સરહદી લખપત તાલુકામાં આવેલ એકમાત્ર પાંધ્રો આઇટીઆઈ યુવાઓને રોજગારી અપાવવામાં માટે મહત્વનું માધ્યમ બની રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શૈક્ષણિક સંકુલમાં સમસ્યાઓએ ભરડો લઈ લીધો છે.સ્ટાફઘટની સાથે બિલ્ડીંગનું માળખુ પણ જર્જરિત થઈ ગયું છે.જેના કારણે અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
જાણવા મળતી વિગતો મુજબ,વર્ષ 1988માં પાંધ્રો ખાતે ગુજરાત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી છે.સરહદી વિસ્તારમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેમજ અહીં જીએમડીસીની સાથે થર્મલ પાવર સ્ટેશનો આવેલા હોઈ સ્થાનિક યુવાઓને રોજગારી આપવાના આશયથી સરકાર દ્વારા આ શૈક્ષણિક સંકુલ ઉભું કરવામાં આવ્યું છે.
પ્રિન્સિપાલની જગ્યા 8-10 વર્ષથી ઈન્ચાર્જના હવાલે
જેમાં વિદ્યાથીઓનો પણ સારો એવો પ્રતિસાદ રહે છે પણ મહત્વની વાત એ છે કે,અહીં સ્ટાફ ઓછો છે.29 ના મહેકમ સામે માત્ર 4 જ સ્ટાફ છે જેથી શિક્ષણકાર્યનું ગાડું કેવી રીતે ગબડાવાતું હશે તેની કલ્પના કરી શકાય.આ સાથે પ્રિન્સિપાલની જગ્યા પણ છેલ્લા 8-10 વર્ષથી ઈન્ચાર્જના હવાલે છે.હાલમાં અહીં 234 જેટલા તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શૈક્ષણિક સંકુલમાં ખૂટતી કડીઓ નિવારવામાં આવે તેવી માગ
અહીં તાલુકાભરમાંથી વિદ્યાથીઓ આવતા હોય છે પણ હોસ્ટેલ ખંડેર છે,સ્ટાફ ક્વાર્ટર પણ જર્જરિત હોવાથી અહીં જે સ્ટાફ બચ્યો છે તેને ભાડેથી રહેવું પડે તેવી પરિસ્થિતિ છે. આઇટીઆઈમાં કોપા,ઈલેક્ટ્રિશિયન,ફિટર,વેલ્ડર અને વાયરમેનના 5 કોર્ષ ચાલુમાં હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.વિદ્યાથીઓના હિતમાં આ શૈક્ષણિક સંકુલમાં ખૂટતી કડીઓ નિવારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
સાગર પટેલ - ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પાન્ધ્રો ITI
29ના મંજુર મહેકમ સામે માત્ર 4 નો જ સ્ટાફ છે ?
હા,ભરતીપ્રક્રિયા ચાલુમા છે.ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.જેઓના ઓર્ડર થાય તેઓ હાજર થઈ રહ્યા છે.
10 વર્ષથી કાયમી પ્રિન્સિપાલની નિમણુંક નથી થઈ ?
હા,હમણાં મારી પાસે નખત્રાણાની સાથે પાંધ્રોનો ચાર્જ છે.
સ્ટાફ ક્વાર્ટર અને હોસ્ટેલ ખંડેર હાલતમાં છે ?
બંને ઇમારત તોડવાની દરખાસ્ત માર્ગ મકાન વિભાગમાં કરવામાં આવી છે.નવી બિલ્ડીંગ બનાવવાનું આયોજન છે.
ડ્રાઇવિંગ લાઇસન્સની તાલીમ આપવામાં નથી આવતી ?
લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલુમાં છે પણ તાલીમ ઘણા વર્ષોથી બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.