ભચાઉ-ભુજ વાયા દુધઈ રાજ્ય ધોરીમાર્ગ અકસ્માતનું કેન્દ્ર બની ગયો હોય તેમ અવિરત અકસ્માતની ઘટના બની રહી છે. આજે બુધવારે સવારે સવા નવ વાગ્યાના અરસામાં ભચાઉના આંબરડી પાસે વધુ એક કાર અકસ્માત સર્જાયો હતો. ટવેરા અને ઇનોવા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કચ્છ સથવારા સમાજના પ્રમુખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોએ સ્થળ પર આવી માર્ગ નિર્માણ સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી યોગ્ય નિરાકરણની માંગ કરી હતી.
ભચાઉના આંબરડી પાસે વીજ કચેરી સામેની ગોળાઈ નજીક સવારે ઇનોવા અને ટવેરા કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં બંન્ને કારમાં સવાર 5થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મુંબઈથી વતન આવવા નીકળેલા જિલ્લા સથવારા સમાજના પ્રમુખ વસંતભાઈ સથવારા દુધઈના નવાગામ પોતાના ઘરે જતા હતા. ત્યારે આંબરડી નજીક સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વસંતભાઈને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેમને ભુજ લેઉવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી નિર્માણ પામેલા ભચાઉથી કનેયાબે સુધીના 4 માર્ગીય ધોરીમાર્ગ પર અનેક સ્થળે ગાબડાં પડી ગયા છે. ખાસ કરીને ભચાઉ તાલુકાના આંબરડી, શિકરા, કુંભારડી સહિતના ગામ નજીક અનેક ભયજનક ગોળાઈ આવેલી છે. નવો માર્ગ બનાવ્યા બાદ પણ તંત્ર દ્વારા આ માર્ગની સ્થિતિમાં કોઈ સુધાર કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે અકસ્માતની ઘટના રોજિંદી બની ગઈ છે અને તેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આજે સર્જાયેલા આ અકસ્માત એકઠા થઇ ગયેલા સ્થાનિક લોકોએ તંત્ર વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ માર્ગ સુધારણાની માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વેજ અહીં ગ્રામજનો દ્વારા ચક્કજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.