દબાણ:શહેરમાં કેબિનો રાખવા ન રાખવા માટે જાણે દબાણ શાખાનો ઈજારો !

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરજીમાં આવે એવા નીતિ નિયમ મુજબ ઉપાડી લે અને બક્ષી પણ દે
  • પાલિકાની નજરથી જોવું પડે અને સમજવું પડે કે કોને દબાણ કહેવાય

ભુજ શહેરમાં રાતોરાત ગમે ત્યાં કેબિનો ખડકાઈ જાય છે, જેમાંથી નગરપાલિકાની દબાણ શાખાને ઠીક લાગે અેની કેબિન ઉપાડી લે અને બક્ષી પણ દે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી અાવી પ્રવૃત્તિથી અેવું લાગી રહ્યું છે કે, શહેરમાં કેબિનો રાખવાનો કે ન રાખવાનો જાણે ભુજ નગરપાલિકાની દબાણ શાખાનો ઈજારો છે!

ભુજ શહેરમાં હમીરસર તળાવથી જિલ્લા પંચાયત તરફ જતા ફૂટપાથ ઉપર પાથરણા પાથરી તૈયાર વસ્ત્રોનો ધંધો કરનારાનો રાફડો ફાટ્યો છે. જેના ઉપર નગરપાલિકાની મિઠ્ઠી નજર હોય કોઈ સખત કાર્યવાહી થતી નથી. ત્યારબાદ હમીરસર તળાવની પાળ પાસેના ફૂટપાથ ઉપર હાથલારીઅો ખડકાવવા લાગી. ત્યાંથી ન અટકતા કૃષ્ણાજી પુલ અને રામકુંડ તરફ જતા પુલ પાસેના ફૂટપાથ ઉપર ખાણીપીણીની કેબિનોઅે ધામા નાખ્યા.

અામ અેકબાજુ હાથલારી અને કેબિનોનો રાફડો ફાટવા લાગ્યો અને બીજી તરફ નગરપાલિકાની દબાણ શાખાની મરજીમાં અાવે અેવા નીતિ નિયમ મુજબ ઉપાડી લેવા અને બક્ષી દેવાની પ્રવૃત્તિ ધમધમવા લાગી, જેથી અાખી પ્રવૃત્તિ શંકાના દાયરામાં અાવી ગઈ.

ધીરેધીરે લોકો સમજવા લાગ્યા કે શહેરમાં કેબિનો રાખવા ન રાખવા ઉપર નગરપાલિકાની દબાણ શાખાનો ઈજારો થઈ ગયો છે, જેથી ઈજારદાર સિવાય અન્ય કોઈ કેબિન કે હાથલારી રાખે તો કોપાયમાન થઈને ઉપાડી લેવામાં અાવે છે. જો અેવું ન હોય તો સ્ટેશન રોડ પાસે સ્ટેટ બેન્ક અોફ ઈન્ડિયાના દરવાજા પાસે દબાણ કરી ભાડું રાખી ઊંભું ભાડું વસુલાતા હોવાના અાક્ષેપો પણ ન થાય. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નગરપાલિકાની દબાણ શાખાના કર્મચારીઅો અે દબાણ કેમ નથી હટાવતા અે અાક્ષેપોમાં તથ્ય હોવાનું સ્પષ્ટ કરે છે.

ત્રિકોણબાગમાં રેંકડીઅોનો ખડકલો
છઠ્ઠીબારીથી વાણિયાવાડ નાકાથી લાલ ટેકરી તરફ જતા વચ્ચે ત્રિકોણ બાગ અાવેલું છે. જેની સારસંભાળ રાખવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હતી, જેથી તેમાં રેંકડીઅો પાર્ક થવા લાગી છે. અે રેંકડીઅો કેમ ખસેડાતી નથી. અે રેંકડીઅો ખસેડીને ત્યાં પાર્કિંગ પ્લોટ બનાવી દેવાય તો અાસપાસના દુકાનમાલિકો માટે રાહત રૂપ થાય અને ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ જાય.

દબાણ હટાવવાની જવાબદારી કોની
હોસ્પિટલ રોડ ઉપર જ ટ્રાફિકને નડતર રૂપ કેબિનોનો ખડકલો છે. જે ફૂટપાથ ઉપર નથી. રોડ ઉપર છે. અામ છતાં તેને ટ્રાફિક પોલીસ કેમ હટાવતી નથી. અે પણ અેક પ્રશ્ન છે. ફૂટપાથ ઉપર થયેલા દબાણો હટાવવાની જવાબદારી નગરપાલિકાની છે તો શું સ્ટેશન રોડ સહિતના વિસ્તારો ઉપર થયેલા દબાણો હટાવવાની જવાબદારી ટ્રાફિક પોલીસની નથી. અેવો પ્રશ્ન શહેરીજનોને થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...