શહેરમાં હરિપર રોડ પર આવેલી કચ્છી લેવા પટેલ સમાજની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ કોલેજમાં કથિત ત્રાસ થકી અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી લીધી છે.છાત્રોનો અને પરિવારજનોનો આરોપ છે કે,ખડીરના અમરાપર ગામના 20 વર્ષીય દેવરામ વરચંદના આપઘાત કેસમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ જવાબદાર છે એક તરફ મોતના ત્રીજા દિવસે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, ગઈકાલે હોબાળા અને વિદ્યાર્થીઓની કેન્ડલ માર્ચ બાદ બી ડિવિઝનમાં એડી દાખલ થઈ હતી. બીજી તરફ કોલેજમાં છાત્રો અભ્યાસથી આજેય દુર રહ્યા હતા.
હતભાગી દેવરામના કાકા મોહનભાઈ વરચંદે ભાસ્કરને જણાવ્યું કે, તેમનો ભત્રીજો દેવરામ ભણવામાં તેજસ્વી હતો તે ધો.4 બાદ હોસ્ટેલમાં જ રહીને ભણ્યો છે અને આરોગ્યક્ષેત્રમાં આગળ વધી તેને ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવા કરવાની ઇચ્છા હોવાથી બે વર્ષથી કચ્છી લેવા પટેલ સમાજની નર્સિંગ કોલેજમાં ભણતો હતો પણ તેના કલાસ ટીચર અને પ્રિન્સિપાલ દ્વારા નાની નાની બાબતોમાં જે ત્રાસ આપવામાં આવ્યો તે અસહ્ય હતો.તેમણે આક્ષેપ સાથે જણાવ્યું કે,મહિલા પ્રોફેસર દ્વારા તેને લક્ષ્યાંક બનાવી વારંવાર કોલેજમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.
દીકરો તો ચાલ્યો ગયો હવે પાછો નહીં આવે પણ બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે જવાબદાર બંને સામે મરવા માટે મજબુર કરવા સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ થાય અને કાર્યવાહી થાય તેવી માગણી છે પણ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.આ સંદર્ભે ભુજ બી ડિવિઝન પીઆઇ કે.સી.વાઘેલાથી વાત કરતા તેમણે જણાવ્યું કે, અકસ્માત મોત સંદર્ભે તપાસ શરૂ કરી દેવાઈ છે.જેમાં પરિવારની સાથે સાથી વિદ્યાર્થીઓના નિવેદન લેવાઇ રહ્યા છે તેમજ સીસીટીવી, કોલ ડિટેઇલ્સની તપાસના આધારે પુરાવા એકત્ર થતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઘટનાથી છાત્રોમાં હતાશા : અભ્યાસમાં નથી લાગતી રૂચી
દરમ્યાન આ ચકચારી બનાવમાં સૌથી વધુ અસર કોલેજના સાથી વિદ્યાર્થીઓ પર થઇ છે 29 તારીખે બનાવ બન્યો તેના બીજા દિવસે મોટાભાગના છાત્રો અભ્યાસ માટે ગયા ન હતા તેઓ કહે છે કે, મનમાં દેવરામના વિચારો હોવાથી અભ્યાસમાં રુચિ લાગતી નથી.મન મક્કમ બનાવીને વિદ્યાર્થીઓએ બુધવારે મેનેજમેન્ટ સામે બાયો પણ ચડાવી હતી.ગુરુવારે છાત્રો રાબેતા મુજબ કોલેજમાં ગયા પણ દેવરામ આપણી વચ્ચે નથી તે વાત હજી પણ માનવામાં ન આવી.જેથી આ વિષય પર જ ચર્ચા થઈ હતી તેમજ ગુરુવારે બપોરે 2 ના બદલે 11 વાગ્યે જ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,દેવરામનો સ્વભાવ પ્રેમાળ અને હસમુખો હતો હાલ અભ્યાસમાં રુચિ લાગતી નથી.અત્રે મહત્વનું છે કે કોલેજના સંચાલકોએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ સંપાદિત કરી તેમની અભ્યાસરુચિમાં વધારો કરવો પડશે. કુમળીવયના છાત્રોની મનોસ્થિતિ પારખીને તેઓને અભ્યાસમાં પૂર્વવ્રત કરાય તે ભવિષ્યની દ્રષ્ટિએ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.