કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નગરસેવકો સાથે વ્યક્તિગત સંવાદ સાધતા નગરપાલિકાના માધ્યમથી ભુજ શહેરના વિકાસકાર્યોમાં વધુ વેગ લાવવાની નેમ વ્યક્ત કરી હતી.
બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કેશુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિકાસ એ સતત અને અવિરત ચાલતી પ્રક્રિયા છે. વિકાસની આ વણથંભી યાત્રા ક્યારેય વિરામ નથી પામતી. આગામી આયોજન પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે ભુજ નગરપાલિકાના માધ્યમથી હું ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ વચનબદ્ધ અને કટિબદ્ધ છું.
ભુજ નગરપાલિકા દ્વારા વર્તમાનમાં અનેક વિકાસકાર્યો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં નગરસેવકો સાથે સંકલન કરીને શહેરના રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, ગટર, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોને આડે ખૂટતી તમામ કડીઓ પરીપૂર્ણ કરીને વિકાસને નવી ઊંચાઈએ લઈ જવામાં આવશે.
બેઠકમાં નગરપતિ ઘનશ્યામભાઈ અાર. ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતા અશોકભાઈ પટેલ, દંડક અનિલભાઈ છત્રાલા, વલ્લમજીભાઈ હુંબલ, રમેશભાઈ મહેશ્વરી, નીલમબેન લાલવાણી, બાલુભાઈ મોતા, જયદીપસિંહ જાડેજા, ભૌમિકભાઈ વચ્છરાજાની સહિતના હાજર રહ્યા હોવાનું સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.