કામગીરી:સ્ટાફઘટ વચ્ચે કચ્છમાં કર્મીઓની આંતરજિલ્લા બદલી છે અશક્ય

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓને રજુઆત થતાં ઘટતું કરવાની ખાતરી

કચ્છના સરકારી વિભાગોમાં સ્ટાફની ભારે ઘટ છે,કારણકે ગુજરાતના જિલ્લાઓમાં ફરજ બજાવતા સ્ટાફને કચ્છમાં મુકવામાં આવે તો તેઓ સજા માને છે.કચ્છ સજાનો જિલ્લો છે એવી માનસિકતા હજી પણ સરકારી કર્મચારીઓના મનમાંથી ગઈ નથી.જેથી 5 વર્ષ પૂર્ણ થાય પછી પોતાની બદલીની માંગણી મુકતા હોય છે પણ સામે કચ્છમાં સ્ટાફ આવતો નથી.એકતરફ તમામ સરકારી વિભાગો 50 થી 60 ટકા સ્ટાફ સાથે ચાલે છે તેવામાં જિલ્લા પંચાયત પાસે આવેલી અંદાજીત 500 જેટલા કર્મચારીઓની આંતરજિલ્લા બદલીની ફાઇલ સરકારમાં મોકલાય તો જિલ્લામાં સ્ટાફઘટનો મોટો ઇસ્યુ સર્જાય તેમ છે.

દરમ્યાન આંતરજિલ્લા બદલીની ફાઇલ અટવાઈ જવાથી વરસાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા શુભમ નામના આરોગ્ય કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જે ઘટના બાદ શનિવારે કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ડીડીઓ સમક્ષ આંતર જિલ્લા ફેરબદલી કરાય તેવી માંગણી સાથે આવેદનપત્ર અપાયું હતું ત્યારે પણ સ્ટાફઘટ મુદ્દે જ ચર્ચા કરાઇ હતી.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું કે,જે આરોગ્ય કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો,તેને રૂબરૂ બોલાવ્યો હતો અને પરિસ્થિતિ જાણ્યા બાદ બદલીની ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવી છે.અન્ય કર્મચારીઓ પણ માંગણી મૂકી રહ્યા છે પણ કચ્છમાં સ્ટાફની ઘટ હોવાથી આ મુદ્દે વિચારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...