અંજાર શહેરની ભાગોળે આવેલા પ્રસિદ્ધ મકલેશ્વર મંદિરમાં ગતરાત્રિ દરમ્યાન ફરી એક વખત ચોરીની ઘટના બનતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. તસ્કરોએ મંદિરના દરવાજા પર લાગેલા તાળાં તોડી ગેરકાયદે પ્રવેશ કરી મંદિરની અંદર રહેલા જલધારી, નાગદેવતાની મૂર્તિ અને દાન પેટીની ચોરીને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતાં પૂજારી સચિનભારથી ગોસ્વામીએ આગેવાનો અને પોલીસ તંત્રને જાણ કરી હતી. ઘટના પગલે પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી સહિતની ટીમ ઘટનાસ્થળે ઘસી જઈ ગંભીરતાપૂર્વકની તપાસ હાથ ધરી છે.
કચ્છમાં એક બાદ એક મંદિરમાં ચોરીની ઘટનાથી હિન્દૂ સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. મહત્વનું છે કે ગત વર્ષે અંજારના મકલેશ્વર મંદિરમાં ચોરીની ઘટના બાદ અંજાર દશનામ ગોસ્વામી સમાજ, સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને સાધુ સંતોએ પોલીસમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમ છતાં તસ્કરો પકડાયા ન હતા. ત્યારબાદ સીસીટીવી કેમરા લગાવવાની સૂચનાની અમલવારી પણ મંદિરમાં કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ચોરીની ઘટનાથી ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. પોલીસે ફરિયાદ નોંધાવની સાથે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.