ઉતરાયણથી એક દિવસ અગાઉ શુક્રવાર તારીખ 13 ના ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો. 16 દેશ અને ભારતના 9 રાજ્યના પતંગબાજોએ આ ઉત્સવમાં વિવિધ ડિઝાઇનના પતંગો ચગાવ્યા હતા.
આ અગાઉ સવારે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા તેમજ અધિકારીઓએ આકાશમાં ફુગ્ગા છોડીને ઉદ્ઘાટન કર્યું હતું અને વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટસને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાના નેતાઓ તો ન આવ્યા પરંતુ કચ્છમાંથી પણ માત્ર ભુજના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાય કોઈ જ ધારાસભ્ય ફરક્યા નહીં. નાના નાના કાર્યક્રમમાં પણ હાજરી આપતા નેતાઓ આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં કેમ ન દેખાયા તે ચર્ચામાં વિષય બન્યો હતો.
ધોરડોના વિશાળ નમક આચ્છાદિત સફેદ રણ પર પ્રવાસન વિભાગે ગોઠવેલી વ્યવસ્થા અનુસાર કાર્યક્રમ બાદ એશિયા, યુરોપ અને આફ્રિકન દેશોથી તેમજ ભારતના વિવિધ રાજ્યમાંથી આવેલા પતંગ રસિયાઓએ સાથે લઈ આવેલા વિવિધ ડિઝાઇનના મહાકાય પતંગો ચગાવ્યા હતા.
જો કે, બપોર સુધી પવન નહીવત રહેતા પતંગબાજોને તેમના પતંગો ચગાવવામાં મુશ્કેલી પડી હતી જેને કારણે આભમાં પતંગ ઓછા દેખાતા હતા. વહીવટી તંત્ર તરફથી કલેકટર સહિતના અધિકારીઓ આ પ્રસંગે પતંગ ઉડાડવાનો લ્હાવો લીધો હતો. સફેદ રણને માણવા આવેલા પ્રવાસીઓ પણ જોડાયા હતા. આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.
16 દેશના પતંગપ્રેમીઓ ચિત્ર-વિચીત્ર અસબાબ સાથે રણમાં પહોંચ્યા
આ પતંગોત્સવમાં 16 દેશના પતંગબાજો જોડાયા હતા, જેમાં ઈન્ડોનેશિયા, ઈઝરાયલ, લેબનાન, લિથુઆનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, નેપાલ, નેધરલેન્ડ, બોના એર, ઓસ્ટેશિયસ, પોલેન્ડ, પોર્ટૂગલ, સાઉથ આફ્રિકા તેમજ સ્લોવેનિયન કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
સફેદ રણ આવવાનું ખાસ આકર્ષણ હોય છે : સૌલે, લિથુઆનિયા
યુરોપિય દેશ લિથુઆનિયાથી કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી સૌલે વર્ષ્કેવિસ્યુટ કહે છે કે 2017 માં પ્રથમ વખત ભારત પતંગોત્સવમાં આવી હતી ત્યારબાદ આ વર્ષે ફરીથી અહીં આવવાનું થયું ત્યારે સૌ પ્રથમ સફેદ રણ જવાનું છે કે નહીં તે જાણ્યું હતું. તેમણે જણાવ્યું કે, મને સફેદ રણનું ખાસ આકર્ષણ છે એટલા માટે જ ફેસ્ટિવલમાં આવવાનું નક્કી કર્યું હતું.
રણનો આનંદ અલગ જ છે : મહંમદ ફઝલ અલી, મલેશિયા
30 વર્ષથી વિશ્વના અનેક દેશોમાં કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેનારા તેમજ 1996માં પ્રથમ વખત ભારત આવેલા મલેશિયાના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મહંમદ ફઝલ અલી પાંચમી વખત ભારત આવ્યા છે. મીઠાના રણમાં પતંગ ઉડાડવાની અલગ જ મજા છે, તેવું જણાવતા કહે છે કે અત્યાર સુધીના અનેક લોકેશન પર ફર્યા બાદ આવું સ્થળ મેં કોઈ જ નથી જોયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.