડામાં હાજર ખાવડાના ગોરેવાલીના મામદ રફીક અદ્રેમાન હાલેપોત્રાની અટકાયત કરીને પુછપરછ કરતાં તેમના શેઠ સલીમ નોડેની હાજરીમાં કેટલાક શખ્સો બોલેરો જીપથી માલ વેચાણથી આપી ગયા હોવાનું પોલીસને જણાવતાં પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.