આદેશ:અબડાસાના 3 મભોયો કેન્દ્રો પર ગેરરીતિ: સંચાલકોની નિમણૂક રદ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કેન્દ્રો પર તપાસ કરાય તો અનેકના પગ નીચે આવે રેલો
  • દાળ, તેલ, ઘઉં, ચોખા શાળામાં રાખવાના બદલે ઘરે લઇ ગયા

અબડાસા તાલુકાના મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રો પર અોચિંતી તપાસ દરમ્યાન સંચાલકની ગેરહાજરી વચ્ચે દાળ, ચોખા, ઘઉં, તેલનો જથ્થો સંચાલકોઅે શાળાના સ્ટોરરૂમમાં રાખવાના બદલે પોતાના ઘરે લઇ ગયા હોવાનું બહાર અાવ્યું હતું, જેના પગલે મામલતદારે 3 સંચાલકોની નિમણૂક કાયમી ધોરણે રદ કરી હતી.

અાકસ્મિક તપાસ દરમ્યાન અબડાસા તાલુકાના જંગડિયાની પ્રાથમિક શાળાના મભોયો કેન્દ્ર પર સંચાલક રમેશ બાબુલાલ ભાનુશાલી, જખાૈ કન્યા પ્રા. શાળાના મભોયો કેન્દ્રના સંચાલક અરૂણાબેન અેસ. ભાનુશાલી અને જખાૈ કુમાર પ્રા. શાળાના મભોયો કેન્દ્રના સંચાલક સુરેન્દ્રસિંહ દેવાજી અબડા હાજર મળી અાવ્યા ન હતા.

વધુમાં સંચાલકો ઘઉં, ચોખા, દાળ અને તેલનો જથ્થો શાળાના સ્ટોરરૂમમાં રાખવાના બદલે પોતાના ઘરે લઇ ગયા હતા, જે મામલે સંચાલકોઅે અા જથ્થો સાફ સફાઇ માટે પોતાના ઘરે લઇ ગયા હોવાનો હાસ્યાસ્પદ બચાવ રજૂ કર્યો હતો.

ઉપરાંત બાળકોને મેનુ મુજબ ભોજન અપાતું ન હોવાનું પણ બહાર અાવ્યું હતું અને હિસાબોનું રેકર્ડ પણ શાળાઅે જ નિભાવવાનું હોવા છતાં સંચાલકોઅે તેની અમલવારી કરી ન હતી. જેથી મામલતદાર ડામોરે સંબંધિત સંચાલકોને સાંભળ્યા બાદ મભોયો કેન્દ્રના સંચાલક તરીકેની નિમણૂક કાયમી ધોરણે રદ કરવાનો અાદેશ કર્યો હતો.

અત્રે અે પણ નોંધવું રહ્યું કે, ન માત્ર અબડાસા પરંતુ કચ્છના અન્ય મોભોયો કેન્દ્રો પર અોચિંતી તપાસ કરાય તો અનેક સંચાલકોના પગ નીચે રેલો અાવે તેમ છે કારણ કે, મોટાભાગના સંચાલકો દાળ, ચોખા, ઘઉં, તેલનો જથ્થો શાળાના સ્ટોર રૂમમાં રાખવાના બદલે પોતાના ઘરે રાખે છે.

અન્ય સમાચારો પણ છે...