મજબૂત લોકશાહી માટે ભારતના ગાણા ગાઇ શકાય એટલા ઓછા છે અને તેના પ્રોત્સાહક ઉદાહરણો દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી ચોક્કસ મળી શકે છે. અંજાર તાલુકામાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં કાઠું કાઢનારા ગામ રતનાલના 37 વર્ષીય નંદલાલભાઇ ઉર્ફે ધનજીભાઇ શામજીભાઇ આહિર શરીરે સંપૂર્ણ દિવ્યાંગ છે પણ લોકશાહીનું પર્વ ઉજવવાનું 18 વર્ષ બાદ આજ સુધી ચૂક્યા નથી. બાબાગાડી જેવી બેથી અઢી ફૂટની વ્હીલકારમાં તેઓ નિયમિત ફરે છે અને પંચાયતથી માંડીને પાર્લિયામેન્ટ સુધીની એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. અગાઉ તેઓ કચ્છના જિલ્લા વહીવટી તંત્રના ‘ઇલેકશન આઇકોન’ રહી ચૂક્યા છે અને તેમની નોંધ ભારતના ચૂંટણી પંચે પણ લીધી છે.
મતદારો જાગૃત બને અને સારામાં સારા મતદાન થકી લોકશાહીનું પર્વ ઉજવાય તેના માટે જિલ્લા વહીવટી તંત્રથી માંડીને સંસ્થાઓ તથા જૂની પેઢીના લોકો સતત જાગૃતિ ફેલાવતા હોય છે. તેની વચ્ચે કચ્છના ઇલેકશન આઇકોન પણ યુવાનો અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે. રતનાલના નંદલાલભાઇ ઉર્ફે ધનજીભાઇ આહીર જન્મના બે વર્ષ બાદ કેલ્શિયમની ખામીની બિમારીથી પીડિત રહ્યા છે. બાળપણના વર્ષોમાં તેમના શરીરના હાડકા તૂટતા જતા હતા જેથી તેમનો શારીરિક વિકાસ પણ થયો ન હતો. પરિવારના પાંચ જણમાં બે મોટા ભાઇ બહેનની શારીરિક તંદુરસ્તી સારી છે પણ નંદલાલભાઇ અને તેમની બે નાની બહેન દિવ્યાંગ છે. કેટલાક સમયથી નંદલાલભાઇના હાડકા તૂટવાનું બંધ થયું અને 18 વર્ષ બાદ તેઓ લોકશાહીને મજબૂત બનાવવાના ભાગીદાર રહેતા આવ્યા છે.
સંપૂર્ણ દિવ્યાંગતાની વચ્ચે તેમણે સતત સુતા રહેવું પડે છે. જોકે, અઢી ફૂટની બાબાગાડી જેવી કારમાં ફરીને તેનો મોબાઇલ ફોન રિચાર્જ કરવાના કાઉન્ટર જેવો વ્યવસાય કરી લે છે. સરકાર તરફથી માસિક રૂપિયા 1000 પેન્શન મળે છે, જે આ મોંઘવારીમાં ઓછું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં પણ મતદાન માટે હરહંમેશ ઉત્સુક હોય છે. રતનાલની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, અંજાર તાલુકા પંચાયત કે કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય અથવા ગુજરાત વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી હોય તેમાં મત આપવાનું ચૂક્યા નથી. કચ્છના તત્કાલિન કલેકટર નાગરાજનના સમયમાં નંદલાલ આહિરને કચ્છના ઇલેકશન આઇકોનનું બિરુદ આપીને અન્ય મતદારોને પ્રોત્સાહિત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.